થિયેટર કરવા માટે ઇમાનદારી જોઈએ, જે મારી અંદર હવે નથી રહી : વિજય વર્મા
છેલ્લે નેટફ્લિક્સની ઘોસ્ટ સ્ટોરીઝ અંતર્ગત ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલા એપિસોડમાં દેખાયેલો વિજય વર્મા, ઝોયાની જ ગલી બૉયના મોઈન ખાનના પાત્ર દ્વારા વધુ જાણીતો થયો છે. મીરા નાયરની વેબ-સિરીઝ અ સૂટેબલ બૉયનું શૂટ પતાવીને વિજય હાલમાં આનંદ ગાંધીના વેબ પ્રોજેક્ટ માટે અમદાવાદમાં છે. મારવાડી ફૅમિલીમાં મોટા થયેલા વિજયે પોતાની FTIIથી લઈને ટૉમ ઍલ્ટર સાથેનાં નાટકો તથા ફિલ્મ મળવા સુધીની સફર વિશે મિડ-ડે સાથે વાત કરી.
કોઈ ફિલ્મ જુએ એ મારા પપ્પાને ગમતું નહોતું હું હૈદરાબાદમાં મોટો થયો, પણ મારા રૂટ્સ રાજસ્થાની છે. અમે મારવાડી છીએ અને એટલે મારા પર એજ્યુકેશનથી વધારે જોર ધંધો કરવા પર હતું! ફિલ્મો બહુ જોઈ નથી, કેમ કે છૂટ જ નહોતી. મારા પપ્પાને લોકો ફિલ્મ જુએ એ ગમતું નહોતું.
ADVERTISEMENT
નવમી-દસમી ભણતો ત્યારે ભાઈબંધો સાથે ફિલ્મ જોવાનું શરૂ કર્યું. ત્યારે ગમેલું, પણ એમ છતાં પાંચ-સાત વર્ષ નીકળી ગયાં બીજું બધું કરવામાં, પણ એક વાત નક્કી હતી કે ઘરનો ધંધો તો નથી જ કરવો.
કૉલ સેન્ટરમાં કામ કર્યું તથા સેલ્સ અને માર્કેટિંગ પણ કર્યું
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એ પહેલાં વિજય વર્માએ ઘણી નોકરી બદલાવી હતી. તેણે કહ્યું કે ‘ઘરનો ધંધો નહોતો કરવો એટલે મેં ઘણી બીજીબધી જૉબ કરી; એમાં કૉલ સેન્ટર, સેલ્સ ઍન્ડ માર્કેટિંગ, આઇડિયા સેલ્યુલર સહિત બધું આવી ગયું! પણ મને મજા ન આવી અને જ્યાં કામ કર્યું એ લોકોને પણ મજા ન આવી! એ દરમ્યાન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)ની નોટિસ જોઈ અને એને માટે અપ્લાય કરી.
એ નિષ્ફળતા મને બહુ અકારી લાગી
વિજય વર્માએ FTIIમાં અપ્લાય કરી, તમામ વર્કશૉપ બાદ છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી ગયો પણ અંતે લેટરમાં લખેલું આવ્યું કે તમારું સિલેક્શન નથી થયું! ‘પણ મને વર્કશૉપનો એ અનુભવ ખૂબ કામ લાગ્યો.’ વિજય કહે છે, ‘પણ આ નિષ્ફળતા મને અકારી લાગી, કેમ કે આ એક જ કામ હતું જે મને ગમતું હતું અને મને એ કરવા નહોતું મળ્યું. માટે હું થિયેટર કરવા લાગ્યો. અનુભવ મેળવ્યો અને ફરી FTIIમાં ટ્રાય કરી અને એ વખતે મારું સિલેક્શન થઈ ગયું!’
