નીરોગી રહેશો તો શરીર વધુ સાથ આપશે, પણ નીરોગી હોવાનો અર્થ એવો નહીં સરે કે એ કાયમી સાથ આપશે.
પ્રતીકાત્મક તસવીર
જે પાંદડાં વૃક્ષમાંથી પેદા થાય એ પાંદડાંઓ પણ જો વૃક્ષ પરથી ખરતાં રહે તો પંખીઓએ વૃક્ષ પર બનાવેલો માળો જે વૃક્ષમાંથી પેદા થયો નથી એ માળો, વૃક્ષ પર કાયમ માટે ટકી જ રહેશે એ ભ્રમણામાં રાચવું એ મૂર્ખાઈ સિવાય બીજું કશું જ નથી.
પરિવાર, પૈસા કે પ્રતિષ્ઠા તો વૃક્ષ પર ઊભા કરેલા માળાનું પ્રતિનિધિત્વ ધરાવતી જણસ માત્ર છે. માણસ જીવતો હોય અને તેનો પરિવાર ઍક્સિડન્ટમાં ખતમ થઈ જાય એવું બની શકે છે. પુણ્ય પરવારે તો ગણતરીની પળોમાં અબજપતિ રસ્તે રખડતો ભિખારી થઈ જાય એવુંય બની શકે છે તો જાતજાતની પ્રવૃત્તિઓથી જીવનમાં ઊભી કરેલી પ્રતિષ્ઠાની એકાદ દુષ્કાર્યના સેવનથી સ્મશાનયાત્રા નીકળી જાય એવુંય બની શકે છે, પણ આપણને જે શરીર મળ્યું છે એ તો વૃક્ષ પરનાં પાંદડાંનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યું છે.
ADVERTISEMENT
જન્મના પ્રથમ દિવસથી માંડીને મરણના અંતિમ સમય સુધી એ સાથે ને સાથે જ રહેવાનું છે. પાસે પૈસા હશે તોયે અને નહીં હોય તોયે! પરિવાર વચ્ચે હોઈશું તો પણ અને એકલા હોઈશું તો પણ! મહેલમાં હોઈશું તોયે અને જેલમાં હોઈશું તોયે પણ સબૂર, આ શરીર પણ આખરે આપણો સાથ છોડી જ દેવાનું છે.
કસરત કરીને એને સશક્ત રાખ્યું હશે તો પણ એ સાથ છોડશે અને ચોખ્ખાં ઘી-દૂધ કે ફળ ખાઈને એને પુષ્ટ બનાવ્યું હશે તોયે! પથ્યપાલન દ્વારા એને તંદુરસ્ત રાખ્યું હશે તો પણ એ સાથ છોડશે અને નિયમિતતા જાળવણી દ્વારા એને સ્વસ્થ રાખ્યું હશે તો પણ એ સાથ છોડશે. નીરોગી રહેશો તો શરીર વધુ સાથ આપશે, પણ નીરોગી હોવાનો અર્થ એવો નહીં સરે કે એ કાયમી સાથ આપશે. સમય આવ્યે એ સાથ છોડશે જ અને નિર્વ્યસની રહેશો તો એ સ્વાસ્થ્ય સાચવી રાખશે, પણ શરીર સાથ નહીં છોડવાની બાંયધરી ક્યારેય નહીં આપે.
જો શરીર પણ સાથ છોડી દેતું હોય, સંપત્તિ પણ સાથ છોડતી હોય, પરિવાર અને પ્રિયજન પણ હાથ છોડી દેતા હોય તો આ નાશવંત સંબંધ અને દેહ પામ્યાની સાર્થકતા એક જ પરિબળમાં છે અને એ પરિબળનું નામ છે ધર્મારાધના.
શરીરને આપણે ધર્મારાધનામાં જોડેલું રાખવામાં જેટલા સફળ બન્યા એટલા આપણે પરલોકને સધ્ધર બનાવવામાં સફળ બન્યા. જો એ સફળતા જોઈતી હોય તો ધર્મારાધનાને કાયમી સાથી બનાવો અને એ બનાવવામાં જ સમસ્ત સૃષ્ટિનું હિત છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)