Year 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ
જયદીપ અહલાવત
2020નું વર્ષ બસ પુરું થઈ ગયું છે ત્યારે એક નજર કરીએ ઓટીટી પ્લેટફોર્મના એવા કલાકારો પર જેમનું પરફોર્મન્સ ઊંડી છાપ છોડનારું સાબિત થયું. વળી ઓટીટી પ્લેટફોર્મ્સને કારણે જ તો આપણે લૉકડાઉન અને વાઇરસનો બોજ વેઠી શક્યા કારણકે ફિલ્મો જોવાનો તો કોઇ સવાલ જ નહોતો. ઓટીટી પ્લેટફોર્મ્સની અમુક વેબ સિરીઝની લોકપ્રિયતા માત્ર તેના વિષયને કારણે નહીં પણ તેમાં અભિનય કરનારાઓને કારણે આસમાને પહોંચી, નજર કરીએ એ એક્ટર્સ પર જેમણે સફળતાના શીખરો સર કર્યા અને તમારું દિલ પણ જીતી લીધું.
ADVERTISEMENT
જયદીપ અહલાવતઃ પાતળલોકના હાથીરામ ચૌધરીનું પાત્ર ભજવનારા જયદીપ અહલાવત પર કોણ ફિદા નથી? ચાળીસીએ પહોંચેલો પોલીસ ઇન્સ્પેક્ટર જેને મિડલાઇફ ક્રાઇસિસ છે, દીકરા સાથે બનતું નથી, નોકરીમાં પ્રમોશન્સ નથી, પત્ની સાથે બહુ જ જુદા પ્રકારનું કનેક્શન છે અને એક મોટો કેસ બ્રેક કરવા માગે છે જેથી તેને પણ સફળતાનો અનુભવ થાય. તેના પાત્રમાં ખૂબ લેયર્સ છે. જે રીતે આ પાત્રની જર્ની શરૂ થાય છે અને પુરી થાય છે તેમાં એક સામાન્ય માણસની જિંદગીનો સંઘર્ષ કેટલો કપરો હોય છે તે વાસ્તવિકતા પરફેક્ટલી બહાર આવે છે. જયદીપ અહલાવતને આપણે આ પહેલાં રાઝી, ગેંગ્ઝ ઑફ વાસેપુર અને કમાન્ડો જેવી ફિલ્મોમાં જોયા છે. હવે તે ફેમસ મહારાજ કેસ પરથી બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે.
પ્રતિક ગાંધીઃ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનારા પ્રતિક ગાંધીને ગુજરાતી થિએટર અને ગુજરાતી ફિલ્મો જોનારા તમામ સારી પેઠે જાણતા હતા પણ હલવે એક ખૂણેથી હસનારા અને કરોડોનું ફુલેકું ફેરવનારા હર્ષદ મહેતાનું પાત્ર ભજવ્યા પછી પ્રતિક ગાંધીને હવે નાનું છોકરું ય ઓળખે છે. પ્રતિક ગાંધી હવે રાવણીલીલા ફિલ્મમાં દેખાશે, આ પહેલાં તેણે લવયાત્રી અને મિત્રો જેવી હિન્દી ફિલ્મો કરી છે અને ગુજરાતીમાં લવની લવ સ્ટોરીઝ અને બે યાર જેવી ફિલ્મો કરી છે. પ્રતિકના આગામી પ્રોજેક્ટ્સ પર લોકોને ઘણો મદાર છે.
શ્રેયા ધનવંતરી - સુચેતા દલાલ, એ જર્નાલિસ્ટ જેને કારણે હર્ષદ મહેતાનું સ્કેમ બહાર આવ્યું તેનું પાત્ર શ્રેયાએ એટલી શિદ્દતથી ભજવ્યું કે એક ક્ષણ માટે પણ એમ ન લાગ્યું કે તે કોઇ અભિનેત્રી છે, તેણે પેશનેટ પત્રકારના રોલને બખુબી નિભાવ્યો. સ્કેમ 1992 સિરીઝમાં મહિલા પાત્રો ગણતરીનાં હતા અને તેમાં શ્રેયાનું પાત્ર ચાવીરૂપ હોવાની સાથે સાથે તેના અભિનયને કારણે કથાનકને વધુ ધારદાર બનાવનારું રહ્યું.
પંકજ ત્રિપાઠી- કાલિન ભૈયા એક એવો ડૉન જે સમકાલિન છે તેવું પંકજ ત્રિપાઠી પોતે જ કહે છે. મિર્ઝાપુર સિરીઝનો જીવ એટલે પંકજ ત્રિપાઠી. જો કે પંકજ ત્રિપાઠી તો હવે ઓટીટી અને ઑફબિટ ફિલ્મોના અમિતાભ બચ્ચન થઇ ગયા છે અને એ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમના અભિનયમાં ભારોભાર સાદગી હોય છે પણ છતાં ય તેમનું પાત્ર જે રીતે લોકોના મનમાં વસી જાય છે તે વિશે જેટલું લખાય તેટલું ઓછું છે. એક એવો ડૉન જે નપુંસંક છે, દીકરો જ તેનો શત્રુ છે અને પત્નીને સુખી કરવાને મામલે નિષ્ફળ છે પણ તેના 'બિઝનેસ' પર તેની પકડ એટલી મજબૂત છે કે ભલભલાના કાવાદાવા ફંગોળાઇ જાય છે.
રસિકા દુગ્ગલ - મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીનું પાત્ર ભજવનાર રસિકાએ એ પાત્રની કઠણાઇ અને ખંધાઇ બંન્નેને આબેહુબ પડદા પર રજૂ કર્યા છે. પતિના સમય અને પ્રેમની અપેક્ષા રાખનારી પત્નીને ક્યાંક બીજે સુખ મળે છે અને પછી તે પણ તેની પાસેથી છીનવાય છે અને તેને કંઇક એવું કરવું પડે છે જે તેને મંજુર નથી પણ તેની પાસે છૂટકો પણ નથી. આ સંજોગોમાં તે બીજી સિઝનમાં જે રીતે પોતાની સિડક્ટિવ ક઼્વૉલિટીનો જે ઉપયોગ કરે છે તે જોવા જેવો છે. તે ત્રિયા ચરિત્ર વાપરીને તેની આસપાસના દરેક પુરુષને પોતાના ઇશારે નચાવતાં શીખે છે અને પોતાનો બળાપો પણ કાઢે છે.
જીતેન્દ્ર કુમાર - પંચાયત, એમેઝોન પ્રાઇમનો એક એવો શો છે જેમાં અભિષેક ત્રિપાઠી નામનો એક આઇએસ એસ્પિરન્ટ સરકારી નોકરીને કારણે પહોંચી જાય છે એક ગામડાંમાં જ્યાં તેને લાઇટ તો ઠીક પણ બેસવાની સરખી ખુરશી પણ નથી મળતી. અહીં ગામડાંનાં લોકોના ભોળપણ, મિજાજ અને હળવી મુર્ખામીઓ સાથે તેને કામ પાર પાડવાનું આવે છે, સતત અકળામણ વેઠીને પણ તે અહીં કામ મેનેજ કરે છે.
કે કે મેનન - સ્પેશ્યલ ઓપ્સમાં હિંમત સિંહનું પાત્ર ભજવનાર કે કે મેનને આખા શોને પોતાના ખભે જ ઉપાડ્યો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

