લાખ પ્રયત્ન કરીને પણ સૂક્ષ્મ જંતુઓની હિંસા રોકી શકાતી નથી. જે કુદરતસહજ થતું હોય એમાં કશું પાપ નથી.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘરમાં વાતાવરણ એવું બનશે તો જ અહિંસાની ખોટી નાગચૂડમાંથી માણસ બહાર આવશે અને એ વાતાવરણ બનાવવાનો પ્રયત્ન સતત કરતા રહેવો પડશે. વાતાવરણ હોય તો જ લોકોની માનસિકતા કેળવાય છે. વાતાવરણ હોય તો જ લોકોની વિચારધારા બને છે. વાતાવરણના આધારે જ વ્યાયામ અને સાહસપૂર્ણ રમતગમત તરફ માણસ ખેંચાય છે. ધર્મ એવો ન હોવો જોઈએ જે બાળકોને વીર બનતાં અટકાવે અથવા સાહસ-શૌર્ય કે ખડતલપણાની પ્રેરણા જ ન આપે. વીરતા-સાહસ અને ખડતલપણા વિનાની અહિંસા એ માત્ર નમાલાપણાનો જ પર્યાય બની જાય છે. મુખ્ય મુદ્દો છે રાષ્ટ્રની બાહ્ય તથા આંતરિક શત્રુઓથી રક્ષા કરવાનો. એ માટે જે સમયે જે કંઈ કરવું પડે એ જરૂર કરવું જોઈએ.
અત્યાર સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધાનો સાર એટલો જ છે કે લાખ પ્રયત્ન કરીને પણ સૂક્ષ્મ જંતુઓની હિંસા રોકી શકાતી નથી. જે કુદરતસહજ થતું હોય એમાં કશું પાપ નથી. ખેતીવાડી, તળાવો, બંધો કે ઉદ્યોગો કરવાં જ જોઈએ. એના વિના રાષ્ટ્ર અને પ્રજાનો વિકાસ ન થઈ શકે. જો આ બધું ન કરવામાં આવે તો દેશ દરિદ્ર થઈ જાય, પ્રજા ભૂખે અને તરસે મરે.
ADVERTISEMENT
આ બધું થતું અટકાવવું એ રાષ્ટ્રદોહ અથવા પ્રજાદ્રોહ કહેવાય. એક વાત યાદ રાખજો કે ધર્મએ જંતુઓનો નહીં, માણસોનો વિચાર કરવાનો છે. માણસોના પ્રશ્નોનો વિચાર કર્યા વિના માત્ર જંતુઓનો જ વિચાર કરનારો ધર્મ પ્રજાનું ભલું ન કરી શકે અને લાખ પ્રયત્નો કરીને પણ જંતુઓને લાંબું આયુષ્ય આપી શકાતું નથી. તે અલ્પજીવી છે, મરી જ જવાના છે. એટલે માનવહિતનો ત્યાગ કરીને તેમનો વિચાર કરવો યોગ્ય નથી. જંગલી તથા પાલતુ પશુ-પક્ષીઓની સંખ્યાનું નિયંત્રણ જરૂરી છે. એમનો બેફામ વધારો થતો રહે તો તેઓ પોતે જ ભૂખે મરી જશે અને રાષ્ટ્રીય તથા માનવજીવનને દુ:ખી કરશે.
એક મહત્ત્વનો સિદ્ધાંત યાદ રાખવો જરૂરી છે કે મારવું એ ખરાબ છે, પણ રિબાવવું તો અત્યંત ખરાબ છે. મારવું કે રિબાવવું એમ બેમાંથી કોઈ એકને સ્વીકારવું હોય તો રિબાવવા કરતાં મારવું ઠીક છે. જો પૂરેપૂરાં પશુ-પક્ષીઓને ઉત્તમ રીતે રાખી શકાતાં હોય તો એનાથી વધુ ઉત્તમ કંઈ નથી, પણ જો એમને રિબાવી-રિબાવીને કંકાલ બનાવીને જીવ માટે મનોમન કરગરતાં કરી દેવાનાં હો તો એનાથી મોટું બીજું કોઈ પાપ નથી એટલે એવું પાપ ક્યારેય કરતા નહીં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.