સ્ટાર પ્લસના શો કહાં હમ કહાં તુમના પણ છેલ્લા દિવસો આવી ગયા!
સ્ટાર પ્લસનો પૉપ્યુલર શો ‘કહાં હમ કહાં તુમ’ આવતા મહિને બંધ થવા જઈ રહ્યો છે. આ શોમાં પ્રખ્યાત ટીવી-ઍક્ટ્રેસ સોનાક્ષી અને ડૉક્ટર રોહિતના સંબંધની વાત છે. એકબીજાથી બિલકુલ જુદી દુનિયા ધરાવતા આ કપલની જિંદગીમાં આવતા ચડાવ-ઉતારની વાર્તા લોકોને ગમી હતી. લીડ રોલમાં દીપિકા કક્કર (સોનાક્ષી રસ્તોગી) અને કરણ વી. ગ્રોવર (ડૉ. રોહિત સિપ્પી)ની કેમિસ્ટ્રી પણ ચાહકોને ગમી હતી અને ટીઆરપીમાં આ શો સારા સ્કેલ પર હોવા છતાં મેકર્સે એને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સંદીપ સિકંદ-વીણા સિકંદ નિર્મિત ‘કહાં હમ કહાં તુમ’ જૂન ૨૦૧૯માં શરૂ થયો હતો અને હવે ૧૪મી માર્ચના આ શોનો છેલ્લો એપિસોડ પ્રસારિત થશે. આ શોના નરેટર તરીકે સૈફ અલી ખાન જોવા મળ્યો હતો. દીપિકા કક્કર ઇબ્રાહિમ અને કરણ વી. ગ્રોવર ઉપરાંત આશિષ નાયર, મોહિની કેવલરામાણી, અનાહિતા, શાલિની કપૂર વગેરે મહત્ત્વના રોલમાં છે. આ શોની વાર્તા અભિનેત્રી માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેનેની લાઇફથી પ્રેરિત છે એમ કહેવાય છે.