અમરના જીવનમાં બનતી ઘટનાઓ જોઈને તમને ચોક્કસ એવું થશે કે આ પ્રકારના બનાવ દરેક મધ્યમવર્ગીય માણસના જીવનમાં બનતા જ હોય છે
‘યમરાજ કૉલિંગ – સિઝન ૨’નું પોસ્ટર
વેબ સિરીઝ : યમરાજ કૉલિંગ – સિઝન ૨
કાસ્ટ : દેવેન ભોજાણી, નિલમ પાંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ, દીપક ઘીવાલા, ધર્મેશ વ્યાસ
ADVERTISEMENT
લેખક : ભાર્ગવ ભરતભાઇ ત્રિવેદી
ડિરેક્ટર : ધર્મેશ મહેતા
રેટિંગ : ૩.૫/૫
પ્લસ પોઇન્ટ : વાર્તા, ઈમોશન
માઇનસ પોઇન્ટ : લોકેશન, પાત્રાલેખન
વેબ સિરીઝની વાર્તા
અમર મહેતા (દેવેન ભોજાણી) પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કામ પાછળ દોડે છે અને આ દોડમાં તે વર્તમાનમાં જીવવાનું ભૂલી જાય છે. એક દિવસ તેણે ઓફિસના કામને લીધે પોતાની મેરેજ એનિવર્સરીની ઉજવણીમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો. તે જ દિવસે, મૃત્યુના દેવ યમરાજ તેને લેવા આવે છે. ત્યારે યમરાજને આજીજી કરીને અમર પરિવાર સાથે સમય વિતાવવા માટે સમય માંગે છે.
પરિવારમાં પત્ની માનસી (નીલમ પાંચાલ), દીકરી વ્યોમા (મેઝલ વ્યાસ), દીકરો અભિ (મીત શાહ) અને ઘરડા પિતા (દીપક ઘીવાલા) સાથે સમય વિતાવે છે અને જિંદગી પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બદલે છે. આ સફરમાં તેના એક મિત્ર અનિકેત (ધર્મેશ વ્યાસ)ની એન્ટ્રી થાય છે. જે તેના જીવનમાં અનેક વળાંક લઈને આવે છે. એક મધ્યમ વર્ગીય માણસના જીવનમાં શું અને કેવા બનાવ બને છે તેની ઈમોશનલ રૉલર કૉસ્ટર રાઇડ છે.
પરફોર્મન્સ
અમર મહેતાના પાત્રમાં દેવેન ભોજાણી એક જવાબદાર પિતાની ભૂમિકા સુપેરે નિભાવે છે. હંમેશા કૉમિક અને ક્યૂટ પાત્રમાં જોવા મળેલા દેવેન ભોજાણી આ સિરીઝમાં એકદમ સમજદાર, જવાબદાર અને પર્ફેક્ટ ફૅમેલી મેનના પાત્રમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રના એ વ્યક્તિમાં ક્યાંક પેલા ઇનોસન્ટ ગટ્ટુની ઝલક જોવા મળે છે.
પત્નીની ભૂમિકામાં અભિનેત્રી નિલમ પાંચાલ ખરા અર્થમાં અમરની જીવનસાથી સાબિત થાય છે. નિલમનો સૌરાષ્ટ્ર લહેકો અને સંવાદો સાંભળવાની મજા આવે છે.
દીકરી વ્યોમાના પાત્રમાં મેઝલ વ્યાસ પ્રેમ, ગુસ્સો અને સમજદારી દરેક ભાવ બહુ સારી રીતે દર્શાવે છે. તો દીકરા અભિના પાત્રમાં મિત શાહનો મેચ્યોર અભિનય જોવા મળે છે.
અમરના પિતાના પાત્રમાં પીઢ અભિનેતા દીપક ધીવાલાએ ઘરના મોભીની જવાબદારી સુપેરે પુરી પાડી છે.
અમરના મિત્રના પાત્રમાં ધર્મેશ વ્યાસ એક જુદા અવતારમાં જોવા મળે છે. પર્સનાલિટી અને પર્ફેક્શન બન્ને તેમના પાત્રમાં જબરજસ્ત છે.
‘ઓમ મંગલમ્ સિંગલમ્’ Review : નવી પેઢીના ઇમોશનલ કન્ફ્યૂઝનનો રસપ્રદ જવાબ
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સિરીઝની સ્ક્રિપ્ટ ભાર્ગવ ભરતભાઇ ત્રિવેદીએ લખી છે. મધ્યમવર્ગીય પરિવાર સ્ટોરી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે. પરંતુ પાત્રાલેખનને જોઈએ તેટલો સમય આપવામાં નથી આવ્યો. કેટલાક પાત્રોને નિખરવા માટે થોડોક સમય વધુ આપ્યો હોત તો વાર્તામાં જરાક વધારે મજા આવત.
દિગ્દર્શન ધર્મેશ મહેતાનું છે. એક જ બંગલાની અંદર ચાલતી વાર્તા ઘર-ઘર કી કહાની જેવી જ છે. શરુઆતથી અંત સુધી એક જ બંગલાના સીન દેખાડવામાં આવ્યા છે. જો પોરબંદર એક્સપ્લોર કર્યું હોત તો દર્શકો માટે વર્ચ્યુલ ટૂર થઈ જાત.
મ્યુઝિક
વેબ સિરીઝમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક મલિક વારસીનું છે, જે દરેક સીનને યોગ્ય ન્યાય આપે છે. મ્યુઝિક કશ્યપ સોમપુરાનું છે. સિરીઝનું ટાઇટલ ગીત મિનિંગફુલ છે.
જોવી કે નહીં?
વિકએન્ડમાં ફૅમેલી સાથે ફૅમેલી એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા જોવાની ઇચ્છા હોય તો ‘શેમારુ મી’ પર ‘યમરાજ કૉલિંગ ૨’ જોવાનો પ્લાન બનાવી જ દેજો.