ઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે
અક્ષયકુમાર
અક્ષયકુમારનું કહેવું છે કે તેણે ઇન્ડિયન પાસપોર્ટ માટે એપ્લાય કરી દીધુ છે. અક્ષયકુમાર હંમેશાં ઇન્ડિયન આર્મીના સપોર્ટમાં જોવા મળે છે. તેમ જ તે દેશભક્તિની વાતો પણ કરે છે. વોટ આપવો જોઈએ એવી પણ તે અપીલ કરે છે. તે દરેક સારા કામ કરે છે, પરંતુ તે કૅનેડિયન સિટિઝનશિપ ધરાવતો હોવાથી તેની ઘણીવાર ટીકા કરવામાં આવે છે. લોકો તેને કહે છે કે ઇન્ડિયન નાગરિક ન હોવાથી તે શું જોઈને દેશભક્તિની વાત કરી રહ્યો છે. આ વિશે દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે મારી ૧૪ ફિલ્મો નિષ્ફળ રહી હતી. એ સમયે મને લાગ્યું હતું કે મારે અન્ય કોઈ કામ કરવું જોઈએ. મારો નજીકનો એક ફ્રેન્ડ છે કૅનેડામાં અને તે પણ પોતે ઇન્ડિયન છે, તેણે મને કહ્યું હતું કે તું અહીં આવી જા આપણે સાથે મળીને કામ કરીએ. એ સમયે મેં પાસપોર્ટનું કામ ચાલું કર્યું હતું અને ત્યાં જવાનું વિચારી રહ્યું હતું. મને અહીં કામ નહોતું મળી રહ્યું. જોકે મને ફરી કામ મળવા લાગ્યું અને મેં પાસપોર્ટ રિપ્લેસ કરવાનું ક્યારેય ન વિચાર્યું. મેં મારા ઇન્ડિયન પાસપોર્ટ માટે અપ્લાઇ કરી દીધું છે કારણ કે લોકો એક જ પૉઇન્ટ પર અઠકી ગયા છે. દુખની વાત છે કે હું ઇન્ડિયન છું એ દેખાડવા માટે મારે મારો પાસપોર્ટ તેમને દેખાડવો પડશે. મને ખૂબ જ દુખ થયું છે. જોકે હું કોઈને પણ એક પણ તક આપવા નથી માગતો અને એથી જ મેં મારા પાસપોર્ટ માટે અરજી કરી છે. મારી પત્ની, મારો દીકરો, મારી દીકરી બધા ઇન્ડિયન છે. હું પણ ઇન્ડિયન છું. હું અહીં જ રહું છું. મારા બધા ટેક્સ ભરું છું, પરંતુ એમ છતાં કેટલાક લોકોને એ વિશે બોલતા રહે છે.’
આ પણ જુઓ : આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે
ADVERTISEMENT
મેં દરેક પ્રકારના ટૅગ જોયા છે અને હવે એનાથી દૂર રહેવું છે : અક્ષય
અક્ષયકુમારનું કહેવું છે કે તેને તેની પચીસ વર્ષનાં કરીઅરમાં ઘણાં ટૅગ મળ્યાં છે અને તે નથી ઇચ્છતો કે તેને આવે ટૅગ ફરી પાછા મળે. તેણે કરીઅરની શરૂઆતમાં ઍક્શન ફિલ્મોમાં વધુ કામ કર્યું હતું. આથી તેની છાપ ઍક્શન હીરોની પડી હતી. ત્યાર બાદ તેણે રોમૅન્ટિક-ડ્રામામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે હવે તે સામાજિક સંદેશ અને દેશભક્તિ દેખાડતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેને પૂછવામાં આવ્યુ હતું કે કયા પ્રકારની ફિલ્મો કરવી તેને કમ્ફર્ટેબલ લાગે છે? એનો જવાબ આપતા અક્ષયકુમારે કહ્યું હતું કે ‘જો હું એમ કહીશ કે એક ચોક્કસ પ્રકારની ફિલ્મમાં હું પોતાની જાતને કમ્ફર્ટેબલ માનું છું તો તમે મારા પર એનો ટૅગ લગાવી દેશો. મને આવા કોઈ પણ પ્રકારનાં ટૅગ નથી જોઈતા. હું જ્યારે માત્ર ઍક્શન ફિલ્મો કરતો હતો, ત્યારે આવા ટૅગ્સમાંથી હું પસાર થઈને આવ્યો છું. મને હવે એ ટૅગથી કંટાળો આવે છે. મને એ ઍક્શન હીરોનો ટૅગ નથી જોઈતો. ખરું કહું તો મને કોઈ પણ ટૅગ નથી જોઈતાં. દરેક પ્રકારની ફિલ્મો કરવામાં હું કમ્ફર્ટેબલ છું. જો કંઈક નવુ કરવા માટે મળે, એમાં રિસ્ક અને ફન બન્ને હોય તો હું ચોક્કસ એ કરીશ.’