ઊંઘ દરમ્યાન આવતાં દરેક સપનાં પણ તમને કશુંક સૂચવતાં હોય છે. ગયા રવિવારે શરૂ થયેલી આ જ વાતમાં અન્ય ત્રણ સપનાં વિશે આ વખતે વાત કરવાની છે, જે તમને આવનારાં સપનાંને સહજ રીતે સમજાવવાનું કામ કરશે
શુક્ર-શનિ
પ્રતિકાત્મક તસવીર
મૃત્યુ પામેલા સ્નેહીજનો દેખાવા કે પછી મળ, કફ, માંસ કે બીમારીનાં સપનાં કે પછી અનૈતિક શારીરિક સંબંધોનાં સપનાં શું સૂચવે છે એના વિશે આપણે ગયા રવિવારે વાત કરી; પણ સપનાં આટલાં જ નથી હોતાં. આ સિવાયનાં પણ કેટલાંક સપનાં એવાં છે જે નિયમિત સેંકડો લોકોને આવતાં હોય છે. એ સપનાં શું સૂચવે છે એના વિશે વાત આપણે હવે કરવાના છીએ.
કોઈ એક જ વ્યક્તિ દેખાવી | હા, ઘણી વાર એવું બને કે કોઈ એક વ્યક્તિ તમારા સપનામાં વાંરવાર આવે. જો એ વ્યક્તિગત ઓળખાણ ધરાવતી હોય તો એનું પહેલું સૂચક એ બને છે કે એ વ્યક્તિ સાથે તમારે ઘનિષ્ઠ સંબંધો બની શકે છે અને ધારો કે ઘનિષ્ઠ સંબંધ હોય તો તમારા એ સંબંધોમાં વધારે સારી મીઠાશ ઉમેરાઈ શકે છે. ધારો કે એ વ્યક્તિ તમારા પરિચયની ન હોય તો પણ તમારી ઓળખાણ માત્ર હોય તો તમારે એ વ્યક્તિ સાથે સારા સંબંધો બની શકે કે પછી એ જે-તે ફીલ્ડમાં હોય એ ફીલ્ડમાં તમે આગળ વધો એવો નિર્દેશ મળે છે. નરેન્દ્ર મોદી સપનામાં આવે તો તમને તમારો ઇનર-પાવર સૂચવે છે કે તમે રાજકારણમાં આગળ વધો અને કુમાર સાનુ તમારા સપનામાં આવે તો એ એવું સૂચવે છે કે તમે સહજ રીતે ગાયકીના કે પછી સંગીતના અન્ય માધ્યમ સાથે જોડાઈ શકો છો.
ADVERTISEMENT
જો વહેતી નદી કે દરિયો દેખાય | તકલીફો દૂર થશે એવું સૂચન આ પ્રકારનું સપનું કરે છે. વહેતી નદી કે ઘૂઘવાટા મારતો સમુદ્ર પીડા અને મુશ્કેલીઓ સાથે લઈ જવાનું નિર્દેશન આપે છે, પણ જો એની સામે બંધિયાર પાણી દેખાય તો એવું ધારવું કે તમે ચીવટ નહીં રાખો તો જે વાત અત્યારે તકલીફ નથી આપતી એ તકલીફ બની શકે છે. અમુક શાસ્ત્રોમાં એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે રાતે સૂતી વખતે બેડની નીચે પાણી ભરેલો વાટકો કે તપેલી રાખવી જોઈએ, જેથી ગાઢ ઊંઘ આવે. હકીકત એ છે કે પાણી ભરેલી વાટકો ગાઢ ઊંઘ નહીં પણ વહેતા પાણીનું સપનું આપે છે, જે એવું પુરવાર કરે છે કે તમે તકલીફોમાંથી ઝડપથી દૂર થશો અને જો તકલીફો દૂર થાય તો સ્વભાવિક રીતે જ ગાઢ ઊંઘ આવવા માંડે.
આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
ભગવાનની મૂર્તિ કે તસવીર દેખાવી | ભગવાન એટલે પછી દેવી હોય કે દેવતા, પણ જો તમને દેવસ્થાન પણ દેખાય તો માનવું કે નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો લાભ થવાનો છે અને એ માટે તમારે હવે જાગૃત રહેવાનું છે. દેવી કે દેવતા દેખાવા તે એ જ વાત પુરવાર કરે છે કે તમને બહુ ઝડપથી મોટો લાભ થવાનો છે. જરૂરી નથી કે એ લાભ માત્ર આર્થિક જ હોય. બની શકે કે તમને સામાજિક સ્તરે માન-અકરામ પણ સાંપડે અને તમારું બહુમાન પણ થાય અને એવું પણ બની શકે કે તમને માનસિકપણે પણ કોઈ મોટી મુશ્કેલીમાંથી સાવ જ સરળ અને સહજ રીતે બહાર આવી જાઓ અને એ લાભ થાય.
ઈશ્વર સામાન્ય રીતે ક્યારેય સપનામાં દેખાતા નથી હોતા એટલે એ સપનાનું પણ વર્ગીકરણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. દેવસ્થાન દેખાવું, આખું મંદિર દેખાવું એ પણ એ જ વાતની ફળશ્રુતિ છે કે તમને લાભ થવાનો છે.
સપનામાં જ્યારે પણ ભગવાનનાં દર્શન થાય ત્યારે બીજી સવારે ભૂલ્યા વિના ગરીબને ભોજન કરાવવું જોઈએ, જેથી આવેલા સપનાને પૂરું થવા માટે દુઆનું બળ મળે.