હિમાલયની ગુફામાં પાંચ વર્ષથી બેઠા હો, કોઈ તકલીફ ન હોય; પણ બીજો કોઈ બાજુમાં આવીને ગુફામાં રહે તો તકલીફ ઊભી થાય!
માનસ ધર્મ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભક્તિ કઈ રીતે કરવી? આમ તો ઘણી વાર આપણે ચર્ચા કરી છે, પણ પ્રપન્ન પારિજાતનું સૂત્ર છે : ભક્તિ કરવી છે, કેશવની આરાધના કરવી છે તો ત્રણ વાતનું ધ્યાન રાખવું. પહેલી વાત, રાગ-દ્વેષથી મુક્ત હૃદય.
તમારું હૃદય રાગદ્વેષથી મુક્ત કરી દો. કોઈના પ્રત્યે રાગદ્વેષ ન રાખો. તમે માળા કે તિલક નહીં કરો તો ચાલશે. જે રીતે રહેતા હો એમ જ રહો. તમારી જાતને પૂછ્યા જ કરો - રાગદ્વેષ રહ્યા? એમાં ફેર પડ્યો? સમાન તરફ પણ રહ્યા છે? સંગીતકારને પોતાના જ જાતકર્મીને દાદ આપવામાં તકલીફ પડે. તમારો રાગદ્વેષ તમને ફસાવે છે. હિમાલયની ગુફામાં પાંચ વર્ષથી બેઠા હો, કોઈ તકલીફ ન હોય; પણ બીજો કોઈ બાજુમાં આવીને ગુફામાં રહે તો તકલીફ ઊભી થાય! તમને સુંદરકાંડ આખો આવડતો હોય, કંઠસ્થ હોય અને તમને એની ખુશી પણ હોય; પણ જો ગામડાનો કોઈ માણસ આવીને બાલકાંડની બે ચોપાઈઓ મોંએ કરેલી બોલે તો તમને ઈર્ષ્યા થાય, તમારી ખુશીનું બાષ્પીભવન થઈ જાય! બહુ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, પણ એ ક્યારે થાય? ત્યારે જ્યારે બધું સ્પષ્ટ હોય.
ADVERTISEMENT
આકાશ બહુ ચોખ્ખું થાય તો જ નાનામાં નાનાં નક્ષત્રો દેખાય. એવું જ હૃદયનું છે. જો હૃદયાકાશ ચોખ્ખું થશે તો નાનામાં નાના દુર્ગણ કે સદ્ગુણ પકડાશે. અંતઃકરણ ખૂબ વિશુદ્ધ રાખો. આકાશમાં તારાઓ હોય જ છે, પણ વાદળાંઓ હોય એને લીધે એ દેખાતા નથી હોતા.
તમે એક વાત સમજી લો કે તમે એવું ઇચ્છતા હો કે મને માન મળવું જોઈએ તો તમારામાં માન નથી તેથી જ તમે બીજા તરફથી માનની બડાઈ ઇચ્છ્યા કરો છો. તમે બીજાને બડાઈ આપો તો તમારા ખુદમાં એ સિદ્ધ થઈ ગયું કે તમારા ખુદમાં બડાઈ છે, એટલી છે કે તમે બીજાને આપી શકો છો. તમારામાં મહાનતા છે, એ તમે બીજાને સમર્પિત કરી શકો એટલા મહાન તમે છો.
એક વાત હંમેશાં યાદ રાખજો. પ્રભુ મળ્યા પછી ચર્ચા નહીં, વર્ષા થાય છે. આ વર્ષા છે એ પ્રેમધારા, રસધારા, અમૃતધારા, અશ્રુધારાની અને આ જે ધારા છે એ જીવનને નવી ઊંચાઈ આપવાનું કામ કરે તો સાથોસાથ જીવનમાંથી ઝેર ચૂસવાનું પણ કામ કરે છે. માત્ર સાપ જ ઝેરવાળા હોય એવું નથી હોતું. માણસ પણ ઝેરી હોય છે, પણ તેનું ઝેર ચૂસવાનું કામ હરિ કરતો હોય છે અને હરિ જ્યારે એ કામ કરે ત્યારે માણસ પર પ્રેમધારા, રસધારા, અમૃતધારા અને સ્નેહાધારાની વર્ષા થાય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)