‘હૅપી ફૅમિલી – કન્ડિશન્સ અપ્લાય’માં રત્ના પાઠકનું પાત્ર જોરદાર છે અને એ જોયા બાદ તેમના ફૅન ન બનો તો જ નવાઈ : આતિશ કાપડિયાએ લખેલી સ્ક્રિપ્ટ અને જે. ડી. મજીઠિયા સાથે મળીને કરેલા ડિરેક્શનવાળા આ શોના દરેક પાત્ર અને ડાયલૉગ એક-એકથી ચડિયાતાં છે
વેબ-શો રિવ્યુ
હૅપી ફૅમિલી - કન્ડિશન્સ અપ્લાય
શો : હૅપી ફૅમિલી - કન્ડિશન્સ અપ્લાય
કાસ્ટ : રત્ના પાઠક શાહ, રાજ બબ્બર, અતુલ કુલકર્ણી, આયેશા ઝુલ્કા, સના કપૂર, મીનલ સાહુ, રોનક કામદાર, પરેશ ગનાત્રા
ADVERTISEMENT
ડિરેક્ટર : આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયા
રેટિંગ્સ : ૪
ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ગઈ કાલે ‘હૅપી ફૅમિલી – કન્ડિશન્સ અપ્લાય’ સ્ટ્રીમ કરવામાં આવી છે. આ શોને આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાએ બનાવ્યો છે. ઑનલાઇન રિલીઝ થયેલા શો આજે સેક્સ્યુઅલ હોય અથવા તો ખૂનખરાબાથી ભરપૂર હોય છે, કારણ કે ઓટીટી પ્લૅટફૉર્મ પર કેટલીક સ્વતંત્રતા હોય છે. જોકે ‘ખિચડી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના મેકર્સ દ્વારા એક નવો વેબ શો રિલીઝ કરવામાં આવ્યો છે. સ્ટ્રેસ ઓછું કરવું હોય, ખૂનખરાબાથી દૂર રહેવું હોય, હલકોફૂલકો કૉમેડી શો જોવો હોય તો એ માટે આ શો એકદમ પર્ફેક્ટ છે.
સ્ટોરી ટાઇમ
આ શોની સ્ટોરી ધોળકિયા ફૅમિલીની આસપાસ ફરે છે. ફૅમિલીમાં ચાર જનરેશન દેખાડવામાં આવી છે. દરેક જનરેશનની વ્યક્તિ તેની ઉંમર પ્રમાણેના પ્રૉબ્લેમનો સામનો કરતી હોય છે. જોકે આ અંતે એક ડિસફંક્શનલ ફૅમિલી છે. આ એક એવી ફૅમિલી છે જે હંમેશાં દોષનો ટોપલો બીજાના માથે નાખે છે, પરંતુ સુખ અને દુખમાં હંમેશાં સાથે રહે છે. ફૅમિલીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે દીકરો લગ્ન અલગ રહેવા માગતો હોય છે. જોકે તે અલગ રહેવા માગે છે કે તેની પત્ની તેને કહેતી હોય છે એ એક સવાલ છે, પરંતુ એ વાત બહાર આવતાં ફૅમિલીમાં જ ધમાચકડી ઊભી થાય અને એ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
શોની સ્ક્રિપ્ટ આતિશ કાપડિયાએ લખી છે. તેમ જ એને ડિરેક્ટ તેમણે જે. ડી. મજીઠિયા સાથે મળીને કર્યો છે. આ શોની સ્ક્રિપ્ટમાં દરેક પાત્રની ખૂબી કહો કે ખામી એને પકડી-પકડીને શોધવામાં આવી છે અને એ દરેક સાથે બંધ બેસે પણ છે. દાદીનું પાત્ર ભજવતી રત્ના પાઠક શાહની ચૂગલી કરવાની ટેવ, અતુલ કુલકર્ણીની પ્રોટેક્ટિવનેસ અને દવાઓને લઈને તેનું ઑબ્સેશન, રાજ બબ્બરની સેન્સ ઑફ હ્યુમર, આયેશા ઝુલ્કાનો સેલ્ફી પ્રેમ અને મીનલ સાહુ ગ્રામર નાઝી હોય છે. રાઇટરે ચારેય જનરેશન પ્રમાણે કઈ વ્યક્તિ કેવી હોવી જોઈએ અને તેનું વર્તન કેવું હોવું જોઈએ એના પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તેમની આસપાસ સ્ટોરીને એટલી સારી રીતે લખવામાં આવી છે કે એક પણ ડાયલૉગ અને એક પણ પંચલાઇન પર હસવું ન આવે એવું બની જ ન શકે. આ શોમાં પણ કેટલીક ગાળો છે, પરંતુ એમ છતાં એ ગાળો નથી. તેમ જ આ ધોળકિયા ફૅમિલી જેટલી મૉડર્ન છે એટલા જ તેમના સંસ્કાર અને વૅલ્યુ તેમના માટે મહત્ત્વનાં છે. હેમલતાબહેન એટલે કે રત્ના પાઠક બિઅર અને શૅમ્પેન પીએ છે, પરંતુ ફક્ત સ્ટીલના ગ્લાસમાં. તેમને આલ્કોહૉલથી પ્રૉબ્લેમ નથી, પરંતુ કાચના ગ્લાસમાં કોઈ જોઈ ગયું એનો પ્રૉબ્લેમ હોય છે. અતુલ કુલકર્ણીએ રમેશનું પાત્ર ભજવ્યું છે. તેને લોકો ગુસ્સો કરે એનાથી પ્રૉબ્લેમ નથી હોતો, પરંતુ સારી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ એવું તેનું માનવું હોય છે. આમ નાનામાં નાની વાતને ખૂબ જ ધ્યાનમાં રાખીને એકદમ મનોરંજનથી ભરપૂર સ્ટોરી લખવામાં આવી છે. આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાએ ડિરેક્ટ કરેલા આ શોનું મોટા ભાગનું શૂટિંગ બંધ દરવાજામાં કરવામાં આવ્યું છે પરંતુ એમ છતાં એને જોવાની એટલી જ મજા આવે છે. તેમણે એક કૉમન ગુજરાતી ફૅમિલી કેવી હોય છે અને તેમના રંગને ખૂબ જ સારી રીતે પકડીને દેખાડ્યા છે. શોમાં તેઓ જ્યારે માથેરાન ફરવા માટે જાય છે ત્યારે આઉટડોર શૂટિંગ કરવામાં આવ્યું છે, પરંતુ લોકેશનનો એટલો સારી રીતે ઉપયોગ નથી કરી શકાયો. એ આઉટડોર શૂટિંગમાં કલર ગ્રેડિંગમાં પણ થોડી કચાશ રહી ગઈ હોય એવું લાગે છે. શોની શરૂઆત જ્યારે થાય છે ત્યારે એ એકદમ કલરફુલ જાણે રોહિત શેટ્ટીની ફિલ્મો જેવી ફીલ આવે છે, પરંતુ ખાસ કરીને માથેરાનનાં દૃશ્યો જોઈએ એટલાં કલરફુલ નથી. ડાયલૉગ પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે અને એ જોઈ શકાય છે. આ શો પરથી એટલું તો કન્ફર્મ છે કે કન્ટેન્ટ સારી હોય તો કોઈ પણ શો હિટ થઈ શકે છે. આ સાથે જ શોના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ ક્રેડિટ આપવી રહી. ચૂન-ચૂનકે સબકો પસંદ કિયા હૈ.
પર્ફોર્મન્સ
આ શોના અંત સુધીમાં જો હેમલતાના ફૅન ન બનો તો નવાઈની વાત છે. રત્ના પાઠક શાહે ખૂબ જ દાદુ કામ કર્યું છે. તેમની ડાયલૉગ ડિલિવરી, ટાઇમિંગ અને જે સ્વૅગ છે એ એક નંબર છે. તેમના બાદ જો કોઈને જોવાની મજા આવતી હોય તો એ રમેશ એટલે કે અતુલ કુલકર્ણી છે. તેની સાદગી, તેનું ભોળપણ અને તેના ઑબ્સેશનની વચ્ચે તે કેટલો કૅરિંગ અને માયાળુ છે એ દરેક વસ્તુને તેણે ખૂબ જ સારી રીતે દેખાડી છે. રાજ બબ્બરે દાદાનું પાત્ર ભજવ્યું છે. જોકે ગુજરાતી ફૅમિલીના સૌથી વૃદ્ધ વ્યક્તિ હોવા છતાં તેમની ગુજરાતી બોલીમાં પ્રૉબ્લેમ દેખાઈ આવે છે. આ સાથે જ તેમનું પણ કૉમિક ટાઇમિંગ સારું છે, પરંતુ હંમેશાં આસપાસ રત્ના પાઠક હોવાથી તેઓ ઝાંખા પડી ગયા છે. સના કપૂર પાસે ખાસ કામ નથી. તે સ્ક્રીન પર આવે છે અને એક-બે ડાયલૉગ બાદ જતી રહે છે. આયેશા ઝુલ્કાના પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. તેણે પણ એક મમ્મીના પાત્ર અને બહૂનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. મીનલ સાહુ એક મૉડર્ન બહૂના પાત્રમાં છે, જે એક વર્કિંગ વુમન હોય છે. જોકે અહીં સાસ-બહૂ વચ્ચેની જે માનસિકતા છે એ તોડવામાં આવી છે. તેમની વચ્ચે હંમેશાં લડાઈ જ થતી હોય એવું નથી. તેમ જ સાસુ હંમેશાં વહુ પાસે કામ જ કરાવતી હોય એવું નથી. કેટલાંક ઘર એવાં હોય છે જેમાં વહુને સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. આ પાત્રને મીનલે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે તેની અને રત્ના પાઠક વચ્ચેની જે તૂતૂ-મૈંમૈં છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ સિવાય પરેશ ગણાત્રાની સાથે અન્ય પાત્રો પણ જોવા મળશે. આ ચાર એપિસોડમાં પરેશનું પાત્ર મહેમાન ભૂમિકા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ આગામી એપિસોડમાં એ જોવું રહ્યું.
આખરી સલામ
આ શોના ચાર એપિસોડ જ સ્ટ્રીમ થઈ રહ્યા છે. બાકીના છ એપિસોડ દર શુક્રવારે બે-બે રિલીઝ કરવામાં આવશે. આ માટે આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાને જનતા માફ નહીં કરે. આ શોના દરેક એપિસોડ એકસાથે રિલીઝ થવા જોઈતા હતા. સૌથી બેસ્ટ વાત એ છે કે શોને જરા પણ ખેંચવામાં નથી આવ્યો અને દરેક એપિસોડ ૩૦ મિનિટનો જ છે. તેમ જ દરેક શોના અંતે જે ટ્વિસ્ટ આવે છે એના કારણે બીજો એપિસોડ જોવાની તાલાવેલી જાગે છે.