જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે જો આ કામ કરવાનું ટાળવામાં આવે તો લાંબા ગાળે અઢળક લાભ થઈ શકે છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
અમુક કામોની બાબતમાં વાર બહુ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે પણ અમુક બાબતોમાં જ. એવું કહેવાય કે શનિવારના દિવસે વાળ ન કપાવવા જોઈએ તો એવું પણ કહેવાય છે કે ગુરુવારના દિવસે નખ ન કાપવા જોઈએ. આવી તો ઘણી વાતો છે, જેમાંથી અમુક વાતો સાચી છે તો અમુક વાતો પાછળ કોઈ લૉજિક નહીં હોવા છતાં પણ લોકવાયકાની જેમ લોકોના મનમાં એ સ્ટોર થઈ ગઈ હોય એટલે આગળ વધ્યા કરે છે. આજે આપણે એવાં સાત કામોની વાત કરવી છે જે સોમવારના દિવસે કરવાનું ટાળવું જોઈએ.
એ સાત કામો કયાં છે એની ચર્ચા કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરવાની કે એ કામો ટાળવાં જોઈએ, પણ ધારો કે અનિવાર્ય હોય તો કોઈ જાતનો સંકોચ રાખ્યા વિના કામમાં આગળ વધવામાં પણ વાંધો નહીં. પણ હા, અનિવાર્ય હોય તો. બાકી જો શક્ય હોય તો પ્રયાસ કરવો કે સાત કામ સોમવારના દિવસે ન થાય.
ADVERTISEMENT
હવે વાત કરીએ એ કામોની, જેમાં સૌથી પહેલું કામ છે સોમવારે ક્યારેય કામ ટાળવું નહીં.
૧. કામ ટાળો નહીં
સોમવાર ઊઘડતા સપ્તાહનો પહેલો દિવસ છે તો સાથોસાથ એ શિવનો વાર પણ છે. સોમવારે કોઈ કામ સામે આવી જાય તો એને ટાળો નહીં. શિવપુરાણમાં કહેવાયું છે કે સોમવારે મનમાં જે ઊગે એને શિવના આશીર્વાદ મળે છે. એવા સમયે કામ ટાળવાનો વિચાર જો સોમવારે મનમાં આવે તો એ વિચાર થકી આળસુ માનસિકતા ડેવલપ થવાનું શરૂ થાય છે, જે જોખમી છે એટલે સોમવારે કોઈ કામ ટાળો નહીં.
હવે વાત કરીએ બીજા નંબરના કામની.
૨. ઊર્જાને આગળ વધારો
મહાદેવ ઊર્જાવાન છે, નાસીપાસ થવું તેમને ક્યારેય ગમ્યું નથી. તે તમામ બાબતમાં રસ્તો કાઢે છે. ભગવાન શ્રીગણેશનો વધ થઈ ગયા પછી પણ મહાદેવ ખેદ સાથે બેસી નહોતા રહ્યા, તેમણે તરત રસ્તો કાઢીને ઐરાવતનું મસ્તક ગણેશજીના ધડ પર બેસાડીને પુત્રને જીવનદાન આપ્યું હતું. સોમવારને ઊર્જા સાથે ઊજવવો હોય તો સોમવારના દિવસે ક્યારેય સૅડ કે સ્લો મ્યુઝિક ન સાંભળો. જો મ્યુઝિક સાંભળવાનો શોખ હોય તો સોમવારે ફાસ્ટ અને એનર્જેટિક મ્યુઝિક સાંભળો. શિવતાંડવ સાંભળવું સૌથી ઉત્તમ છે.
૩. અણગમતાને અવૉઇડ
અહીં સાઇકોલૉજી પણ એટલી જ મહત્ત્વની છે. સોમવારના દિવસે ન ગમતા કે પછી જેનાથી ત્રાસ છૂટતો હોય એવા લોકોને મળવાનું ટાળો. ન ગમતા લોકો એનર્જી ખેંચી લેશે અને મહાદેવને ઊર્જા પસંદ છે એટલે પ્રયાસ કરો કે આજના દિવસે ગમતા લોકો સાથે જ મીટિંગ થાય અને તમારા માટે જેલસી ધરાવતાથી દૂર રહીને તમારી પૉઝિટિવ એનર્જી બચાવો.
૪. લાંબી વાતો ટાળો
મહાદેવ અને હનુમાનજી, આ બે ભગવાન એવા છે જેને લાંબી વાતોનો ત્રાસ છૂટે છે. સોમવારે લાંબી વાતોને ટાળો અને ટૂંકમાં પૂરું થતું હોય એ રીતે કામને કરો. લાંબી મીટિંગ પણ આજના દિવસે લેવાનું ટાળજો અને ધારો કે મીટિંગ લેવાનું આવે તો મીટિંગ ટુ-ધ-પૉઇન્ટ રાખો અને મુદ્દાસર રજૂઆત કરો. આ આદતને રોજિંદા જીવનમાં પણ વણી શકાય પણ સોમવારે તો એનું પાલન અવશ્ય કરો.
પ. મોડા ન ઊઠો
સોમવારની સવાર શક્ય હોય એટલી વહેલી ચાલુ કરો. જો રોજ સાત વાગ્યે જાગતા હો તો સોમવારે પાંચ કે છ વાગ્યે જાગો અને ખાસ વાત, સોમવારે સ્નાન લેવાનું ક્યારેય ટાળો નહીં. મહાદેવ ભલે અઘોરીની જેમ રહેતા હોય પણ મહાદેવે જ સંસારીઓ માટે કહ્યું છે કે જે મારી જેમ રહેશે એ રાહુને પામશે. સંસારીઓએ રાહુને નહીં, શુક્રને પામવાનો હોય અને પોતાનું આકર્ષણ પ્રસરાવવાનું હોય એટલે સોમવારનો દિવસ શક્ય હોય એટલો વહેલો શરૂ કરો.
૬. સ્ત્રીસંઘર્ષ ટાળો
શિવ-શક્તિ શબ્દ સૌકોઈ માટે બહુ જાણીતો છે. શિવજી શક્તિ સમાન પાર્વતીજીને અખૂટ માન આપે છે એટલે સોમવારના દિવસે સ્ત્રીસંઘર્ષ ટાળો. જરૂરી નથી કે અહીં માત્ર પત્ની સાથે જ સંઘર્ષ ટાળવાનો હોય, પણ વાત તમારી આસપાસ રહેલાં તમામ સ્ત્રી પાત્રોની છે, પછી એ ઑફિસ હોય કે ઘર કે સોસાયટી. પુરુષોની જેમ જ મહિલાઓએ આજના દિવસે પુરુષ સાથે સંઘર્ષ ટાળવો જોઈએ.
૭. બ્લૅક કલર નહીં
આજના દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાં નહીં. કપડાંમાં વાત અન્ડરગાર્મેન્ટ અને રૂમાલની પણ આવી જાય છે. જો આજના દિવસે કાળા કલરની કોઈ ચીજ પણ સાથે ન રાખો તો પણ ઉત્તમ છે. સોમવાર ચંદ્રનો દિવસ છે એટલે શક્ય હોય તો આજના દિવસે સફેદ કલરનો ઉપયોગ મહત્તમ થાય એવો પ્રયાસ થવો જોઈએ. વીકમાં બે દિવસ એવા છે જે દિવસોમાં સફેદ કલરનું મહત્ત્વ વધુ છે. એક તો સોમવાર અને બીજો શુક્રવાર. જો વાળ સફેદ હોય તો આજના દિવસે હેરકલર કરવાનું પણ ટાળવું.