રોમૅન્ટિક ફૅન્ટસી થ્રિલર વીસ એપ્રિલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે
રેવતી
રેવતીએ જણાવ્યું છે કે તેને કંઈક નવી અને અસાધારણ વસ્તુને એક્સપ્લોર કરવાની ચૅલેન્જ સ્વીકારવી ગમે છે. તે વેબ-સિરીઝ ‘ટૂથ પરી : વેન લવ બાઇટ્સ’માં દેખાવાની છે. આ રોમૅન્ટિક ફૅન્ટસી થ્રિલર વીસ એપ્રિલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એમાં શાંતનુ મહેશ્વરી અને તાન્યા માણિકતલા પણ જોવા મળશે. આ સિરીઝમાં લુના લુકાના રોલ વિશે રેવતીએ કહ્યું કે ‘હું જે પણ પ્રોજેક્ટ પસંદ કરું છું એની પાછળ ખૂબ વિચાર કરું છું અને ‘ટૂથ પરી : વેન લવ બાઇટ્સ’ એનાથી બાકાત નથી. મેં જ્યારે એની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે આવા વિષય પર મેં અગાઉ કદી કામ નથી કર્યું. આ રોજબરોજની સાધારણ સ્ટોરી નથી, પરંતુ હટકે છે જેને અમારા ડિરેક્ટર પ્રતિમ દાસગુપ્તાએ સાકાર કરી છે અને એને સિટી ઑફ જૉય કલકત્તામાં બનાવવામાં આવી છે.’
ચૅલેન્જ લેવી ગમે છે એ વિશે રેવતીએ કહ્યું કે ‘નવા અને કંઈક અસામાન્ય ફૉર્મેટ્સને એક્સપ્લોર કરવાની ચૅલેન્જ મને સ્વીકારવી ગમે છે. આ સિરીઝમાં મેં સ્ટ્રૉન્ગ, પોતાના પર અતૂટ વિશ્વાસ રાખનાર અને તમામ પડકારોનો સામનો કરનાર વ્યક્તિનો રોલ કર્યો છે. મને આવા રોલ્સ ભજવવા ગમે છે.’

