પિતા-પુત્રીના સંવેદનશીલ સંબંધો પર ફિલ્મ લઈને આવી રહ્યા છે 'રામ મોરી'
ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી અને રામ મોરી
રામ મોરી ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી સાથે મળીને પિતા-પુત્રીના સંબંધો જેવા સંવેદનશીલ વિષય પર છે. મોન્ટુની બિટ્ટુમાં સંબંધોના તાણાવાણાને ખૂબ જ સુંદર રીતે દર્શાવીને લોકોનું દિલ જીત્યા બાદ રામ મોરીએ જ્યારથી બીજી ફિલ્મ પર કામ કરી રહ્યા હોવાની જાહેરાત કરી છે ત્યારથી તેના વિશે ઉત્સુકતા વધી છે. ફિલ્મ વિશે Gujaratimidday.com સાથે વાત કરતા રામ મોરીએ કહ્યું કે, આ ફિલ્મ બાપ અને દિકરીના સંબંધો પર એક અલગ જ ફ્લેવરની વાર્તા છે. જેમાં દર્શકોને અમદાવાદની અંદરનું એક નવું અમદાવાદ જોવા મળશે. મોન્ટુની બિટ્ટુ પછી તેમને કાંઈક અલગ કરવાની ઈચ્છા હતી અને તેઓ આ ફિલ્મને લઈને આવ્યા છે.
ADVERTISEMENT
રામ મોરીની આ ફિલ્મના દિગ્દર્શક ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી છે. જેમની આ બીજી ફિલ્મ છે. દર્શન ત્રિવેદીની પહેલી ફિલ્મ મૃગતૃષ્ણા છે, જેના પર કામ ચાલી રહ્યું છે.. રામ મોરી અને દર્શન ત્રિવેદીએ મળીને આ ફિલ્મ બનાવવાનું નક્કી કેવી રીતે કર્યું તેની પાછળ રસપ્રદ કહાની છે. રામ મોરીએ મૂળ આ ફિલ્મની વાર્તા મરાઠી ફિલ્મ બનશે તેવા આશા સાથે બનાવી હતી. રામે આ વાર્તા સુબોધ ભાવે, કે જેઓ મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર છે તેમને સંભળાવવા માટે લખી હતી. રામ સુબોધ ભાવેને નરેશન આપવા માટે જવાના હતા. પરંતુ તે પહેલા મોન્ટુની બિટ્ટુના ડાયરેક્ટર વિજયગીરી બાવાના માધ્યમથી તેમની મુલાકાત દર્શન અશ્વિન ત્રિવેદી સાથે થઈ. જેમને રામે આ વાર્તા સંભળાવી. દર્શનને આ વાર્તા એટલી ગમી ગઈ કે તેમણે રામને ફોન કરીને કહ્યું કે, આ ફિલ્મ ગુજરાતીમાં કરે. ફિલ્મ તેઓ સુબોધ ભાવેને ન પહોંચાડે, તેઓ ખુદ આ ફિલ્મ બનાવવા માંગે છે. દર્શન ત્રિવેદીની ફિલ્મ મૃગતૃષ્ણા પણ રામે જોઈ. જે રામને ખૂબ ગમી અને આવી રીતે ફિલ્મ બનાવવાનું નક્કી થયું.
આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...
મોન્ટુની બિટ્ટુ પછી લેખક તરીકે રામ મોરીની આ બીજી ફિલ્મ છે. ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની પણ મૃગતૃષ્ણા પછીની આ બીજી ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ફિલ્મની કાસ્ટ જલ્દી જ ફાઈનલ થઈ જશે. રામમોરીએ ફિલ્મની વાર્તા લગભગ ખતમ કરી લીધી છે. બધું ફાઈનલ થઈ જાય એટલે ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. મોન્ટુની બિટ્ટુમાં અમદાવાદને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું હતું. જે બાદ રામની ફરી નવી ફિલ્મ માટે ઉત્સુકતા વધી છે.