રાજ અને ડીકેની સ્ટોરીમાં કોઈ સુપર વિલન કે સુપર પોલીસ નથી, સોસાયટીના નિયમો અને પરિસ્થિતિથી લાચાર વ્યક્તિ ખોટા અને સાચા રસ્તા પર ચાલે એની સ્ટોરી છે : વિજય સેતુપતિ અને શાહિદ કપૂરના ડેબ્યુ શોમાં તેમણે બન્નેએ અદ્ભુત ઍક્ટિંગ કરી છે
વેબ–શો રિવ્યુ
શાહિદ કપૂર
ફર્ઝી
કાસ્ટ : શાહિદ કપૂર, વિજય સેતુપતિ, રાશિ ખન્ના, કે. કે. મેનન, ભુવન અરોરા
ADVERTISEMENT
ડિરેક્ટર : રાજ ઍન્ડ ડીકે
રિવ્યુ : સાડા ત્રણ સ્ટાર (ઠીક ઠીક)
શાહિદ કપૂર અને વિજય સેતુપતિની ‘ફર્ઝી’ ઍમેઝૉન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝમાં એક-એક કલાકના આઠ એપિસોડ છે. આ શોને ‘ધ ફૅમિલી મૅન’ના ક્રીએટર્સ રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકે દ્વારા બનાવવામાં આવ્યો છે.
સ્ટોરી ટાઇમ
આ શોમાં શાહિદ કપૂરે સનીનું પાત્ર ભજવ્યું છે. તેને બાળપણમાં તેની ફૅમિલી છોડીને જતી રહી હોય છે. ખાસ કરીને તેના પપ્પા. તે સ્ટેશન પર તેના પિતાની રાહ જોતો હોય છે કે એક દિવસ આવીને તેને લઈ જશે. જોકે તેના પપ્પાની જગ્યાએ તેના નાના આવે છે અને સનીને લઈ જાય છે. જોકે આ દરમ્યાન સનીને સ્ટેશન પર એક અન્ય બાળક પણ મળ્યો હોય છે જે ફિરોઝ હોય છે. ફિરોઝને પણ સનીના નાના તેની સાથે લઈ જાય છે. સનીના નાનાનું પાત્ર અમોલ પાલેકરે ભજવ્યું છે. તેઓ ક્રાન્તિ પત્રિકા ચલાવતા હોય છે. સનીને ચિત્ર દોરવાનો શોખ હોય છે. તેના નાનુ તેના એ શોખને નિખારે છે અને સની આર્ટિસ્ટ બને છે. તે લોકોના પોર્ટ્રેટ દોરી અને ફેમસ લોકોના ચિત્રની નકલ બનાવીને લોકોને વેચતો હોય છે. જોકે તેને ખબર હોય છે કે તે આ ગરીબીમાંથી બહાર નથી આવવાનો. તેના નાનાના પ્રેસને પણ તેણે બચાવવાનું હોય છે. આથી તે જાણી જાય છે કે પૈસા ખૂબ જ મહત્ત્વના છે અને એથી તે પૈસાની જ નકલ બનાવવાનું નક્કી કરે છે. આ નકલ બનાવવામાં તેને ખબર હોય છે કે તે ખોટું કરી રહ્યો છે, પરંતુ એમ છતાં તે આગળ વધે છે. આ દરમ્યાન તેનો ભેટો ઇન્ટરનૅશનલ લેવલ પર ક્રાઇમ કરતા મન્સૂર સાથે થાય છે, જે ડીમૉનેટાઇઝેશન બાદ બે હજારની નકલી નોટ બનાવતો હોય છે. મન્સૂરનું પાત્ર કે. કે. મેનને ભજવ્યું