જાણી લો ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત
ગણપતિ બાપ્પા મોરયા
આજે ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી, ગણેશ સ્થાપના મહોત્સવ, સૌભાગ્ય ચોથ તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક મનાવવામાં આવશે. આજના દિવસે શરદ ઋતુનો પ્રારંભ થાય છે. કોઈ પણ માંગલિક કાર્યોમાં વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના સૌપ્રથમ કરવામાં આવે છે, તેનાથી તમામ કાર્યો નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય છે. આજે સાંજે ૭.૦૬ મિનિટ સુધી હસ્ત નક્ષત્ર છે. જે ગણેશ સ્થાપન માટે ઉત્તમ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યા અનુસાર પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભાવિક ભક્તોએ ઘરમાં રહેલ માટીની મૂર્તિનું સ્થાપન કરી શકાય તેમ જ સોપારીની ગણેશ સ્થાપના કરીને દુંદાળા દેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે, કારણ કે શાસ્ત્રો અનુસાર સોપારીમાં ગણપતિ દાદાનો વાસ માનવામાં આવે છે. ગણેશજીની પૂજામાં લાલ વસ્ત્ર, અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, જનોઈ તેમ જ જાસૂદનાં ફૂલ પધરાવીને શુદ્ધ દીવો પ્રગટાવી, અગરબત્તી પ્રગટાવીને ગોળ કે મોદકનો પ્રસાદ વહેંચી ગણેશ સ્થાપના સંપન્ન થાય છે. ત્યારબાદ પૂજામાં ગણેશ નામાવલિ, ગણેશ સ્તોત્ર, અથર્વશીષના પાઠ પણ કરી શકાય છે. તમામ માંગલિક કાર્યોમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા વંદના પહેલા થાય છે. લગ્નપ્રસંગ હોય કે વાસ્તુ હોય ત્યારે દીવાલમાં ગણેશજીનું ચિત્ર દોરી કે તસવીર દીવાલ પર લગાવી પૂજા કરાય છે જેને માતૃકા પૂજન કહે છે. ત્યારબાદ પૂજાવિધિ કરી શકાય છે.
સવારે શુભ ચોઘડિયું ૭.૫૫ થી ૯.૩૨
સવારે ચલ ચોઘડિયું ૧૨.૪૪ થી ૧૪.૨૨
સવારે લાભ ચોઘડિયું ૧૪.૨૦ થી ૧૫.૨૦
બપોરે વિજય મુહૂર્ત ૧૨.૩૯
બપોરે અભિજિત મુહૂર્ત ૧૨.૨૪ થી ૦૧.૨૨
બપોરે અમૃત ચોઘડિયું ૧૫.૫૯ થી ૧૭.૨૦