રણવીર અગાઉ એકરાર કરી ચૂક્યો છે કે તેનો પૂજા ભટ્ટ સાથે સંબંધ હતો.
પૂજા ભટ્ટ, રણવીર શૌરી
‘બિગ બૉસ OTT 3’માં સેકન્ડ રનરઅપ રહેલો રણવીર શૌરી જર્નલિસ્ટ પર ભડકી ગયો હોવાને કારણે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. પૂજા ભટ્ટને લગતા એક સવાલને લીધે રણવીરે પિત્તો ગુમાવ્યો હતો. આ સવાલ પર તે એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે તેણે જર્નલિસ્ટને બહાર ચાલ્યા જવા કહ્યું હતું. ‘બિગ બૉસ OTT 3’માંથી બહાર નીકળ્યા બાદ ઇન્ટરવ્યુ દરમ્યાન રણવીરને વિવિધ સવાલ કરવામાં આવ્યા હતા. તેને પૂછવામાં આવ્યું હતું કે કેટલાક લોકો તારો પક્ષ લે છે, તો કેટલાક લોકો મહિલાઓ પ્રત્યેના તારા વર્તનની ટીકા કરે છે. સાથે જ રણવીરને પૂછવામાં આવ્યું કે તું હંમેશાં કહેતો આવ્યો છે કે ઇન્ડસ્ટ્રી તારી વિરુદ્ધ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કેટલાકે તારા પર શારીરિક હિંસાનો આરોપ લગાવ્યો છે. એટલું સાંભળતાં રણવીરે સામું પૂછ્યું કે આવો આરોપ કોણે કર્યો છે? તો જર્નલિસ્ટે પૂજા ભટ્ટનું નામ લીધું. એ સાંભળતાં રણવીર રોષે ભરાયો અને સવાલ પૂછનારને ચાલ્યા જવાનું કહીને તેને ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી.
રણવીર અગાઉ એકરાર કરી ચૂક્યો છે કે તેનો પૂજા ભટ્ટ સાથે સંબંધ હતો. એ દરમ્યાન રણવીર પર પૂજા ભટ્ટે આલ્કોહોલિક હોવાનો અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. બન્ને થોડાં વર્ષ રિલેશનમાં રહ્યા બાદ જુદાં પડ્યાં હતાં.