તેની ‘પ્લીઝ ફાઇન્ડ અટૅચ્ડ’ની ત્રીજી સીઝન ચોવીસ ઑગસ્ટથી ઍમેઝૉન મિની ટીવી પર દેખાશે
બરખા સિંહ
બરખા સિંહે જણાવ્યું છે કે તેની સિરીઝ ‘પ્લીઝ ફાઇન્ડ અટૅચ્ડ’માં તેના સાન્યાના પાત્ર પર દર્શકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. લોકોમાં તે ખૂબ લોકપ્રિય છે. તેણે ‘એન્જિનિયરિંગ ગર્લ્સ’, ‘મસાબા મસાબા 2’ અને ‘ધ ગ્રેટ વેડિંગ મ્યુન્સ’માં પણ કામ કર્યું છે. તેની પાસે હજી પણ અનેક પ્રોજેક્ટ છે. જોકે એની જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. હવે તેની ‘પ્લીઝ ફાઇન્ડ અટૅચ્ડ’ની ત્રીજી સીઝન ચોવીસ ઑગસ્ટથી ઍમેઝૉન મિની ટીવી પર દેખાશે. આ શોના પોતાના રોલ વિશે બરખાએ કહ્યું કે ‘સાન્યા ગર્લ-નેક્સ્ટ ડોર છે. મેં જ્યારે પણ સાન્યાને દેખાડી છે, તે હંમેશાં દિલથી જ હોય છે. આ જ કારણ છે કે અનેક લોકો તેની સાથે કનેક્ટ થઈ શક્યા છે અને પોતાને તેની સાથે જોડે છે. પહેલી સીઝનથી માંડીને ત્રીજી સીઝન સુધી તમે સાન્યામાં માનસિક અને ભાવનાત્મક રીતે કરીઅરની દૃષ્ટિએ વિકાસ જોઈ શકો છો એટલું જ નહીં, સાન્યાની સાથે અમારા દર્શકો પણ વય અને તેમની વિચારવાની પ્રક્રિયાની દૃષ્ટિએ વિકસિત થયા છે. સાન્યા વર્ષોથી આપણા સૌની સાથે જર્ની કરી રહી છે અને અમે તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મને દરેક પ્રકારના મેસેજ મળે છે. હું જ્યારે પણ ટ્રાવેલ કરતી હોઉં અને કોઈ સ્થળે જમતી હોઉં તો પ્રશંસકો મને મળીને એક્સાઇટેડ થઈ જાય છે. સાન્યાને લોકો આટલો પ્રેમ કરે છે એ મને ખૂબ ગમે છે.’

