રેડ લાઇટ એરિયા પર આધારિત આ શો અનિલ વી. કુમારે ડિરેક્ટ કર્યો છે.
શેફાલી ઝરીવાલા અને રશ્મિ દેસાઈ
‘રાત્રી કે યાત્રી 2’માં સેક્સ-વર્કરના રોલને સચોટતાપૂર્વક દેખાડવા માટે રશ્મિ દેસાઈ અને શેફાલી ઝરીવાલાએ ભરપૂર રિસર્ચ કર્યું હતું. ‘હંગામા પ્લે’ પર આવતા આ શોમાં શરદ મલ્હોત્રા, શક્તિ અરોરા, ભાવિન ભાનુશાલી, અબીગૈલ પાન્ડે, મોનાલિસા, અદા ખાન, પ્રિયા ગોર, મોહિત અબરોલ, મીરા દેવસ્થલે અને આકાશ દબાઢે લીડ રોલમાં છે. રેડ લાઇટ એરિયા પર આધારિત આ શો અનિલ વી. કુમારે ડિરેક્ટ કર્યો છે. એમાં પાંચ અલગ-અલગ સ્ટોરી દેખાડવામાં આવી છે. પોતાના રોલની તૈયારી કેવી રીતે કરી એ વિશે રશ્મિ દેસાઈએ કહ્યું કે ‘સેક્સ-વર્કરનો રોલ ભજવવાનો હોય ત્યારે એની સાથે કેટલીક જવાબદારી પણ આવે છે. મારા માટે પહેલી પ્રાથમિકતા એ હતી કે જે પણ ઍક્ટરે આવા રોલ ભજવ્યા હોય તેમને જોવા અને દરેક ઝીણી બાબતની નોંધ લેવાની હતી. મેં એક નિયમ બનાવી લીધો કે એ ફિલ્મોને વારંવાર જોઈને ઝીણવટપૂર્વક માહિતી નોંધીને તેમની પાસેથી પ્રેરણા લઉં. આ બધાની સાથે મેં રિસર્ચ પણ કર્યું જેથી સારી રીતે પર્ફોર્મ કરી શકું, જેની દર્શકો પ્રશંસા પણ કરે. અમારા ડિરેક્ટર અનિલ વી. કુમાર સરે મારા રોલની તૈયારીમાં ખૂબ મદદ કરી હતી. સેટ પર હું ડિરેક્ટરના માર્ગદર્શનને સમર્પિત હતી, પરંતુ આ વખતે હું ખૂબ નર્વસ હતી. આશા છે કે દર્શકોને અમારી કરેલી મહેનત પસંદ આવે.’
બીજી તરફ પોતાના આ રોલ વિશે શેફાલીએ કહ્યું કે ‘હું જે પણ રોલ્સ ભજવું એની પસંદગીને લઈને ખૂબ સિલેક્ટિવ હોઉં છું. સાથે જ એ પાત્ર સાથે જોડાયેલી ચૅલેન્જિસ અને સ્ટોરીનું અગત્ય પણ એ પાત્ર દ્વારા વ્યક્ત કરવાનું ધ્યાનમાં રાખું છું. મેં એ વાતની ખાતરી લીધી કે એ પાત્રનું હું રિસર્ચ કરું અને એમાં વ્યક્તિગત રીતે સમાઈ જાઉં. મારું માનવું છે કે સેક્સ-વર્કર્સ સાથે ચર્ચા કરીને મને મારા રોલને ન્યાય આપવાની સ્પષ્ટતા મળી ગઈ હતી.’
ADVERTISEMENT
અદા ખાને કહ્યું કે ‘મારું માનવું છે કે ઍક્ટિંગ એ એક કસોટી છે અને દરેક પરીક્ષા અગાઉ ઘણું બધું શીખવાનું હોય છે. એક ઍક્ટર તરીકે આ રોલની જટિલતાને સમજવા માટે અગાઉથી તૈયારી કરવાથી મને ઘણી મદદ મળી હતી. હું અરીસા સામે જઈને પોતે જ રિહર્સલ કરતી હતી, યોગ્ય ઇમોશન અને સ્ક્રિપ્ટ પ્રમાણે મારા પાત્રને દેખાડતી હતી.’

