The Family Man 2: મનોજ બાજપાઈની વેબ સિરીઝ આ તારીખે થશે રિલીઝ
'ધ ફૅમિલી મેન 2'નું પોસ્ટર
બૉલીવુડ અભિનેતા મનોજ બાજપાઈએ વર્ષ 2019માં વૅબ સિરીઝ 'ધ ફૅમિલી મેન'થી ઓટીટી પ્લેટફૉર્મ પર ડેબ્યૂ કર્યું હતું. એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવેલી આ સિરીઝને ચાહકો દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. થ્રિલર એક્શન-ડ્રામા સિરિઝની પહેલી સીઝન પત્યા બાદ જ બીજી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે દર્શકોની અતુરતાનો અંત આવ્યો છે. કારણકે, 'ધ ફૅમિલી મેન' સીઝન 2ની તારીખ જાહેર થઈ ગઈ છે.
ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 'ધ ફૅમિલી મેન' સીઝન 2ના નિર્માતાઓએ સ્ટ્રીમીંગની તારીખ નક્કી કરી લીધી છે. રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે દિગ્દર્શિત વેબ સિરીઝની બીજી સિઝનને પહેલા કરતા પણ ધમાકેદાર બનાવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. વેબ સિરીઝની પહેલી સીઝન 2019માં રિલીઝ થયેલી. સિરીઝની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તે ચર્ચામાં છે અને હવે નિર્માતાઓએ કામ પૂર્ણ કરી લેતા દર્શકોની આતુરતા વધી છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, 'ધ ફૅમિલી મેન 2' 12 ફેબ્રુઆરી 2021ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. સિરીઝ હિન્દી સિવાય તામિળ અને તેલૂગૂમાં રિલીઝ થશે. તેમજ વૈશ્વિક સ્તરે અન્ય વિદેશી ભાષામાં વેબ સિરીઝ મોટા પાયે રિલીઝ કરવાની તૈયારીઓ મેકર્સ કરી રહ્યાં છે. નિર્માતાઓનું માનવું છે કે, તેઓએ આ શ્રેણીને વિશ્વ સ્તરની બનાવી છે. તેથી આ સિઝન વિદેશમાં પણ જોવા યોગ્ય છે અને એટલા માટે જ તેઓ પુરતી બધી તૈયારી કરી રહ્યાં છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, 'ધ ફૅમિલી મેન' એક થ્રિલર એક્શન-ડ્રામા સીરીઝ છે. જે એક મધ્યમ વર્ગીય વ્યક્તિ શ્રીકાંત તિવારીની વાર્તા છે. તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ના વિશેષ સેલમાં એક સ્પેશ્યલ એજન્ટ હોય છે. પરંતું આ સમય દરમિયાન તે પોતાના કામ અને પરિવાર વચ્ચે કેવી રીતે સમાધાન કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પરિવારની વાર્તા અને ટૉપ ક્લાસ જાસૂસની જીંદગીની વાર્તા સમાંતર ચાલે છે. વેબ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં મનોજ બાજપાઈ, પ્રિયમણી, સમાંથા અક્કીનેની, શારિબ હાશ્મી, નીરજ માધવ, કિશોર કુમાર, ગુલ પનાગ અને શ્રેયા ધનવંતરી છે.

