મોક્ષનો અનુભવ કરવાનું તમારા હાથમાં છે. બસ, બધું ભૂલીને સત્ય, પ્રેમ અને કરુણા અપનાવો.
માનસ ધર્મ
મોરારી બાપુની તસવીર
એક ચિત્રકાર હતો. તેને થયું કે હું શ્રદ્ધાનું ચિત્ર દોરું, શ્રદ્ધા કોઈએ જોઈ નથી એટલે બધાને એ ચિત્ર જોવું ગમશે. ચિત્રકાર તો નીકળી ગયો ઘરેથી અને બહુ ફર્યો દુનિયામાં શ્રદ્ધાને શોધવા, પણ શ્રદ્ધા એ કોઈ ઘન પદાર્થ તો નથી કે તમે એને ચિત્રિત કરી શકો! એ તો ભાવજગતનું તત્ત્વ છે, એને કેમ ચિત્રિત કરો? પછી એમ થયું કે છોડો, આ નહીં થાય. તેણે વિષય બદલ્યો કે શ્રદ્ધાનું નહીં, હવે સેવાનું ચિત્ર દોરું. જોકે સેવા પણ એક વૃત્તિ છે જે સેવાભાવમાંથી જન્મી છે. ઘણા માણસો ભલે હાથથી સેવા ન કરી શકતા હોય, પણ તેમનામાં સેવાની જે વૃત્તિ હોય... એના માટે વળી પાછો એક વરસ સેવાને શોધવા ફર્યો, પણ સેવા કોઈ વ્યક્તિ તો નથી. કંઈ મેળ ન પડ્યો એટલે સેવાનું ચિત્ર બનાવવાનું પણ માંડી વાળ્યું. ફરી તેને થયું કે વાત્સલ્યનું ચિત્ર બનાવીએ. વાત્સલ્ય એ પણ એક ભાવ છે! એ પણ ચિત્ર ન બની શક્યું. પછી કંટાળીને તે પોતાના ઘર તરફ પાછો ફરે છે. ઘરે પહોંચ્યો ત્યાં છોકરાઓ દોડ્યા. તેમની આંખમાં પિતા તરફની તેને શ્રદ્ધા જોવા મળી. પત્ની દોડીને આવી જેમાં પુરુષે સેવા જોઈ! માએ હાથ ઊંચો કર્યો અને પ્રેમથી કહ્યું, તારી જ રાહ જોતી હતી. એમાં તેણે વાત્સલ્ય જોયું! બસ, ચિત્રકારે નક્કી કર્યું કે જુદાં-જુદાં ચિત્રો બનાવવા કરતાં નાનકડું એક ઘર ચીતરું એમાં બધું જ આવી જાય.
વાત સંસારની છે અને બાપ, આ સંસાર કેટલો પ્યારો છે. એક તો મહાત્માઓએ સંસાર અસાર છે કહીને આપણું મગજ બગાડી નાખ્યું અને બીજું, સંસારની જે રીતભાત છે એ સંઘર્ષમય છે એટલે પણ દિમાગ બગડે છે. બાકી આ સંસાર અસાર કેમ હોઈ શકે? પેલું ફિલ્મનું ગીત તો તમે જાણો છોને...
ADVERTISEMENT
સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે?
સંસારથી ભાગો નહીં. સંસાર જ પરમાત્મા છે, જગત જ જગદીશ છે. આ પહાડ પરમાત્મા નથી તો શું છે? વરસાદ થાય છે ત્યારે પરમાત્મા જ વરસે છે. નદીઓ વહી રહી છે તો પરમાત્મા જ વહે છે. ખુશ્બૂ આવે છે તો પરમાત્મા જ હવા બનીને આપણને સ્પર્શે છે. લોકોને પરમાત્માને ચતુર્ભુજરૂપે જ જોવા છે. મહેસૂસ કરો, અનુભવ કરો.
પરિવાર બાધક નથી, પણ પરિવારમાં રહીને એક સ્થિતિ પછી આસક્તિ બની રહે તો આ આસક્તિ બાધક બને છે. બાકી સંસારને પરિવાર બાધક નથી. પરિવારનો અર્થ છે પરિવિય્રતે અનેન ઇતિ. જેનાથી તમે ઘેરાયેલા રહો એ પરિવાર. જો રોગથી ઘેરાયેલા રહો તો રોગ પરિવાર, જો વેરભાવથી ઘેરાયેલા રહો તો વેર પરિવાર અને જો પ્રેમથી ઘેરાયેલા રહો તો પ્રેમ પરિવાર. જે પ્રેમથી ઘેરાયેલો રહે તેને તો જીવતા જ મોક્ષ છે. જોકે એ મોક્ષનો અનુભવ કરવાનું તમારા હાથમાં છે. બસ, બધું ભૂલીને સત્ય, પ્રેમ અને કરુણા અપનાવો.