જોકે એની બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે એવું કિકુ શારદાએ જણાવ્યું છે
કપિલ શર્મા
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની પહેલી સીઝનનો લાસ્ટ એપિસોડ હાલમાં જ શૂટ કરવામાં આવ્યો છે. જોકે એની બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે એવું કિકુ શારદાએ જણાવ્યું છે. આ શોમાં વિવિધ સેલિબ્રિટીઝ આવીને હસીમજાક કરે છે અને સાથે જ પોતાની લાઇફ સાથે જોડાયેલાં સીક્રેટ્સ પણ કહે છે. આ શો ગ્લોબલી ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. એથી પૂરી ટીમે પાર્ટી પણ કરી હતી. શોમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, અર્ચના પૂરણસિંહ, રાજીવ ઠાકુર, કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક ખૂબ ધમાચકડી મચાવે છે. આ સીઝનના ૧૩ અેપિસોડ બનાવવામાં આવ્યા છે. શોનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હોવાનું જણાવતાં અર્ચના પૂરણસિંહ કહે છે, ‘હા, અમે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે. સેટ પર અમે ખૂબ મજા કરી અને સેલિબ્રેશન પણ કર્યાં છે. આ જર્ની ખૂબ શાનદાર રહી. સેટ પર અમે ખૂબ સરસ રીતે સમય પસાર કર્યો છે.’
બીજી તરફ શોની બીજી સીઝનની માહિતી આપતાં કિકુ શારદા કહે છે, ‘ટેલિવિઝન પર તો શો લાંબો ચાલે છે, પરંતુ અહીં ફૉર્મેટ અલગ હોય છે. આ પણ દિલચસ્પ છે. અમે નાનકડો ગૅપ લેવાના છીએ અને બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. અમે શોનો છેલ્લો એપિસોડ એવો બનાવ્યો છે જાણે શો પર પડદો પડી ગયો છે, પરંતુ આ થોડા સમય માટે જ છે. અમે જલદી પાછા ફરીશું.’

