શૌર્યનો ગ્રહ ગણાતો મંગળ જો સર્વોચ્ચ રીતે કામ કરે તો એ ધનપ્રાપ્તિથી માંડીને સફળતા અપાવવાનું શ્રેષ્ઠ કામ કરે પણ એ માટે ગ્રહ મંગળને મંગળમય બનાવવો બહુ જરૂરી છે
શુક્ર-શનિ
મંગળ ગ્રહની તસવીર
જ્યોતિષશાસ્ત્રનું લઘુ જ્ઞાન ધરાવતા અને આ શાસ્ત્રમાં ઊંડા નહીં ઊતરેલા લોકોના કારણે મંગળ ગ્રહને જોઈએ એવો જશ મળ્યો નથી. સામાન્ય લોકોમાં મંગળની છાપ એવી જ ઊભી થઈ છે કે મંગળ જો સારો હોય તો વ્યક્તિ સેના કે પોલીસ જેવા શૌર્ય દર્શાવતા ક્ષેત્રમાં કે પછી સરકારી ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત હોય છે, પણ મંગળ માત્ર એ એક જ વાત દશાર્વતો નથી. મંગળ શબ્દની જેમ જ ગ્રહ મંગળ પણ મંગળમયી જીવન આપવાનું કામ કરે છે. જેના હૉરોસ્કોપમાં મંગળ શુભ સ્થાનમાં હોય તો એ માત્ર કરીઅરમાં જ નહીં, આર્થિક રીતે પણ લાભદાયી બને છે તો પારિવારિક સંબંધોમાં પણ સુખાકારી લાવે છે. મંગળની એક બેઝિક ખાસિયત છે, જેનો મંગળ ખૂબ સારા સ્થાનમાં હોય તે ક્યારેય દેવું કરતા નથી. તેના પર લોન પણ નથી હોતી, ઊલટું તેને વ્યાજની આવક બહુ સારી હોય છે.
મંગળને મજબૂત કરવા માટેના કેટલાક સરળ રસ્તાઓ છે, જેનો ઉપયોગ કરવાથી મંગળ ખરા અર્થમાં જીવનને મંગળમય બનાવે છે. જોઈએ એ સરળ અને સૌકોઈ અમલમાં મૂકી શકે એવા રસ્તાઓ...
૧. હનુમાન ચાલીસા સર્વશ્રેષ્ઠ
જન્માક્ષરમાં મંગળ દોષ હોય કે ન હોય, મંગળ નબળો હોય કે સબળો; દરેક વ્યક્તિએ હનુમાન ચાલીસાનું પઠન કે એનું ગાન કરવું જોઈએ. ધારો કે એ ન થઈ શકે તો રોજ સવારે ઘરની બહાર નીકળતાં પહેલાં હનુમાન ચાલીસા એક વાર સાંભળવા જોઈએ. અસંતોષી મંગળને શાંત કરવાનું કામ હનુમાન ચાલીસા બેસ્ટ રીતે કરે છે. રાતે સૂતાં પહેલાં પણ જો હનુમાન ચાલીસા ઘરમાં સાથે બેસીને ફૅમિલી-મેમ્બર સાંભળે તો એ પરિવારમાં સુખ અને શાંતિ રહે છે, કજિયા અને મતભેદ દૂર થાય છે. જેમનાં બાળકો માબાપના કહ્યામાં ન હોય કે પછી આડા રસ્તે ચડી ગયાં હોય તેમણે પોતાનાં સંતાનોને નિયમિત રીતે હનુમાન ચાલીસા સંભળાવવા જોઈએ. એ સાંભળવા રાજી ન હોય તો પોતાના માટે મોટા વૉલ્યુમ પર હનુમાન ચાલીસા ચાલુ કરીને પણ એની ચોપાઈઓ તેમના સુધી પહોંચાડવી જોઈએ. પરિણામ ખૂબ સરસ મળશે એનો વિશ્વાસ રાખજો.
૨. ભોજન અને મંગળ
મંગળને મજબૂત કરવા કે હંમેશાં મજબૂત રાખવા માગતા હો તો માંસાહાર બંધ કરી દેજો. માંસાહારી મંગળને પસંદ નથી, જેને લીધે માંસાહારીઓને મંગળ પોતાનો લાભ આપતો નથી. આ ઉપરાંત ખાનપાનની વાત ચાલે છે તો એ પણ કહેવાનું કે મંગળને સૌથી પ્રિય જો કંઈ હોય તો એ ગોળ છે. મંગળ જેવા જ બદામી લાલ રંગના ગોળનું નિયમિત સેવન કરવું જોઈએ. આગળ કહ્યું એમ, રોજ સવારે હનુમાન ચાલીસાનું પઠન કરવું કે સાંભળવા જોઈએ એવી જ રીતે મંગળને મજબૂત કરવા માગતી વ્યક્તિએ ઘરેથી નીકળતાં પહેલાં ગોળ ખાઈને નીકળવું જોઈએ. આ નિત્ય ક્રમ બનાવી લો, તમને બહુ ઝડપથી મંગળ ગ્રહથી થતા લાભોની અસર જોવા મળશે.
જો ડાયાબિટીઝ કે અન્ય કોઈ હેલ્થ ઇશ્યુ હોય તો જીભ પર ગોળ ઘસી લેશો તો પણ ચાલશે. જીભ પર ઘસાયેલા ગોળને ત્યાર પછી કોઈ ખુલ્લી જગ્યાએ કીડીઓને આપી દેવો.
૩. ઘર અને મંગળ
મંગળને મજબૂત કરવા માગતા લોકોએ ઘરમાં લીમડાનું પ્લાન્ટેશન કરવું જોઈએ. મુંબઈમાં એ શક્ય નથી એટલે ઘરની આસપાસ લીમડાનું ઝાડ હોય તો રોજ એને પાણી પીવડાવવાનું કાર્ય કરવું જોઈએ. જો લીમડાનાં પાનથી સ્નાન કરવામાં આવે તો પણ એ એટલું જ તીવ્ર પરિણામ આપશે જેટલું લીમડો ઉગાડવાથી મળવાનું છે. લીમડાનાં પાનથી સ્નાન કરવાની પણ એક રીત છે. રોજ સવારે લીમડાનાં પાન તોડી એને પાણીમાં નાખી પાણી ગરમ કરી લેવું. જો ગીઝર વાપરતા હો તો ગરમ પાણીમાં લીમડાનાં પાન નાખી એ પાણીને થોડો સમય રહેવા દેવું અને ત્યાર પછી લીમડાનાં પાનને બરાબર નિચોવી એ પાણીની મસ્તકની બરાબર મધ્યમાં પહેલી ધાર કરવી.
લીમડાનાં પાનના પાણીથી સ્નાન કર્યા પછી સાદા પાણીથી સ્નાન કરી શકાય. લીમડાનાં પાન નાખ્યા પછી એ પાણીમાં બીજું કશું એટલે કે આખું મીઠું કે કપૂર કે અન્ય કોઈ દ્રવ્ય નાખવા નહીં એ ધ્યાનમાં રાખજો. એક ખાસ વાત, વાત લીમડાનાં પાનથી સ્નાન કરવાની છે એટલે માર્કેટમાં મળતાં નીમ સોપથી શાવર લઈને સંતોષ ન માનવો.