ગુરફતેહ પીરઝાદાએ જણાવ્યું છે કે સ્કૂલ પૂરી કર્યા બાદ તેણે કૅનેડામાં અનેક કામ કર્યાં જેમાં બાથરૂમ સાફ કરવા અને કચરો ઉપાડવા જેવી નોકરી કરી હતી.
ગુરફતેહ પીરઝાદા
ગુરફતેહ પીરઝાદાએ જણાવ્યું છે કે સ્કૂલ પૂરી કર્યા બાદ તેણે કૅનેડામાં અનેક કામ કર્યાં જેમાં બાથરૂમ સાફ કરવા અને કચરો ઉપાડવા જેવી નોકરી કરી હતી. તે હાલમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘ક્લાસ’માં નીરજ કુમાર વાલ્મીકિના રોલમાં દેખાયો હતો. પોતાની સ્ટ્રગલ વિશે વિસ્તારમાં જણાવતાં ગુરફતેહે કહ્યું કે ‘હું જ્યારે સ્કૂલ પૂરી કરીને બહાર આવ્યો તો મેં વિચાર્યું કે હવે આગળ શું કરવું. મારે કૉલેજ જવું હતું. કૉલેજ કેવી રીતે જઈશ? પૈસા ભરવા પડશે. મારી મમ્મી અને બહેન કૅનેડામાં હતી. તેમણે વિચાર્યું કે તે બન્ને સખત મહેનત કરીને મારી કૉલેજની ફી ભરશે. જોકે એ એટલું સરળ નહોતું. મેં પણ તેમની જેમ મહેનત કરવાનું નક્કી કરી લીધું. મારી મમ્મી અને બહેન ૧૮ કલાક ઑડ જૉબ્સ કરતી હતી. તેઓ કોઈ અન્યના ઘરના નાનકડા બેઝમેન્ટમાં રહેતી હતી. મેં પણ સ્વીકાર કરી લીધો કે આ જ લાઇફ છે. મેં નોકરી શોધી લીધી. જોકે એ ગેરકાયદે હતું, કારણ કે મારી પાસે વર્ક પરમિટ નહોતી. જો પકડાઈ જાઓ તો મુસીબત વધી જાય. મને જે પણ કામ મળ્યું મેં એ કર્યું. ઉદાહરણ તરીકે દુકાનમાં સાફસફાઈ અથવા બધો સામાન ગોઠવવો, મીટ કાપવું, દરરોજ રાતે કચરો સાફ કરવો, પીત્ઝા બનાવવા અને બાથરૂમ્સ સાફ કરવા. મારા વિઝા પૂરા થાય ત્યાં સુધી મેં ૪-૫ મહિના કામ કર્યું હતું. બાદમાં મેં એ નોકરી છોડવાનું નક્કી કર્યું અને ભારત આવવાની ટિકિટ બુક કરી લીધી.’