ધ નાઇટ મૅનેજરમાં હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટાનું ઓટીટી ડેબ્યુ
પ્રીતિ ઝિન્ટા, હૃતિક રોશન
છેલ્લા ઘણા સમયથી હૃતિક રોશનના ઓટીટી ડેબ્યુને લઈને ચર્ચા ચાલી રહી છે. જાણીતી નૉવેલ ‘ધ નાઇટ મૅનેજર’ પરથી બની રહેલી એ જ નામની વેબ-સિરીઝમાં હૃતિક રોશન લીડ રોલ કરવાનો છે. આ પ્રોજેક્ટ સાથે હવે પ્રીતિ ઝિન્ટાનું નામ જોડાયું છે. ‘કોઈ મિલ ગયા’ની આ જોડી ‘ધ નાઇટ મૅનેજર’ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરશે. જોકે પ્રીતિ આ સિરીઝમાં અભિનય નહીં, પણ એનું નિર્માણ કરવાની છે એટલે પ્રોડ્યુસર તરીકે પ્રીતિનું નામ જોવા મળશે.
‘ધ નાઇટ મૅનેજર’ને રાઇટર-ડિરેક્ટર સંદીપ મોદી ડિરેક્ટ કરશે જે સુસ્મિતા સેનની ‘આર્યા’ સાથે પણ જોડાયેલા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં પણ ‘ધ નાઇટ મૅનેજર’ નામની બ્રિટિશ મિની સિરીઝ બની ચૂકી છે જે હાલ ઍમેઝૉન પ્રાઇમ પર અવેલેબલ છે. હૃતિક રોશનની ભારતીય વર્ઝનની ‘ધ નાઇટ મૅનેજર’માં કઈ રીતે નૉવેલનું રૂપાંતર કરવામાં આવશે એ જોવું રસપ્રદ હશે. હાલ તો હૃતિક રોશન ‘ક્રિશ 4’ માટે વ્યસ્ત છે જેમાં તેનો ટ્રિપલ રોલ હશે એમ કહેવાય છે.

