Father's day: હા, મે પિતાના હાથનો મેથીપાક ખાધો છેઃ હિતુ કનોડિયા
નરેશ કનોડિયા સાથે હિતુ કનોડિયા ફિલ્મના એક દ્રશ્યમાં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ પડે એટલે જે ચહેરો સામે આવે એ છે નરેશ કનોડિયા. અને તેમના વારસાને આગળ વધારી રહ્યા છે પુત્ર હિતુ કનોડિયા. ફાધર્સ ડે પપુત્ર હિતુ કનોડિયા કરે છે તેમના પિતા નરેશ કનોડિયા સાથેના સંબંધોની વાત...
પિતા નરેશ કનોડિયા ત્રણ શબ્દોમાં..
રાજા, સંઘર્ષ અને ભોળા...પાપાનું નામ નરેશ એટલે કે રાજા. બીજો શબ્દ છે સંઘર્ષ, એ તેમના જીવનનો સામાનાર્થી છે. જ્યારે તેમના માટે ત્રીજો શબ્દ છે ભોળા. તેઓ દિલના એકદમ સાફ અને ભોળા છે.
નરેશ કનોડિયા હિતુ કનોડિયા અને પરિવાર
ADVERTISEMENT
પિતાના હાથનો મેથીપાક ખાધો છે....
હા, મે પિતાના હાથનો મેથીપાક ખાધો છે. પાપા જેટલો પ્રેમ કરતા એટલા સ્ટ્રિક્ટ પણ હતા. મને યાદ છે એક વાર અમેરિકામાં પાપાની મહત્વની મીટિંગ ચાલી રહી હતી અને વચ્ચે હું જઈ ચડ્યો હતો. અને ત્યારે મને બધાની વચ્ચે એક જોરથી પડી હતી. એ પછી હું ક્યારેય તેઓ બિઝી હોય ત્યાં જતો નથી.
પિતા સાથેની આ ક્ષણ છે યાદગાર....
હું જ્યારે રાજવીર જેટલો હતો ત્યારે પાપાના પેટ પર જ સુઈ જતો હતો. અને મારા માટે આ સમય સૌથી યાદગાર છે. તેઓ ગમે એટલા થાકીને આવ્યો હોય, હું એવી રીતે જ સુતો હતો. અને આજે મારો દીકરો મારો હાથ પકડીને જ સુઈ જાય છે. ભલે હું પડખું પણ ન ફરી શકું, મારે એમ જ સુવું પડે છે. એટલે હવે હું પાપાની હાલત સમજી શકું છું.
નરેશ કનોડિયા અને પિતા હિતુ કનોડિયા
પાપા વ્યસ્ત રહેતા એટલે ક્યારે અધૂરપ લાગતી...
જે બાળકને પિતાનો સ્પર્શ અને સમય ઓછો મળે તેને કાંઈક ખુટતું અને અધુરું તો લાગે જ..કામના લીધે તેઓ અમને ઓછો સમય આપી શકતા પરંતુ કાંઈ મહત્વનો પ્રસંગ કે ઘટના હોય ત્યારે તેઓ હાજર રહેતા હતા. તેમણે જે નામના મેળવી છે તે માટે આ સમય આપવો જરૂરી હતો. એટલે હું તેમને સમજી શકું છું
હું ઈચ્છું છું કે પાપાના આ ગુણ રાજવીરમાં આવે.....
હું ઈચ્છું છું કે રાજવીર મારા પપ્પાની જેમ ટાઈમનો પાક્કો બને. પપ્પાની જેમ લીડર અને નીડર બને. હિંમતથી કામ અને સંઘર્ષ કરે. મારા પાપામાં પ્રેમ અને ભોળપણ છે. એ રાજવીરમાં આવે અને પાપાની જેમ જે પણ લાઈનમાં જાય તેમાં તે સક્સેસફુલ બને એવી મારી ઈચ્છા છે.
પિતા તરીકે નરેશ કનોડિયા કેવા છે, સ્ટ્રિક્ટ કે લિબરલ?
પાપા આમ તો સ્ટ્રિક્ટ હતા અને પ્રેમ પણ એટલો આપતા હતા. પણ મારા મમ્મી પાપાના નામે અમે ડરાવતા હતા. મમ્મી એમ કહેતા કે ગુરૂજી(પાપા) હમણા આવશે, જલ્દી કામ કરી લો, જલ્દી જમી લો, જલ્દી લેશન કરી લો. આમ મમ્મી પાપાના નામે અમને ડરાવતા હતા.
પુત્ર રાજવીર અને પત્ની મોના સાથે હિતુ કનોડિયા
પિતા તરીકે હિતુ કનોડિયા કેવા છે, સ્ટ્રિક્ટ કે લિબરલ?
રાજવીરના પિતા તરીકે મારા પત્ની મોના કહે છે કે હું લિબરલ છું, હું રાજવીરને બગાડું છું. જો કે હું એ વાતનું ધ્યાન રાખું છું કે મોના મારા નામે રાજવીરને ન ડરાવે.
આ પણ વાંચોઃ મળો ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલીને, કાંઈક આવી છે કનોડિયા પરિવારની લાઈફ
ફાધર્સ ડે પર ખાસ સંદેશ...
જે વ્યક્તિ પોતાના આંસુને પોતાના પરસેવામાં વહાવી દે એ બાપ..તમરા પિતાને પ્રેમ કરો..પિતા એ સૌથી મજબૂત સહારો છે જે કોઈ પાસે હોઈ શકે.