વ્યક્તિ સારી બની જાય તો પણ ઉત્તમ છે, આખો સમાજ તો ક્યારેય નથી બનવાનો.
માનસ ધર્મ
મોરારી બાપુની તસવીર
એક માતાજી સોય શોધતાં હતાં. યુવકને લાગ્યું કે માને મદદ કરું. તેણે પૂછ્યું, ‘મા, શું શોધે છે?’ મા બોલી, ‘બેટા, સોય ખોવાઈ ગઈ છે.’ યુવક તરત ઊભો થયો અને બોલ્યો, ‘તું ઊભી રહે, હું શોધી આપું છું.’ યુવકે અડધો કલાક પરિશ્રમ કર્યો, પણ સોય ન મળી એટલે તેણે સોય શોધવાનું ચાલુ રાખીને માતાને પૂછ્યું, ‘એ તો કહે મા કે સોય ક્યાં ખોવાઈ ગઈ છે?’
માતા તરત બોલી, ‘રસોડામાં ખોવાઈ ગઈ છે.’
યુવકે પૂછ્યું, ‘રસોડામાં ખોવાઈ છે તો અહીં શા માટે શોધાવે છે? રસોડામાં સોય શોધવી જોઈએને.’
માતાએ જવાબ આપ્યો, ‘ત્યાં અંધારું છે, અહીં અજવાળું છે. અજવાળામાં તો શોધી શકાય.’
ADVERTISEMENT
યુવકે માને કહ્યું, ‘મા, ગમે એટલું અંધારું હોય તો પણ સોય શોધવી તો ત્યાં જ પડશે, કારણ કે જ્યાં ખોવાઈ છે એ ત્યાંથી જ મળશે.’
આ વાત કહેવા પાછળ એક ઉદ્દેશ છે. તમારા પર દુઃખ આવે તો દુઃખનું કારણ શું છે એ શોધવું અને એ શોધ્યા પછી ત્યાં જ કામ કરવું જે દુઃખનું કારણ હોય. હરિદ્વારમાં મર્ક્યુરી લૅમ્પ છે, પણ એ અજવાળામાં તમે કશું ખોયું નથી. ખોયું છે તમે ઘરમાં એટલે શાંતિથી પહેલાં એ ઘરમાં શોધો. તમારી શાંતિ ઘરમાં ગઈ છે, કોઈ તીર્થસ્થાનમાં નથી ગઈ. તીર્થસ્થાનોમાં અજવાળું ચોક્કસ છે, પણ શાંતિ તો તમે તમારા ઘરમાં ખોઈ છે. પતિ-પત્ની વચ્ચે ખોવાઈ છે શાંતિ, બાપ-બેટા વચ્ચે ખોવાઈ છે શાંતિ. તો એ શાંતિ જ્યાં ખોવાઈ છે ત્યાં જ એને શોધો. તમને જવાબ પણ ત્યાંથી જ મળશે, કારણ કે તમારી શાંતિ એ જવાબમાંથી પાછી આવવાની છે.
યાદ રાખવું કે પાંચ વ્યક્તિ સારી બની જાય તો પણ ઉત્તમ છે, આખો સમાજ તો ક્યારેય નથી બનવાનો. રામના કાળમાં નહોતો બન્યો, કૃષ્ણના કાળમાં પણ આખો સમાજ એટલો ઉપર ઊઠ્યો નહોતો. કૃષ્ણના પરિવારના સભ્યો જ નીતિથી ભ્રષ્ટ થઈ ગયા હતા, કૃષ્ણનાં સંતાનો જ નીતિથી વિરક્ત હતાં. સમાજને કોણ સુધારી શકે છે? વ્યક્તિ સુધરી શકે છે, સમાજ નહીં અને એટલા માટે જ કદાચ કાકભુશુંડીજીએ ગરુડને સામે બેસાડી દીધા. શિવે પાર્વતીને સંદેશ આપ્યો છે. ત્યાં કોઈ ભીડ નથી. ભીડ ક્યારેય સુધરી શકે ખરી? ભીડને તમે કેમ રાજી રાખી શકો છો? એ સંભવ જ નથી. અવતારોના જીવનમાં પણ આ સંભવ નથી થયું તો તમે અને હું કોણ છીએ? સુધારો તમારામાં લાવશો તો જ સમાજ સુધરવાનો શરૂ થશે અને સુધરવા માટે કરવાનું છે એક જ કામ - જ્યાં શાંતિ ખોવાઈ હોય ત્યાં એને શોધવાની.