છે અને એની પાછળ પોલીસ-ઑફિસર માઇકલ હાથ ધોઈને પડ્યો હોય છે. આ માઇકલનું પાત્ર વિજય સેતુપતિએ ભજવ્યું છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ શોના ક્રીએટર રાજ અને ડીકે છે. તેમણે આ શોની સ્ટોરીની સાથે એને ડિરેક્ટ પણ કરી છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં કોઈ સુપરકૉપ કે સુપરવિલન નથી. દરેક વ્યક્તિ એકદમ સામાન્ય હોય છે અને તેઓ સામાન્ય માણસની જેમ જ બોલતા પણ હોય છે. રાજ અને ડીકેની આ જ ખાસિયત છે કે તેઓ સીધા ઑડિયન્સ સાથે વાત કરે છે. તેમ જ દરેક પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. શાહિદનું બાળપણ જોઈને લાગે છે કે તે ખોટા રસ્તે ચડ્યો એ માટે તેની સાથે જે થયું એ અને તેનો ટ્રૉમા જવાબદાર છે. જોકે સમયની સાથે-સાથે તેનામાં બદલાવ જોવા મળે છે. તેને ક્રાઇમ પસંદ પડવા માંડ્યો હોય છે અને તેને એનો પસ્તાવો પણ નથી હોતો. આ પહેલા શોમાં તેના વિલન તરીકેનો રાઇઝ જોવા મળી રહ્યો છે. જોકે માઇનસ પૉઇન્ટ એ છે કે ‘ધ ફૅમિલી મૅન’માં આપણે જે ટેમ્પ્લેટ જોઈ છે એ અહીં પણ જોવા મળશે. કોઈ ટ્વિસ્ટ અને ટર્નમાં નવીનતા જોવા નહીં મળે. શોમાં દરેક પાત્રની બૅક સ્ટોરી આપવાની કોશિશ કરી છે. વિજય સેતુપતિનું લગ્નજીવન કેમ ખરાબ થયું એની વધુ ડીટેલમાં નથી ગયા, કારણ કે એ બીજી સીઝન માટે સ્ટોરી રાખી હોય એ સમજી શકાય છે. જોકે કે. કે. મેનનના પાત્રની બૅકસ્ટોરી સમજમાં નથી આવી. તે શું કામ કરે છે, કેમ કરે છે એ જણાવવું જરૂરી હતું. રાજ અને ડીકે તેમના વિઝનને લઈને એકદમ ક્લિયર છે અને એ આ શોમાં જોઈ શકાય છે. તેમ જ તેમણે આ શોની ટ્રીટમેન્ટ પણ એવી રીતે આપી છે કે તેઓ હવે તેમનું પોતાનું યુનિવર્સ બનાવી રહ્યા છે. રાજ અને ડીકેએ આ શોને ખૂબ જ ડીટેલમાં બનાવ્યો છે. નોટ કેવી રીતે બને છે એનાથી લઈને પ્રેસ કેવી રીતે કામ કરે છે જેવી દરેક માહિતી તેમણે આપી છે. ઘણા લોકો એવું કહેનારા પણ જોવા મળશે કે આટલી ડીટેલમાં સ્ટોરી આપવી મૉરલી ખોટું છે, કારણ કે એનાથી લોકોને આઇડિયા મળે છે. જોકે આજે પ્રેસ કેવી રીતે કામ કરે છે એ જાણવા ગૂગલ પર ઢગલાબંધ ટ્યુટોરિયલ જોવા મળશે.
