મકર સંક્રાંતિના વાહન, શસ્ત્ર, ગતિ અને પ્રભાવ વિશે જ્યોતિષાચાર્ય જિગ્નેશ શુક્લાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવી ખાસ બાબતો
Makar Sankranti 2023
પ્રતીકાત્મક તસવીર
મકર સંક્રાંતિનો (Makar Sankranti) તહેવાર ક્યારે ઉજવાશે તે વિશે જ્યારે સતત પ્રશ્નાર્થ મૂકાતો હોય ત્યારે આજે જ્યોતિષાચાર્ય જિગ્નેશ શુક્લાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં દેશ-વિશ્વ પર પડતા સંક્રાંતિના પ્રભાવ અને સંક્રાંતિના વાહન તેમજ તેની દિશા, શસ્ત્ર વગેરે વિશે જણાવ્યું. તો હવે જાણો સંક્રાંતિની કોના પર થશે સૌથી વધારે અસર, કોને માટે છે રાહત?
સંક્રાંતિનું વાહન અને તેનું વર્ણન
આ વર્ષે એટલે કે વર્ષ 2023માં સંક્રાંતિનું વાહન વાઘ છે અને આ વખતે સંક્રાંતિ પાસે ઉપવાહન ઘોડો પણ છે. કારણકે સંક્રાંતિ ગતિમાન છે તેથી આ વખતે સંક્રાંતિનું આસન નથી. તેના હાથમાં ગદાનું શસ્ત્ર છે. તેનું મુખ દક્ષિણ દિશામાં છે પણ તેની દ્રષ્ટિ ઈશાન ખૂણે છે. તેણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. આ રીતે સંક્રાંતિનું વર્ણન થયેલું છે.
ADVERTISEMENT
સંક્રાંતિની આ ગતિથી કોના પર થશે કેવો પ્રભાવ?
આ વર્ષે સંક્રાંતિ ગતિમાન હોવાથી 45થી 52 વર્ષની વયના લોકો પર તેની અસર વધારે રહેશે. અહીં સૂર્ય 14 તારીખથી 17 તારીખ સુધીમાં ગોચર છે અને આ વખતે શનિ જે સૂર્ય સાથે પુત્રનો સંબંધ ધરાવે છે તેમના ઘરે સૂર્ય 3 દિવસ સુધી રહેવાના છે. સૂર્ય અને શનિ સંબંધની દ્રષ્ટિએ પિતા અને પુત્ર છે પણ તેમની વચ્ચે શત્રૂતાનો ભાવ છે. બન્ને ભેગા થઈ રહ્યા છે. આથી ભલે ત્રણ દિવસ માટે આ યોગ- યૂતિ બની રહી છે પણ સંઘર્ષમય રહેશે. ઘણાં લોકો આ દિવસોમાં નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે આથી એમ કહી શકાય કે સંઘર્ષમાં શરૂ થતું આ વર્ષ સંઘર્ષભર્યું પસાર થઈ શકે છે.
શનિ અને સૂર્યની હંગામી યુતિને કારણે ઉચાટ, ઉદ્વેગ, મોંઘવારી અને મંદી વધવાની શક્યતા વધી જાય છે. સૂર્ય જાયન્ટ છે અને તે શનિના ઘરમાં પ્રવેશ કરે છે એવી તેની ગતિ છે આથી આની અસર મોટામાથાઓ પર વધારે રહેશે. મોટું પદ ધરાવતા લોકોના માનભંગ, મોહભંગ કે માનહાનિની સ્થિતિ સર્જાવાની શક્યતા વધી શકે છે. જિયોપૉલિટિકલી પણ આ વર્ષ થોડું સંઘર્ષભર્યું હોઈ શકે છે.
રાહતની બાબત છે કે આ યુતિ માત્ર ત્રણ જ દિવસની છે આથી વધારે સંઘર્ષનો સામનો નહીં કરવો પડે.
આ પણ વાંચો : 14 જાન્યુઆરી પછી સૂર્યની જેમ કોની ચમકશે કિસ્મત અને કોનો વધશે ખર્ચ, જાણો વિગતે
શું છે આનાથી બચવાના ઉપાય?
મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય જ છે. આ દિવસે ગંગા અથવા ગંગાસાગરમાં સ્નાન ખૂબ જ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ શક્ય ન હોય તો ન્હાવાના પાણીમાં ગંગાજળ ઊમેરીને પણ સ્નાન કરી શકાય. સ્નાનાદિથી પરવારીને સુવર્ણ, તલ, ગોળ, અળદની દાળ આ વસ્તુઓનું દાન કરવાથી લાભ થઈ શકે છે. આની સાથે જ તલસાંકડી, શેરડી અને બોર ખાવાથી આ વર્ષે લાભ મળી શકે છે.