કેટલીક વખત શોખને કારણે એવી ચીજવસ્તુ ઘરમાં આવી જતી કે રહી જતી હોય છે જેની સીધી આડઅસર ભાગ્ય પર પડતી હોય છે. એવી કઈ ચીજવસ્તુ છે જે ઘરમાં રાખવી ન જોઈએ એ જાણવા જેવું છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
ગમે છે અને ઘરમાં રાખો છો કે પછી પ્રિય વ્યક્તિએ આપી છે એટલે કોઈ ચીજ ઘરમાં રહેવા દીધી છે જેથી તે વ્યક્તિને પ્રેમનો અનાદર ન લાગે.
સામાન્ય રીતે આ પ્રકારની અનેક ચીજવસ્તુઓ એવી હોય છે જે લોકોના ઘરમાં પડી હોય, પણ એમાંથી કેટલીક ચીજવસ્તુ એવી છે જે ભાગ્ય માટે અવરોધક હોય અને વ્યક્તિના મન, વચન કે સ્વાસ્થ્ય જેવી બાબતમાં પણ વિઘ્નકર્તા હોય. શક્ય હોય તો એવી ચીજવસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ. એવી કઈ ચીજો હોય છે જે ઘરમાં રાખવી હિતાવહ નથી એના વિશે ચર્ચા કરતાં કહેવાનું કે લાગણીઓ પર કાબૂ રાખીને પણ એ ચીજને દૂર કરવી જરૂરી હોય છે.
ADVERTISEMENT
બિલાડીને ક્યારેય પાળો નહીં
કૅટ નકારાત્મકતાનું પ્રતીક છે એટલું જ નહીં, એ નકારાત્મક ઊર્જાની વાહક પણ છે. તમે જુઓ, મોટા ભાગની હૉરર ફિલ્મોમાં બિલાડીને દેખાડવામાં આવે છે. બીજું કોઈ પ્રાણી તમને જોવા નહીં મળે પણ કૅટ જોવા મળશે. આ અનાયાસ નથી પણ હકીકત છે કે નકારાત્મક એનર્જી તરફ જો કોઈ આકર્ષાય તો એ કૅટ છે. આજકાલ બિલાડીઓ પાળવાનું બહુ વધ્યું છે, પણ એને પાળવી ન જોઈએ. ધારો કે કોઈએ ગિફ્ટ આપી હોય તો પણ એ ગિફ્ટને સપ્રેમ પરત કરવી જોઈએ અને કાં તો એને કોઈ ઍનિમલ વેલ્ફેર સંસ્થાને આપી દેવી જોઈએ.
બિલાડી કોઈએ પાળી હોય અને તમારે એ ઘરે વારંવાર જવાનું બનતું હોય તો પ્રયાસ કરો કે ઘરે આવ્યા પછી સૌથી પહેલાં સ્નાન કરો અને સ્નાન ન થઈ શકે તો હાથ-પગ અને મોં તો અવશ્ય ધોઈ લો.
મરેલાં પ્રાણીઓને ઘરમાં ન રાખો
પહેલાંના સમયમાં મરેલાં પ્રાણીઓમાં મસાલો ભરીને ટૅક્સીડર્મી તૈયાર કરવામાં આવતાં અને એને શોભા તરીકે ગોઠવવામાં આવતાં. આજે પણ મહેલોમાં આ પ્રકારનાં ટૅક્સીડર્મી બહુ જોવા મળે છે તો મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરોમાં પણ શ્રીમંતોને ત્યાં એ જોવા મળે છે. આ પ્રકારનાં ટૅક્સીડર્મીને ઘરમાં ન રાખવાં જોઈએ. મૃત શરીર નકારાત્મક એનર્જીનું વાહક બને છે. જો ઘરમાં આ પ્રકારનાં મરેલાં પ્રાણીઓને શોભામાં રાખવામાં આવ્યાં હોય તો એ પ્રગતિને અટકાવે છે.
