Father's Day: મારા પિતા જ છે મારા 'ગોડ ફાધર': મિત્ર ગઢવી
મિત્ર ગઢવી પિતા મુકેશ ગઢવી સાથે
મિત્ર ગઢવી..આજે આ નામથી કોઈ અજાણ્યું નથી. પડદા પર લોકોને હસાવતા મિત્ર રીઅલ લાઈફમાં કેવા છે, બાળપણમાં તેમણે કેવા તોફાનો કર્યા હતા, તેમના પિતા સાથે તેમના કેવા સંબંધો છે? આ રહ્યા તેના જવાબ.
ફાધર્સ ડે પર ખાસ મિત્ર ગઢવી અને તેમના પિતા મુકેશ ગઢવીએ gujaratimidday.com સાથે ખાસ વાત કરી. પિતા મુકેશ ગઢવી સાથેની વાતચીતમાં તો અમને મિત્રના બાળપણના કેટલાક મજેદાર કિસ્સાઓ સાંભળવા મળ્યા.
મિત્ર સારો માણસ બને તેવી મારી ઈચ્છા...
જ્યારે અમે મિત્રના પિતા મુકેશ ગઢવીને પુછ્યું કે દીકરાની કરીઅર ચોઈસને લઈને તેમનું શું માનવું છે, ત્યારે તેમણે કહ્યું કે, 'મે ક્યારેય એવું નહોતું ઈચ્છયું કે મિત્ર આ બને કે તે બને, હું માત્ર એટલું જ ઈચ્છતો હતો કે તે સારો માણસ બને. જે પણ ફિલ્ડમાં જાય પોતાનું બેસ્ટ આપે. તેને અભિનયમાં રસ પડ્યો અને તે અભિનેતા બન્યો.'
માતા-પિતા સાથે મિત્ર ગઢવી
ADVERTISEMENT
મસ્તીખોર હતો મિત્ર...
મિત્રના બાળપણ વિશે વાત કરતા તેમના પિતા કહે છે કે, 'મિત્ર બાળપણથી જ ખૂબ જ આર્ગ્યુમેન્ટ કરનાર, પોતાનો ઓપિનિયન આપનાર અને મસ્તીખોર હતો. જો કે, કોઈને નુકસાન થાય એ રીતે તેણે મસ્તી નથી કરી.'
જ્યારે મિત્ર પરીક્ષામાં જવાબને બદલે સવાલ લખીને આવ્યા....
મિત્રના બાળપણનો સૌથી મજેદાર કિસ્સો સંભળાવતા તેમના પિતા કહે છે કે, 'મિત્ર જ્યારે પહેલા ધોરણમાં તે ભણતો હતો ત્યારે તેણે બહુ ભણવામાં ધ્યાન નહોતું આપ્યું. તેને ખબર નહોતી પડતી કે પરીક્ષામાં જે પ્રશ્ન પુછવામાં આવે તેના જવાબ લખવાના હોય પણ એ તો આખું પ્રશ્ન પત્ર લખીને આવી ગયો હતો. જો કે અમે તેને ત્યારે કાંઈ નહોતું કહ્યું, પણ આ કિસ્સો યાદ કરીને અમે આજે પણ હસીએ છે.'
જતા જતા મિત્રના પિતા તેમના વખાણ કરતા કહે છે કે, 'મિત્ર જેટલો સારો અભિનેતા છે તેના કરતા વધુ સારો માણસ છે.'
મિત્ર ગઢવીના પિતાની સાથે અમે ખુદ મિત્ર સાથે પણ વાત કરી. વાંચો શું કહે છે મિત્ર ગઢવી..
'મારા પિતા મારા ગોડફાધર'
મિત્ર કહે છે કે, 'મારી કારકીર્દિમાં પિતાનો ફાળો સૌથી વધારે છે. હું તેમની સાથે ફિલ્મો જોતો થયો. નાટકો, કવિતા, કલા સાથે મારો પરિચય તેમણે જ કરાવ્યો. લોકોના ઈંડસ્ટ્રીની બહાર ગોડફાધર હોય, મારા ફાધર જ મારી સાથે છે.'
'અમે મીમ્સ પણ શેર કરીએ છે'
પિતા વિશે વાત કરતા મિત્ર કહે છે કે, 'મને મારા પિતા સાથે ખૂબ બને છે. અમે નાનપણમાં ખૂબ ફર્યા છે. લગભગ આખું ભારત જોયું છે. અને તે મારા માટે યાદગાર ક્ષણો છે. સાથે જમતી વખતે કે ચાલવા જતી વખતે થતી વાતો અમે કરીએ છે. અમે મીમ્સ પણ શેર કરીએ છે. અમારા વચ્ચે એટલી દોસ્તી છે. '
'ક્યારેય નથી પડ્યો મેથીપાક'
મિત્ર ગઢવી બહુ ઓછા એવા લોકોમાંથી છે જેમણે ક્યારેય પપ્પાના હાથનો મેથીપાક નથી ખાધો. મિત્ર કહે છે કે, 'મારા પપ્પા હાથ ઉપાડવામાં નથી માનતા. કદાચ મે તોફાન કર્યા હશે તો સમજાવ્યું હશે પણ મેથીપાક નથી પડ્યો.'
'હી ઈઝ ધ કૂલેસ્ટ ડેડ'
મિત્ર કહે છે તેમના પિતા સૌથી કૂલેસ્ટ પિતા છે. તેઓ તેમના મિત્રો સાથે જેટલી વાત શેર નથી કરતા તેટલી પપ્પા સાથે કરે છે. તેઓ એકદમ કૂલ, લિબરલ અને ટેક્નોલોજી સેવી છે. તેઓ હંમેશા અપડેટેડ રહે છે. તેઓ રેશનલ છે. હું પણ તેમના જેટલો રેશનલ નથી.
આ પણ વાંચોઃ જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો
ફાધર્સ ડે પર સંદેશ..
ફાધર્સ ડે પર મિત્ર કહે છે કે આમ તો મારા માટે દરેક દિવસ ફાધર્સ ડે અને મધર્સ છે. પણ હું આજે ખાસ મારા પિતાને કહેવા માંગીશ કે 'યૂ આર ધ કૂલેસ્ટ ડેડ વન કેન એવર હેવ. આઈ લવ યુ.'