પર્ફોર્મન્સ, મેસેજ, સ્ટોરી પ્લૉટ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક દરેક વસ્તુ પર્ફેક્ટ છે, પરંતુ શો જલદી પૂરો કરવાની લાય હોય એવું લાગી રહ્યું છે : ઇમોશનલ દૃશ્ય બાદ બ્રીધિંગ માટે સ્પેસ રાખવી જોઈતી હતી, જેથી દૃશ્ય વધુ ઇમ્પૅક્ટફુલ બને
`ટ્રિપ્લિંગ સીઝન 3` પોસ્ટર
ટ્રિપ્લિંગ સીઝન 3
કાસ્ટ : સુમીત વ્યાસ, માનવી ગાગરૂ, અમોલ પરાશર, કુમુદ વ્યાસ, કુનાલ રૉય કપૂર, શેરનાઝ પટેલ
ADVERTISEMENT
ડિરેક્ટર : નીરજ ઉધવાણી
રિવ્યુ : ૩ સ્ટાર (ટાઇમ પાસ)
ટીવીએફની ટ્રિપ્લિંગની ત્રીજી સીઝનને ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ શોમાં સુમીત વ્યાસ, માનવી ગાગરૂ અને અમોલ પરાશર ફરી એકસાથે જોવા મળ્યાં છે. પહેલી બે સીઝનની જેમ આ સીઝનની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. આ સિરીઝમાં પ્રૉબ્લેમને અલગ નજરિયાથી દેખાડવામાં આવે છે અને એનું સોલ્યુશન કેવી રીતે એકસાથે રહેવાથી આવે છે એ પણ દેખાડવામાં આવે છે.
સ્ટોરી ટાઇમ
પહેલી બે સીઝનની જેમ આ સીઝનની સ્ટોરી પણ ત્રણે ભાઈ-બહેન અલગ-અલગ હોય ત્યાંથી શરૂ થાય છે. બાબા એટલે કે ચંદનની બે બુક પબ્લિશ થઈ ગઈ હોય છે. જોકે ત્રીજી બુકના રાઇટર્સ બ્લૉક હોવાને કારણે તે ક્રિપ્ટોકરન્સીનું લોકોને જ્ઞાન આપતો હોય છે. ચિતવન તેની લાઇફમાં થોડો મૅચ્યોર થયો હોય છે અને તે તેના બાળકની કસ્ટડી માટે કેસ કરી રહ્યો હોય છે. જોકે આ બાળક તેનું પોતાનું નથી હોતું, પરંતુ એમ છતાં તે તેની કસ્ટડી માટે કેસ કરે છે. ચંચલ તેના રૉયલ ફૅમિલીમાં વ્યસ્ત હોય છે. જોકે આ વખતે પ્રૉબ્લેમ તેમની ત્રણની લાઇફની જગ્યાએ તેમનાં મમ્મી-પપ્પાની લાઇફમાં આવે છે. તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં હોય છે. મોટા દીકરાના ડિવૉર્સ થઈ ગયા હોય છે અને દીકરાના ડિવૉર્સ થવાની ઉંમરમાં મમ્મી-પપ્પા અલગ થઈ રહ્યાં હોય છે. આથી આ ત્રણેયને ખૂબ જ અજુગતું લાગે છે અને તેઓ તેમના પેરન્ટ્સના ઘરે પહોંચે છે. ત્યાંથી શું થાય છે એ માટે સિરીઝ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સુમીત વ્યાસ અને અરુણાભ કુમાર દ્વારા આ શોની સ્ટોરી લખવામાં આવી છે. એક મૉડર્ન પ્રૉબ્લેમને મૉડર્ન વિચારો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ મૉડર્ન વિચાર પેરન્ટ્સના હોય છે, નહીં કે બાળકોના. એક રિલેશનશિપમાં બે વ્યક્તિ જ્યારે એકમેકને ખૂબ જ પ્રેમ કરતી હોય ત્યારે તેઓ હંમેશાં બીજાની ખુશીનું વિચારે છે. એક પાર્ટનર હંમેશાં એ વાતનો ખ્યાલ રાખે છે કે તેના પાર્ટનર સાથે કોઈ જબરદસ્તી તો નથી થતી કે પછી રિલેશનશિપમાં તેને ગૂંગળામણ તો નથી થતીને. રિલેશનશિપમાં જ્યારે તમે આવી ગૂંગળામણ અનુભવો, જ્યારે તમારી માનસિક શાંતિ છિનવાઈ જતી હોય, જ્યારે તમારે પાર્ટનરને કારણે તમારે જે ન કરવું હોય એ નાછુટકે કરવું પડે ત્યારે આવી રિલેશનશિપનો અંત આણવો જોઈએ. આ જ વાત આ ત્રણેયના પેરન્ટ્સ તેમનાં બાળકોને સમજાવવાની કોશિશ કરે છે. આ સાથે જ સ્ટોરીનો એક મહત્ત્વનો પ્લસ પૉઇન્ટ એ હતો કે પેરન્ટ્સ તેમનું ઘર વેચી દેવા માગે છે અને તેઓ તેમની બાકીની લાઇફ પોતાની રીતે જીવવા માગે છે. પિતા રોડ ટ્રિપ પર જઈને તેમની લાઇફ જીવવા માગે છે અને મમ્મી પૉન્ડિચેરી જઈને એક અલગ લાઇફસ્ટાઇલ જીવવા માગતી હોય છે. આથી બન્ને એકસાથે એ કરી શકે એવું ન હોવાથી તેઓ ઘર વેચીને અલગ થવાનું નક્કી કરે છે. તેમ જ અરુણાભ, સુમીત અને અબ્બાસ દલાલનો સ્ક્રીનપ્લે પણ એટલો જ સારો છે. આ સાથે એક જ મેસેજ પણ આપવામાં આવ્યો છે કે પેરન્ટ્સ તેમનાં બાળકોને મોટાં કરી સંસ્કાર આપી પોતાના પગ પર ઊભાં કરે છે ત્યારે તેમની જવાબદારી પૂરી થાય છે. એ જરૂરી નથી કે પેરન્ટ્સ તેમની મિલકત પણ પોતાના બાળકને જ આપે. આ સિરીઝને નીરજ ઉધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. સિરીઝનો સ્ટોરી પ્લૉટ જોરદાર છે, પરંતુ એ પહેલી બે સીઝન જેટલો ઇન્ટરેસ્ટિંગ નથી; કારણ કે એમાં ટ્રિપ કૅન્સલ છે. આ શોમાં પહેલી બે સીઝનની જેમ ટ્રિપ જોવા નથી મળી. તેમ જ તેઓ ટ્રેક પર જરૂર જાય છે અને ત્યારે લાગે છે કે હવે મજા આવશે. જોકે ટ્રેકના ટ્રૅકને પણ ખૂબ જ જલદીથી પૂરો કરવાની કોશિશ કરવામાં આવી હોય એવું લાગે છે. સ્ટોરીને પાંચ એપિસોડમાં પતાવી દેવામાં આવી છે. એ માટે જેટલાં ઇમોશનલ દૃશ્ય છે એ પણ જલદી જલદીમાં પૂરાં કરવામાં આવ્યાં છે. ટ્રેક દરમ્યાન ચિતવન પહેલી વાર ઇમોશનલ થતો જોવા મળે છે, પરંતુ એ દૃશ્યને જલદીમાં શૉર્ટ કરી નાખવામાં આવ્યું છે. તે અન્ય એક એપિસોડમાં પણ એનાથી વધુ ઇમોશનલ જોવા મળે છે, પરંતુ એ દૃશ્યને પણ ખૂબ જ જલદી પૂરું કરી દેવામાં આવ્યું છે.
પર્ફોર્મન્સ
અમોલ, માનવી અને સુમીત આ પાત્ર ભજવતાં હોય છે ત્યારે રિયલમાં પણ તેઓ ભાઈ-બહેન હોય એવું લાગે છે. જોકે આ સિરીઝમાં તેમના દરેકના પાત્રમાં એક સ્થિરતા આવેલી જોવા મળી છે. દરેક પાત્ર તેમની લાઇફના અલગ-અલગ ઇમોશન્સમાંથી પસાર થતું હોય છે. રાઇટર, ડિરેક્ટર અને પર્ફોર્મર એટલે કે અમોલના ટ્રૅકને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેના ટ્રૅક પરથી દેખાડવામાં આવ્યું છે કે પર્સનલ પ્રૉબ્લેમ ભલે ગમે તે કોઈ સમજી ન શકે અથવા તો બીજાને માટે ખૂબ જ નાનો હોય અથવા તો એનો કોઈ મતલબ ન હોય, પરંતુ પોતાના માટે એ એકદમ મોટો હોય છે. અમોલના પર્ફોર્મન્સ દ્વારા એ જરૂર જોઈ શકાય છે. આ સાથે જ કુમુદ મિશ્રા એકદમ ચિલ્ડ-આઉટ પેરન્ટ તરીકે જોવા મળ્યા છે. તેમના ડાયલૉગ અને તેમની લવ સ્ટોરી અને કેમિસ્ટ્રી પણ સારાં હતાં. જોકે તેમની લવ સ્ટોરીને વધુ સારી રીતે દેખડવામાં આવત તો ચાર ચાંદ લાગી ગયા હોત. આ સ્ટોરી પેરન્ટ્સ પર વધુ ફોકસ્ડ હતી અને કુમુદ અને શેરનાઝ પટેલે એને બખૂબી ભજવી છે.
મ્યુઝિક
આ શોનું દરેક ગીત ઇન્ટરેસ્ટિંગ છે જે શોના નેચર સાથે પણ બંધ બેસે છે. તેમ જ કેટલાંક ખૂબ જ સુંદર ગીત છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કેટલાંક દૃશ્યને ખૂબ જ અસરદાર બનાવી દે છે. ખાસ કરીને અમોલ પરાશર જ્યારે બાબા પાસે એક હગ કરવાની ડિમાન્ડ કરે છે.
આખરી સલામ
ટ્રિપ્લિંગને એની ટ્રિપ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. લાઇફમાં પ્રૉબ્લેમ હોય તો તમારી ફેવરિટ વ્યક્તિ સાથે ટ્રિપ પર નીકળી જાઓ, દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. જોકે આ વખતે એ ટ્રિપ ગાયબ છે અને એ સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે.