તમે એવરેસ્ટ પર ચડી જાઓ, પણ ચડ્યા પછી ઊતરવું પડે છે. એ પછી તો ક્યાંય પણ જઈ શકાતું નથી, પણ સાહેબ, ભક્તિના શિખર પર ચાલો તો ઊતરવું જ નથી પડતું.
માનસ ધર્મ
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ભાગો ભક્તિઃ ભજનમ્ ભક્તિઃ
ભક્તિનો અર્થ જ ભાગલા કરી દે એ એવો છે. આ સંસાર અને આ તમારા પરમાત્મા. ભાગો ભક્તિઃ જે રીતે સ્ટેજ, ખુરસી, માઇક્રોફોન, લાઉડસ્પીકર, બહેન, ભાઈ, મંદિર, કુટિર; ભાગો ભક્તિઃ ભક્તિ સ્પષ્ટ વિભાજન કરી નાખે છે. નીરક્ષીરની જેમ એને અલગ કરીને દેખાડે છે. આ સંસાર અને એને બનાવનારો બન્નેને જુઓ. ભાગો ભક્તિઃ વિભાજન કરવું એટલે ભક્તિ કરવી. સ્પષ્ટ કરી દે છે. આ ભક્તિ, જે લોકો એમ કહે છે કે જ્ઞાન ભક્તિથી ઉચ્ચ છે તેમને એ ખબર નથી કે જ્ઞાન મળ્યા વગર ભક્તિ આવે જ નહીં, ભક્તિ કરતાં આવડે જ નહીં.
ADVERTISEMENT
જાને બિનુ ન હોઈ પરતીતી.
બિનુ પરતીતી હોઈ નહીં પ્રીતિ.
પ્રીતિ બિના નહીં ભગતિ દિખાઈ. (ઉ. કાં. ૮૧/૭-૮.)
શરૂઆત જાણી લેવાથી મોહબ્બત થાય છે. મોહબ્બત! શું તમે જાણ્યા-જોયા વગર કંઈ કરો છો મારાં ભાઈઓ-બહેનો? જાણીએ છીએ કે કોઈ ફલાણી વ્યક્તિ છે, તેના વિશે સાંભળ્યું, જાણ્યું, ક્યાંકથી તેનો ફોટો મેળવી લીધો અને તે ગમી ગયો તો કોઈને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે, ક્યાં રહે છે, એ કેવી છે અને આ બધું જાણીને તક મળે તો ચરણસ્પર્શ કરી લો છો. તેનાં ચરણોમાં પહોંચી જાઓ છો. જાણ્યા વગર શરૂઆત કેવી રીતે થઈ શકે? જ્યાં ભક્તિ આવે ત્યાં સમજી લેવું કે જ્ઞાન આવી ગયું છે પહેલેથી જ, પરંતુ જ્યાં જ્ઞાન હોય ત્યાં ભક્તિ હોય જ એમ કહેવું મુશ્કેલ છે.
ભક્તિ એટલે પ્રેમ અને પ્રેમ એટલે ભક્તિ. ભક્તિમાં રસ છે. ભક્ત સ્વાદ માણે છે. જ્ઞાની અનુભવ કરે છે.
ભક્તિ પ્રાપ્ત કરવાની બે રીત છે : ૧. ક્રમશઃ ૨. સીધી છલાંગ મારીને. જે ભક્તિની પાસે જવા માગે છે તેણે પોતાના અહંકારને ત્યાગવો પડે, તો જ સુંદરકાંડમાં પ્રવેશ મળી શકે. અહંકારના પર્વતને સમાપ્ત કરવો જ પડશે. આ તો બૌદ્ધિક અહંકારને હરાવવાની વાત છે.
તમે એવરેસ્ટ પર ચડી જાઓ, પણ ચડ્યા પછી ઊતરવું પડે છે. એ પછી તો ક્યાંય પણ જઈ શકાતું નથી, પણ સાહેબ, ભક્તિના શિખર પર ચાલો તો ઊતરવું જ નથી પડતું. તમે જેટલા આગળ વધો, શિખર એટલું જ ઊંચું થતું જાય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)