મારી હંમેશાંથી ઇચ્છા હતી ઍક્શન ફિલ્મ બનાવવાની : મધુર ભંડારકર
મધુર ભંડારકર
મધુર ભંડારકરનું કહેવું છે કે તેને હંમેશાંથી જ ઍક્શન ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. જોકે તેણે હવે ‘ઇન્સ્પેક્ટર ગાલિબ’ નામની ઍક્શન ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મ સૅન્ડ માફિયા પર આધારિત છે. આ ફિલ્મ વિશે મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘મેં હાલમાં જ ‘ઇન્સ્પેક્ટર ગાલિબ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ સૅન્ડ માફિયા પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી ઉત્તર પ્રદેશની આસપાસ ફરશે. આ એક ઍક્શન ફિલ્મ હશે. મારી પહેલેથી જ ઇચ્છા એક ઍક્શન ફિલ્મ બનાવવાની હતી. જોકે કદી પણ મેં આવી ફિલ્મ બનાવી નહોતી. મારા મતે ફિલ્મમેકરે ઓછામાં ઓછી એક તો ઍક્શન ફિલ્મ બનાવવી જ જોઈએ, કારણ કે એવા પ્રકારની ફિલ્મમાં તમે અલગ પ્રકારનું વાતાવરણ અને દુનિયા લોકોને દેખાડી શકો છો.’
આ પણ વાંચો: શૂટિંગ કરવાની જગ્યાએ ક્રિકેટ રમે છે ઇરફાન
ADVERTISEMENT
આ ફિલ્મ માટે કલાકારો પર હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય નથી લેવાયો એ વિશે મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે મેં મારી આ ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરી લીધી છે. જોકે એવું કંઈ નથી. આ સંદર્ભે મેં હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કરી છે. જોકે હજી ઘણી એવી બાબતો છે જેના પર અમે હજી સુધી કામ કરી રહ્યા છીએ. એથી એ બધું જ્યારે પૂરું થશે ત્યાર બાદ જ હું મીડિયાને કહીશ કે અમે ક્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છીએ.’