ભગવાન, પહેલી વાત તો એ કે તમારા મળવાથી મારો વિરહરસ જતો રહે એ મને જોઈતું નહોતું. નહોતો ઇચ્છતો હું કે તમે મળી ગયાની ખુશી સાથે હું તમારી ભક્તિથી દૂર થઈ જાઉં.
માનસ ધર્મ
મિડ-ડે લોગો
રવીન્દ્રનાથ ટાગોરે એક વાર્તા લખી છે. નાની વાર્તા છે, પણ એ વાર્તાનો ભાવ બહુ મોટો છે.
એક ભક્ત પોતાના ઘરેથી નીકળીને આગળ વધતો-વધતો છેક ભગવાનના ગામમાં આવી પહોંચ્યો. આગળ વધતાં-વધતાં તે ભગવાનના ઘર સુધી ગયો અને દરવાજો ખખડાવવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યાં જ તેને વિચાર આવ્યો. વિચારતાં તેને થયું કે જો ભગવાન અત્યારે મને મળી ગયા અને મને જોઈને જો તેઓ આલિંગન આપશે તો-તો પછી ભક્તિમાંથી રસ પૂરો થઈ જશે, મને જીવનમાં આ વિરહ નહીં રહે. ભગવાનને મળવાની જે વ્યાકુળતા ૨૪ કલાક મારા મનમાં ચાલે છે એ પણ નીકળી જશે અને તેમને પામવા માટે હું જે ધર્મધ્યાન ધરું છું એમાંથી પણ મન ઊઠી જશે. ના, એવું ન થવું જોઈએ. ભગવાનને પામવાની આ જે ઝંખના છે એ આજીવન અકબંધ રહેવી જોઈએ.
ADVERTISEMENT
તે ભક્ત તો હળવેકથી ફરી પગથિયાં ઊતરી ગયો. તેણે મનોમન નક્કી કરી લીધું કે ના, ભગવાનને નથી મળવું, નથી કરવાં તેમનાં દર્શન, નથી જોઈતું તેમનું આલિંગન. આ જ ભક્તિને આમ જ અકબંધ રાખવી છે અને ભક્તિ સાથે જ જીવનનો અંતિમ શ્વાસ લેવો છે.
ભક્ત તો ધીમે-ધીમે ફરી પોતાના ઘરે પાછો આવી ગયો. ઘરમાં જેવો દાખલ થયો એટલે તેની આંખો પહોળી થઈ ગઈ. સામે પ્રભુ પ્રગટ થયા હતા.
પ્રભુએ સસ્મિત ભક્તને પૂછ્યું,
‘ભલા માણસ, છેક ઘર સુધી આવીને પાછો કેમ ફરી ગયો?’
ભક્તે નમ્રતા સાથે હાથ જોડ્યા અને કહ્યું, ‘ભગવાન, પહેલી વાત તો એ કે તમારા મળવાથી મારો વિરહરસ જતો રહે એ મને જોઈતું નહોતું. નહોતો ઇચ્છતો હું કે તમે મળી ગયાની ખુશી સાથે હું તમારી ભક્તિથી દૂર થઈ જાઉં. એના કરતાં તો આખી જિંદગી તમારી યાદમાં, તમારા વિરહમાં રહું એ મને મંજૂર છે...’
‘અને બીજી વાત કઈ?’
‘બીજી વાત એ કે...’ ભક્ત પ્રભુના પગમાં બેસી ગયો, ‘તમે મને મળી ગયા તો એ વાતનો અહંકાર મને આવી જાય. મારા મનમાં અહંકાર આવે એના કરતાં તો એ સારું છે કે હું આજીવન તમને શોધતો રહું અને તમે મને મળો જ નહીં... તમે મને મળો નહીં અને આપણો આ પ્રેમ આમ જ અકબંધ રહે.’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)