પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી વેબ-સિરીઝ ‘વિઠ્ઠલ તીડી’ મુકેશ સોજિત્રાની ટૂંકી વાર્તા પર આધારિત છે
પ્રતીક ગાંધી
હિન્દી સાથે હાલમાં મરાઠી, બંગાળી, તેલુગુ સહિતની ભાષા માટેનાં પણ ઓટીટી પ્લૅટફૉર્મ્સ ઍક્ટિવ છે અને ભરપૂર જોવાય પણ છે. એવું જ ગુજરાતી કન્ટેન્ટ આપતું ‘ઓહો ગુજરાતી’ નામનું ડિજિટલ પ્લૅટફૉર્મ ૭ મેએ લૉન્ચ થવાનું છે. રીજનલ હોવા છતાં સમગ્ર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ‘ઓહો ગુજરાતી’ તરફ ખેંચાયું છે, કેમ કે એમાં લૉન્ચના દિવસે ‘વિઠ્ઠલ તીડી’ નામની સિરીઝ રિલીઝ થવાની છે જેમાં ટાઇટલ રોલ ભજવી રહ્યા છે ‘સ્કૅમ 1992’ના ‘હર્ષદ મહેતા’ એટલે કે ઍક્ટર પ્રતીક ગાંધી.
મુકેશ સોજિત્રાની ટૂંકી વાર્તા પર આધારિત ‘વિઠ્ઠલ તીડી’માં પત્તાબાજ વિઠ્ઠલની વાર્તા છે જે રમવામાં એક્કો છે, પરંતુ જ્યારે તે પોતાનું ગામ છોડીને શહેર તરફ જાય છે ત્યારે તેની લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ આવી જાય છે. ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ના ડિરેક્ટર અભિષેક જૈને ‘વિઠ્ઠલ તીડી’ બનાવી છે. પ્રતીક ગાંધી સાથે સિરીઝમાં ‘હેલ્લારો’ ફેમ શ્રદ્ધા ડાંગર, ‘સ્કૅમ 1992’ ફેમ બ્રિન્દા ત્રિવેદી, પ્રેમ ગઢવી, રાગી જાની, પ્રશાંત બારોટ અને જગજિત સિંહ વાઢેર સહિતના કલાકારો જોવા મળશે. પ્રતીક ગાંધીની લોકપ્રિયતા અને બહોળા ચાહકવર્ગને કારણે આ ગુજરાતી કન્ટેન્ટ આખી દુનિયા સુધી પહોંચશે એ નક્કી.