થિયેટર મારા માટે સેફ જગ્યા હતી
FTIIમાંથી બહાર આવ્યો એનાં બે વર્ષ સુધી વિજય પાસે કંઈ જ કામ નહોતું. તે કહે છે, ‘મુંબઈમાં નવરા રહેવું બહુ અઘરું છે. ઑડિશનમાં તમે ફેલ થતા હો તો તમને ફિલ્મો તો શું, ઍડ્સમાં પણ કામ ન મળતું હોય. એવા સમયે ટકવું અતિશય અઘરું છે. આવા રિજેક્શનના સમયમાં મને થિયેટર સેફ જગ્યા લાગતી હતી. થિયેટર મારું આશ્રયસ્થાન હતું.’ વિજયે ટૉમ ઍલ્ટર, બેન્જામિન ગિલાણી તથા નસીરુદ્દીન શાહ સાથે કામ કર્યું છે. ટૉમ ઍલ્ટર સાથે અંગ્રેજી નાટક ‘થ્રી શૉટ પ્લેસ’ના ૫૦ એપિસોડ્સ વિજયે કર્યા છે.
વિજયે પોતાની થિયેટર-જર્ની વિશે વાત કરતાં છેલ્લે કહ્યું, ‘આજે થિયેટર કરવાનો મારી પાસે જરાય સમય નથી. મને લાગે છે કે થિયેટરમાં વધારે ઇમાનદારી જોઈએ જે મારી અંદર હવે નથી રહી. મને કંઈક કરવું છે, મગજમાં પણ કંઈક ચાલી રહ્યું છે, જોઈએ ક્યારે એનો યોગ્ય અમલ થાય છે!’
ફ્લૅમબૉયન્ટ રણવીર સિંહ મને છેલ્લા દિવસે જોવા મળ્યો!
વિજય વર્માને તેની ખરેખર ઓળખ તો ‘ગલી બૉય’ના તેના મોઈન ખાનના પાત્ર થકી મળી, જેમાં મુખ્ય ઍક્ટર રણવીર સિંહ (મુરાદ) હતો, પણ તેનું પાત્ર વિજયના પાત્રથી ડરતું હતું. મોઈન મુરાદ પર વર્ચસ જમાવતો જોવા મળતો હતો. વિજય કહે છે, ‘રણવીર તેના પાત્રની નજીક જવા માટે શરૂઆતથી જ કોશિશ કરતો હતો. માટે શૂટિંગ દરમ્યાન મેં શાંત રણવીર જ જોયો. છેલ્લા દિવસે રેપ પાર્ટીમાં મને ફ્લૅમબૉયન્ટ રણવીર સિંહ જોવા મળ્યો, જ્યારે તે એ કૅરૅક્ટરમાંથી બહાર નીકળી ચૂક્યો હતો!’
‘અ સૂટેબલ બૉય’માં ૧૧૦ જેટલાં પાત્રો છે
વિજય અત્યારે રીમા કાગતીની ‘ફૉલન’ નામની વેબ-સિરીઝ કરી રહ્યો છે. તેની બીજી સિરીઝ મીરા નાયરની ‘અ સૂટેબલ બૉય’ છે. આ સિરીઝનું હાલ એડિટિંગ ચાલુ છે અને માર્ચ સુધીમાં રિલીઝ-ડેટ જાહેર કરાશે. વિજય આ ઉપરાંત ‘શિપ ઑફ થિસિયસ’ ફેમ આનંદ ગાંધીની એક વેબ-સિરીઝનું શૂટ કરી રહ્યો છે જેને માટે તે હાલ અમદાવાદમાં છે. વિજયે કહ્યું, ‘અ સૂટેબલ બૉય’ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે. એમાં કુલ ૧૧૦ જેટલાં પાત્રો છે અને તમામ રસપ્રદ છે. ભાગલા વખતનો સમય છે, દેશની હાલત ખરાબ છે અને મારા પાત્રની પણ. હું રશીદ નામના બ્રહ્મપુર યુનિવર્સિટીનો વિદ્યાર્થી બન્યો છું જે અરેબિક ટીચર પણ છે.’