પર્ફોર્મન્સ
શાહિદ કપૂર તેના સનીના પાત્રમાં ઇન્ટરેસ્ટિંગ છે. પૈસા માટે રડતો હોવાથી લઈને ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી કરવાથી લઈને એ દુનિયા તેને પસંદ આવી રહી છે એ ટ્રાન્સફૉર્મેશન તેનામાં જોઈ શકાય છે. ઘણી જગ્યાએ તે ઇમોશનલ પણ દેખાય છે અને ઘણી જગ્યાએ તેને કોઈ ગુનો કરવાનો પસ્તાવો નથી એ પણ જોઈ શકાય છે. એક વાર તે ખૂન કરવા માટે પણ તૈયાર થઈ ગયો હોય છે અને એ તેની બૉડી લૅન્ગ્વેજમાં જોઈ શકાય છે. બીજી તરફ વિજય સેતુપતિએ માઇકલનું પાત્ર ખૂબ જ જોરદાર ભજવ્યું છે. તે એક સામાન્ય દૃશ્યને પણ ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. તેની ડાયલૉગ ડિલિવરી અને તેની ઍક્ટિંગ શોમાં ખરેખર હ્યુમર પણ લાવે છે. આ જ તેની ઍક્ટિંગનો ચાર્મ છે. તે એકદમ સામાન્ય માણસ જ લાગે છે. કોઈ ઍક્ટિંગ કરી રહ્યું છે અથવા તો આ વિજય સેતુપતિ છે એવું એક સેકન્ડ માટે પણ જોવા નથી મળતું. તેનો ગુસ્સો અને તેનો પ્રેમ અને તેનું કમીનાપન દરેક વસ્તુ જોવા મળે છે. રાશિ ખન્નાએ આરબીઆઇના આર ઍન્ડ ડી ડિપાર્ટમેન્ટમાં કામ કરતી મેઘાનું પાત્ર ભજવ્યું છે. તે એક ચિપ બનાવે છે, જેનાથી ખબર પડે છે કે પૈસાની નોટ અસલી છે કે નકલી. જોકે ત્યાર બાદ તે વિજય સેતુપતિની સ્પેશ્યલ ટીમમાં કામ કરે છે. તે હરખપદૂડી લાગે છે અને દેશ માટે કંઈ કરવા માગતી હોય એવી જિજ્ઞાસા તેનામાં જોવા મળે છે. કે. કે. મેનન હંમેશની જેમ તેના રોલને ન્યાય આપે છે. જોકે તેના પાત્રને જોઈએ એટલું દેખાડવામાં નથી આવ્યું. તેને વધુ સ્પેસ આપવાની જરૂર હતી. ફિરોઝનું પાત્ર ભજવતો ભુવન અરોરા પણ અદ્ભુત છે. દારૂના એક્સ્ટ્રા પૈસા માગવા કે પછી ક્લબમાં એક ગુજરાતી એમએલએ સાથે બેસીને વ્હિસ્કી પીવા જેવાં ઘણાં દૃશ્ય તેણે ખૂબ જ સારાં ભજવ્યા છે. એટલે કે તેના ટાઇમિંગને કારણે હ્યુમર પણ જોવા મળ્યું છે.
મ્યુઝિક
આ શોનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સચિન-જિગરે આપ્યું છે. તેમણે ‘પૈસા હૈ તો’ અને ‘સબ ફર્ઝી’ ગીતને પણ કમ્પોઝ કર્યાં છે. ગીત સ્ટોરી લાઇનને અસર નથી કરતાં, પરંતુ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જરૂર કરે છે. સની અને ફિરોઝ પહેલી વાર નકલી નોટ વટાવીને આવે અને ઑટોમાં બેસીને જે ખુશી વ્યક્ત કરે છે અને ત્યારે જે મ્યુઝિક શિફ્ટ થાય છે એ જોરદાર છે. મુંબઈની ઑટોમાં મુંબઈના મ્યુઝિકની ફીલ આવે છે.
આખરી સલામ
આ શોને આઠ કલાકની જગ્યાએ છ કલાકમાં પૂરો કરાઈ શકાયો હોત એટલે કે થોડું ખેંચ્યું હોય એવું લાગે છે. જોકે એમાં ‘ધ ફૅમિલી મૅન’ના કૅમિયો પર ધ્યાન આપવું જરૂરી છે. એ પણ એક વાર નહીં, ત્રણ વાર હિન્ટ આપવામાં આવે છે. આથી રોહિત શેટ્ટી અને યશરાજ ફિલ્મ્સની જેમ હવે રાજ અને ડીકે પણ તેમનું યુનિવર્સ લઈને આવી રહ્યા છે. મનોજ બાજપાઈ અને વિજય સેતુપતિ એક શોમાં કામ કરે અને શાહિદ કપૂર વિલન હોય. જસ્ટ ઇમૅજિન.