ગુડ લક એટલે જીવનમાં પ્રભુનું ભાગ્ય આવે એ. પછી છે એ બેટર લક છે.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગઈ કાલે કહ્યું એમ, દંભથી ન જીવો. જીવનનાં મૂલ્યોનો ખુલ્લા દિલે સ્વીકાર કરી લેવો જોઈએ. કોઈ શું કરે છે, શું વિચારે છે, કોની સામે જુએ છે એ બધી વાતો કે ચિંતા ભક્તિ કરનારાઓએ ન કરવી જોઈએ. જેને તમે ખરાબ કહો છો એ પણ તેમનું છે, ઈશ્વરની સૃષ્ટિમાં પરિવર્તન છે, પુનરાવર્તન નથી. વૈષ્ણવને ત્રાજવું દેખાડવું પડે છે. કોણ ખરાબ? વૈષ્ણવની આંખ બીજાના ગુણ-દોષ પર વિચાર નથી કરતી. માળા કરતા હો તો ભાવ જાગે ત્યાં સુધી રાહ જુઓ. ભાવ જાગવાની ઘટના બનશે. અંગ્રેજીમાં તિલકનો અર્થ શો? થ્રી લક, ત્રણ પ્રકારનાં ભાગ્યઃ એક, ગુડ લક; બે, બેટર લક અને ત્રીજું, બેસ્ટ લક. બસ આ તિલકને ફૉલો કરતા રહેવાનું.
ગુડ લક એટલે જીવનમાં પ્રભુનું ભાગ્ય આવે એ. પછી છે એ બેટર લક છે. આ બેટર લકને તમે બટર લક પણ કહી શકો. બટર લક એટલે માખણ લક, જેનું મન કૃષ્ણને ચોરી લે. જેમ કનૈયો માખણ ચોરી લેતો એવી જ રીતે. એ પછી આવે છે બેસ્ટ લક. બેસ્ટ લક એટલે ચેસ્ટ લક. ભગવાન ભેટી પડે એ ચેસ્ટ લક, એ ભક્તને છાતીસરસો ચાંપે એનાથી મોટી વાત બીજી કઈ હોય. બસ, આ જ બેસ્ટ લક.
ADVERTISEMENT
સાધનભક્તિ કોશિશ છે. એમાં ભક્તિ કરવી પડે છે, પણ ભાવનો અંકુર ન ફૂટ્યો. જાપ કરીએ છીએ, પણ ભાવનો અંકુર ન ફૂટ્યો, આંખો ભરાઈ આવતી નથી, ભાવનો ઉદય ન થયો એટલે બીજાની ખણખોદ કરવામાં લાગી જાય છે. તમારામાં ભાવ નથી અને જો કોઈ બીજી વ્યક્તિ ભાવવશ બની રડશે તો તમે તેની ટીકા કરશો, પણ યાદ રાખજો જે સમયે તમારામાં પણ ભાવ જન્મશે એ સમયે તમારી આંખોમાંથી પણ ચોધાર આંસુ આવશે અને એ સમયે તમને આજુબાજુવાળો શું વિચારશે એની પડી પણ નહીં હોય. સાધનભક્તિ કરતાં-કરતાં ક્યારેક આંખમાં આંસુ આવી ગયાં તો થઈ ગઈ ભાવભક્તિ. જે સાધનનો ઉપયોગ કરવાથી તમારો ભાવ વધતો હોય તો એ સાધનનો ઉપયોગ કરો. સાધન શું કામ વાપરો છો એ મહત્ત્વનું નથી, ભાવ જન્મે અને ભાવ વધે એ મહત્ત્વનું છે. જપ કરવાથી ભાવ જાગતો હોય તો ખૂબ જપ કરો. શ્રવણથી ભાવ જાગતો હોય તો શ્રવણ કરો. સેવા કરવાથી ભાવ જાગતો હોય તો એ કરો અને માળા કરવાથી ભાવ જાગતો હોય તો માળા કરો. જે રીતે ભગવાનની ભક્તિ કરવી ગમે એ રીતે ભક્તિ કરવાથી ભગવાન મળતા હોય તો એ રીતે કરો. તમારા મનમાં ભાવ જાગે એ રીતે અને એ સાધનથી ભક્તિ કરો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)