ભક્તિનાં નવ સૂત્રોમાંથી આપણે ક્ષાંતિ, તત્પરતા, વિરક્તિ, માનશૂન્યતા અને આશા બંધની વાત કરી
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભક્તિનાં નવ સૂત્રોમાંથી આપણે ક્ષાંતિ, તત્પરતા, વિરક્તિ, માનશૂન્યતા અને આશા બંધની વાત કરી. હવે વાત કરવાની છઠ્ઠા સૂત્ર એવા સમુત્કંઠાની.
પ્રાણ કાંઠે આવી જાય, સાધકમાં સમુત્કંઠા આવી જાય. આવી ઉત્કંઠા આવે છે ધ્યાન આપજો. આ ભક્તિનું લક્ષણ છે. જ્યારે તમે કોઈ બહુ સારી વસ્તુ ખરીદો છો ત્યારે જો એ વસ્તુ તમારા કુટુંબીજનોને ખુશ કરી દે એવી હોય ત્યારે તમારા મનમાં એક પ્રકારની સમુત્કંઠા જાગશે કે ક્યારે આ તેને બતાવું? ક્યારે તેને બતાવું? ફોન કરશે કે તમે જલદી ઘરે આવી જાઓ. કોઈ ગાયક કોઈ સૂર સારી રીતે ગાઈ શકે, કોઈ સારું ગીત કમ્પોઝ થઈ જાય તો તેને સમુત્કંઠા જાગશે કે કોઈ મર્મજ્ઞને ક્યારે એ સંભળાવું? એમાં વક્તા પણ અપવાદ નથી. ક્યારેક કોઈ સૂત્ર અનુભૂતિથી તરબતર ભરાઈ જાય ત્યારે એમ લાગે છે કે ગાય વાછરડાને દૂધ ક્યારે પીવડાવે? ક્યારે પીવડાવે? ક્યારે પીવડાવે? સમુત્કંઠા. સમુત્કંઠામાં એવું જ થાય છે. તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ ત્યારે તમારા મનમાં એવું થાય છે કે ક્યારે મારી માને મારું પરિણામ-પત્ર બતાવું? ક્યારે મારા પિતાજીને આ રિઝલ્ટ બતાવું કે હું પાસ થઈ ગયો? સમુત્કંઠા. ક્યારે દર્શન કરીએ? ક્યારે દર્શન મળે? ક્યારે ઈશ્વર સામે આવે? આવી ઉત્કંઠા થાય ત્યારે માનવું કે સમુત્કંઠા મનમાં દાખલ થઈ ગઈ.
ADVERTISEMENT
હવે આવે છે સાતમું સ્થાન - નાચગાનમાં રુચિ.
તેમના નાચગાનમાં હંમેશાં રુચિ રહેવી જોઈએ. હરિનામમાં હંમેશાં રુચિ જાગે, નામ વિના મજા ન આવે. જહ જસોમતિ હરિ હલધર સે. બસ, એવી રુચિ જાગ્રત થઈ જાય અને જે સમયે એ જાગૃત થાય એ સમયે જીવનને ભક્તિનો માર્ગ સાંપડી ગયો એવું સમજી જવું.
આઠમા સ્થાન પર છે ગુણગાનમાં આસક્તિ.
પરમાત્માના ગુણ અને તેમના વ્યાખ્યાનમાં આસક્તિ થઈ જાય. જે રીતે સ્ત્રીમાં, પૈસામાં, દુનિયામાં આસક્તિ છે એવી આસક્તિ પ્રભુમાં થઈ જાય, તેમનાં ગુણગાનમાં થઈ જાય. મારા ઠાકુરની લીલા કેટલી સુંદર છે, રામાયણમાં કેટલી સારી સારી વાતો છે. ભાગવતમાં શું-શું આવે છે, ગીતામાં શું વૃષ્ટિ થઈ છે, ઉપનિષદોમાં... તેમનાં ગુણગાનમાં આસક્તિ, મુખ્ય ભાવ એ જ રહે. છોડી ન શકો એવી આસક્તિ... અને છેલ્લે આવે છે નવમું સૂત્ર શ્રીધામમાં પ્રીતિ.
પ્રીતિ સ્તવ વસતી સ્થલે. જ્યાં ઠાકુર વિરાજમાન છે એ સ્થાન પર પ્રીતિ. ચાલો વૃંદાવન, ચાલો શ્રીદ્વારિકાજી, ચાલો શ્રી અયોધ્યાજી. વસતી સ્થલે જે ઠાકુરનું ધામ છે એના પર પ્રીતિ. ચાલો કાશીવિશ્વનાથની નગરીમાં, તે ત્યાં બિરાજે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)