પુરુષ જ્યાં સુધી નારી ન બની શકે ત્યાં સુધી ભક્તિ ન કરી શકે, ગમે એવો ભડભાદર હોય, પણ તેણે સ્ત્રી જ બનવું પડે.
માનસ ધર્મ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
જો કોઈ એમ કહે કે હું ભક્તિ કરી રહ્યો છું તો એ ખોટી વાત છે. ભક્તિ કરવામાં આવે જ નહીં, એ એવી રીતે થાય જ નહીં. તુલસીદાસજીએ બહુ સરસ વાત લખી છે.
જો કોઈ ભક્તિ કરવાની કોશિશ કરે તો બહુ મુશ્કેલ પડશે. ભક્તિ કરી નથી શકાતી, ભક્તિ આપોઆપ થતી પણ નથી, થવી પણ મુશ્કેલ છે. ભક્તિ તો પરમાત્માની એક અચિંતક, આહ્લાદક રસની શક્તિ છે. એ પરમાત્માના રસની શક્તિ છે. એ ભગવાન જેને આપે છે તેને જ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃપા કરે ત્યારે જ કોઈકને પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
ભજનમાં તૃપ્તિ અને તરસ બન્ને રહેવી જોઈએ. તૃપ્તિ થઈ જશે તો ભજન આગળ નહીં વધે. તમને લાગશે કે બસ, થઈ ગઈ! જો ભજનમાં તૃપ્તિ થઈ જશે તો ભજન આગળ નહીં વધારી શકો. કેવળ તરસ જ રહેશે તો તમને લાગશે કે આમાં તો કાંઈ મળતું જ નથી. એટલા માટે ભક્તિમાં તરસ અને તૃપ્તિ બન્નેની જુગલબંદી જાળવવી પડે છે. તરસ્યા પણ રહો અને સંસારના વિષયોથી તૃપ્ત પણ થઈ જાઓ. બન્નેનું પાલન કરવું પડશે. એક અગત્યની વાત પણ યાદ રાખવાની છે, પુરુષ જ્યાં સુધી નારી ન બની શકે ત્યાં સુધી ભક્તિ ન કરી શકે, ગમે એવો ભડભાદર હોય, પણ તેણે સ્ત્રી જ બનવું પડે.
હવે મુદ્દો એ છે કે ભક્તિ કઈ રીતે પ્રગટે?
ભક્તિનો જન્મ પ્રીતિમાંથી થાય છે, પણ એની જન્મભૂમિ કઈ? ભક્તિની જનેતા તો પ્રીતિ, પણ એની જન્મભૂમિ?
ભક્તિની ભૂમિ વિશ્વાસ છે. એની જન્મભૂમિ વિશ્વાસ છે અને કહ્યું છેને, ‘તુલસી બિનુ વિશ્વાસ ભગતિ નાહિ.’
ભક્તિ ક્યાંથી જન્મે? જન્મભૂમિ વિશ્વાસ છે. એની મા પ્રીતિ છે. તમને ભરોસો હોય, પણ પ્રેમ ન હોય તો ભરોસો અધૂરો પડશે. તમને ખબર છે, આ મારી દીકરી છે, આ મારો દીકરો છે. વિશ્વાસ છે, મારો દીકરો છે. સવાલ જ નથી, પણ તમને દીકરા ને દીકરીમાં પ્રેમ ન હોય તો ભક્તિ નથી. એ સંબંધો એક નિભાવવાના સંબંધ રહેશે. આપણને ખબર છે કે આ મારો ભાઈ છે, પણ એનો મને વિશ્વાસ છે. મારો ભાઈ મારો જ ભાઈ છે, પણ પ્રેમ નથી ભાઈઓમાં. ભક્તિની જન્મભૂમિ વિશ્વાસ છે, પણ એની મા પ્રીતિ છે. હવે એની માતૃભાષા કઈ? ભક્તિની ભાષા કઈ, સંસ્કૃતિ?
ના, ભક્તિ તો દરેક ભાષામાં થઈ છે અને થતી રહેશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)