કોઈ ભૂખ્યાની આંખોમાં ભૂખ વાંચી બેસો અને તેનું પેટ ભરવા હાથ લાંબો થઈ જાય તો માનવું કે તમારી અંદર ભજન અત્યારે પણ ચાલુ જ છે.
માનસ ધર્મ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગયા ગુરુવારે તમને કહ્યું એમ, તમે એવરેસ્ટ પર ચડી જાઓ, પણ ચડ્યા પછી ઊતરવું પડે, જે સનાતન સત્ય છે. એવરેસ્ટથી ઉપર ક્યાંય જઈ શકાતું નથી, પણ સાહેબ! ભક્તિના શિખર પર ચાલો તો ઊતરવું જ નથી પડતું. તમે જેટલા આગળ વધો શિખર એટલું જ ઊંચું થતું જાય છે.
આ પ્રેમ જગતનું સત્ય છે. આ ભાવ જગતનું સત્ય છે. જેટલો પ્રેમ જાગે એટલો ભાવ વધે. જેટલી એકાગ્રતા વધે, શિખર ઊંચાઈમાં એટલું વધે છે. સાધક ભજનાનંદી ઉપર ને ઉપર ચડતો જાય છે. તેનો ક્યારેય અંત નથી આવતો, આ હકીકત છે અને આ હકીકત સાથે જ ભજનની પહેલી શરત આવે છે, પ્રસન્નતા.
ADVERTISEMENT
આપણે ઇચ્છીએ છીએ કે બંદગી થઈ જાય પછી પ્રસન્ન થઈશું તો એ તો ખોટનો વેપલો થયો કહેવાય, એટલા માટે માનસમાં જેટલી સ્તુતિઓ છે કે પ્રાર્થના છે એ મોટે ભાગે કરતાં પહેલાં જે કરનાર છે તે રોમાંચિત હોય છે અથવા તો પુલકિત કે સજલ હોય છે.
શરીર વગર ભજન ન થઈ શકે. ભજન કરનાર કહે કે હું મરી જાઉં તો સમજવું કે એને ભજનમાં રસ નથી. ભજનાનંદી મરવાની વાત ન કરે.
સરળતા ભક્તિનું ભૂષણ છે. ભક્તિ અહંકારને રહેવા નથી દેતી. ભક્તમાં અહંકાર હોય જ નહીં. હે હરિ, હે હરિ બોલતાં-બોલતાં જો તમારી આંખો ભરાઈ જાય અને બોલવાનું બંધ થઈ જાય તો જરા પણ ચિંતા ન કરતા, કારણ કે એ આંખોમાંથી જ્યારે અશ્રુબિંદુ નીકળે છે એ ભજનથી સહેજ પણ ઊતરતું નથી, એ જ ભજન છે. કથાશ્રવણ પણ ભક્તિ છે અને કોઈ ગરીબનો પોકાર સાંભળો તો એ પણ ભક્તિ જ છે. કોઈ ભૂખ્યાની આંખોમાં ભૂખ વાંચી બેસો અને તેનું પેટ ભરવા હાથ લાંબો થઈ જાય તો માનવું કે તમારી અંદર ભજન અત્યારે પણ ચાલુ જ છે.
જેની પાસેથી ભક્તિ મળે એ ગમે એટલો નાનો હોય તો પણ જો તેની પાસેથી પરમહિત સાથેની ભક્તિ મળે તો તેને પ્રેમ કરો. ચતુર માણસ ભજનમાં ક્યારેય સફળ નથી થતો, થાય જ નહીં. આંતરિક સાધના માટે ચતુરાઈ ખતરનાક છે.
એક વાત તમે સમજી લો કે ભક્તિ કરવામાં નથી આવતી. જો કોઈ એમ કહે કે હું ભક્તિ કરી રહ્યો છું તો એ ખોટી વાત છે. ભક્તિ કરવામાં આવે જ નહીં, એ એવી રીતે થાય જ નહીં. ભક્તિ થાય કેવી રીતે એની વાત હવે આપણે કરીશું આવતી કાલે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)