મરેલાં પ્રાણીઓની જેમ જ ઘરમાં શોપીસમાં પ્રાણીઓનાં માથાં રાખવાં ન જોઈએ, પછી ભલે એ લાકડાનાં કે બીજા કોઈ મટીરિયલનાં બન્યાં હોય. શોપીસમાં પ્રાણીઓ રાખવાં હોય તો એ આખાં જ રાખો.
હથિયારને ક્યારેય શોપીસ ન બનાવો
તલવાર અને ઢાલની જોડી કે પછી હાથમાં ભાલો લઈને ઊભેલો સૈનિક કે પછી જૂના જમાનાની બંદૂક કે ઍન્ટિક કહેવાય એવાં કોઈ પણ હથિયારો ક્યારેય ઘરમાં રાખવાં નહીં. હથિયાર શૌર્યની નિશાની છે, નહીં કે રોજબરોજના જીવનની. જૂના જમાનામાં સતત યુદ્ધ અને હુમલાઓની ઘટના બનતી એટલે માનસિક રીતે પણ લોહી ગરમ રાખવા આ પ્રકારનાં હથિયારો આંખ સામે રાખવામાં આવતાં, પણ હવે એવું નથી થતું. આ પ્રકારનાં હથિયારો કે સ્ટૅચ્યુ ઘરમાં હોય તો એ કંકાસ અને કજિયો ઊભો કરવાનાં કારક બને છે તો ઘણી વખત આ પ્રકારનાં હથિયારોને કારણે ઘરેલુ હિંસાનું પ્રમાણ પણ વધે છે.
રોજબરોજના વપરાશમાં આવતાં ચાકુ-કાતરને પણ જાહેરમાં મૂકવાં ન જોઈએ.
મૂર્તિઓની ભરમાર, ક્યારેય નહીં
મોટા ભાગના લોકોને એવી આદત હોય છે કે તેઓ કોઈ ધાર્મિક સ્થળ પર પ્રવાસ કરીને આવે એટલે ત્યાંથી દેવી-દેવતાની મૂર્તિ કે પછી જે પારંપરિક દર્શનાર્થી ચીજ હોય એની પ્રતિકૃતિ લઈને આવે અને પોતાના મંદિરમાં એને સ્થાન આપે. એવું ક્યારેય ન કરો. મંદિરમાં જેટલા ભગવાન વધારે એટલું જ ભાગ્ય ભગવાન ભરોસે રહે. જો પાણી જોઈતું હોય તો પાંચ જગ્યાએ એક-એક ફુટનો ખાડો ખોદો એના કરતાં એક જગ્યાએ પાંચ ફુટનો ખાડો ખોદો તો પરિણામની સંભાવના વધી જાય. અઢળક ભગવાનો સાથે રહેવું અને કુળદેવી-કુળદેવતા તથા આરાધ્યદેવ સાથે રહેવું એ વાત પણ આ જ વાત સાથે સામ્ય ધરાવે છે.
બીજી એક સંકોચની વાત એ છે કે મોટા ભાગના લોકો મંદિરમાં દરેક ભગવાનને સ્થાન આપી દે છે, પણ તેમના ઉચિત મંત્રજાપ જાણતા નથી હોતા. હવે જરા વિચારો કે તમને દરરોજ કોઈ સંયુક્તમાં જ સંબોધન કરે કે પછી ખોટા નામે બોલાવો તો તમે એ વ્યક્તિની પૂજાથી કેટલા પ્રભાવિત રહો?! જવાબ છે, લગીરે નહીં. બહુ સરળ વાત છે કે મંદિરમાં તમને ગમતા કે પછી તમે માનતા હો એ ભગવાનને સ્થાન આપો તો તેમની મંત્ર-આરતી કે જાપ પણ શીખવાં અનિવાર્ય છે.
ઘરમંદિરમાં રહેલા વધારાના ભગવાનને જો હવે દૂર કરવા માગતા હો તો તેમની પધરામણી મંદિરમાં જઈને કરી દેવી ઉચિત છે.