વેબ-સિરીઝ માટે રિયલ પોલીસ પાસેથી ટિપ્સ લીધી હતી અંગદ બેદીએ
અંગદ બેદી
એકતા કપૂરની વેબ-સિરીઝ ‘મુમ્ભાઈ’માં પોતાના રોલમાં પ્રાણ પૂરવા માટે અંગદ બેદીએ મુંબઈ પોલીસ પાસેથી કેટલીક સલાહ લીધી હતી. સિનિયર પોલીસ-ઑફિસર સાથે સમય પણ પસાર કર્યો હતો. વેબ-સિરીઝની સ્ટોરી ૯૦ના દાયકાની છે. ભાસ્કર શેટ્ટીના પાત્રમાં અંગદ જોવા મળવાનો છે. પોતાના રોલની કેવી રીતે તૈયારી કરી હતી એ વિશે જણાવતાં અંગદ બેદીએ કહ્યું હતું કે ‘પોલીસ સાથે મુલાકાત કરવી અને તેમની સ્ટોરીઝ સાંભળવી એ મારા રોલની તૈયારીનો જ એક ભાગ હતો. આ લોકો જોખમમાં જીવે છે. હું તેમની લાઇફને અતિશયોક્તિ સાથે નહીં કહું પરંતુ તેમની એનર્જીથી હું ઘણો પ્રભાવિત થયો છું. તેઓ જે રીતે કેસને ઉકેલે છે અને જે રીતે તેઓ કામ કરે છે એ મને ખૂબ ગમ્યું. હું જેટલો વધુ સમય તેમની સાથે પસાર કરીશ એટલો વધુ સારી રીતે હું મારા પાત્રને સમજી શકીશ.’