તે સામાન્ય માણસની સ્ટોરી દેખાડતી વેબ-સિરીઝ લઈને આવી રહ્યો છે
ભુવન બામ
ભુવન બામ પહેલી વખત વેબ-સિરીઝ ‘ઢિંડોરા’ લઈને આવી રહ્યો છે જેમાં સામાન્ય માણસની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. ૮ એપિસોડની આ સિરીઝમાં ભુવન કુલ મળીને ૯ પાત્રો ભજવતો જોવા મળશે. આ વેબ-સિરીઝ ભુવનની યુટ્યુબ ચૅનલ ‘બીબી કી વાઇન્સ’ પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. હિમાંક ગૌરે ડિરેક્ટ અને રોહિત રાજે પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝ વિશે ભુવન બામે કહ્યું હતું કે ‘અમે ૨૦૧૭માં ‘ઢિંડોરા’ની કલ્પના કરી હતી. હવે એ હકીકતમાં બદલી છે એથી અમારા માટે એ અદ્ભુત ક્ષણ છે. સામાન્ય માણસની જર્નીની સ્ટોરી દેખાડવામાં આવશે. તેની સાથે કંઈક ઘટના ઘટે છે અને કેવી રીતે લોકો તેની સાથે જોડાઈને એના પર પ્રતિક્રિયા આપે છે. હું ‘બીબી કી વાઇન્સ’ યુનિવર્સ મારફત એકસાથે ઘણાંબધાં પાત્રો ભજવી રહ્યો છું. શોમાં જે રીતે હું અલગ કૅરૅક્ટર્સ ભજવું છું એ રીતે મારે ૯ પાત્રો માટે અલગ-અલગ તૈયારીઓ કરવાની હતી. એક જ સમયે એકસાથે ૯ પાત્રો ભજવવાં પડકારજનક તો હતાં જ પરંતુ સાથે જ ઉત્સાહિત કરનારું પણ હતું. ટીટુમામાનું પાત્ર મારું ફેવરિટ છે, પરંતુ જાનકીજીનું કૅરૅક્ટર ખૂબ અઘરું હતું. આ બધાં પાત્રો રિયલ લાઇફમાંથી પ્રેરિત છે. હું તેમની સ્ટોરીને શોના માધ્યમથી દેખાડવાનો છું એથી તેમનો આભારી છું.’