હીરો–ગાયબ મોડ ઑન યાદ અપાવશે મિસ્ટર ઇન્ડિયાની
હીરો ગાયબ મૉડ ઑન
સોની સબ ટીવીનું ફોકસ બે કૅટેગરી પર દિવસે-દિવસે વધતું જાય છે. એક છે બાળકો અને બીજું છે ફિક્શન. ‘બાલવીર રિટર્ન્સ’ અને ‘અલાદીન’ પછી હવે વધુ એક ફિક્શન લઈને ચૅનલ આવે છે, ટાઇટલ છે ‘હીરો - ગાયબ મોડ ઑન’. ટાઇટલ મુજબ જ આ ફિક્શનમાં અદૃશ્ય થઈને અન્યાય અને અધર્મ સામે લડનારા હીરોની વાત છે. આ અગાઉ પણ આ પ્રકારના અદૃશ્ય થવાની ક્ષમતા ધરાવતા હીરોને ભારતીય દર્શકોએ જોયો છે, ‘મિસ્ટર ઇન્ડિયા’માં. અનિલ કપૂર અને શ્રીદેવીની ૮૦ના દસકાની ‘મિસ્ટર ઇન્ડિયા’માં અદૃશ્ય થઈને સુપરપાવર મેળવતા કૉમનમૅનની વાત હતી, તો ઇમરાન હાશ્મીએ પણ ‘મિસ્ટર એક્સ’ નામની ફિલ્મ કરી હતી જેમાં મિસ્ટર એક્સને જોઈ નથી શકાતો.
‘મિસ્ટર ઇન્ડિયા’ આજે પણ લોકોને યાદ છે અને ‘હીરો - ગાયબ મોડ ઑન’ પણ એની યાદ દેવડાવે છે. ‘હીરો - ગાયબ મોડ ઑન’ને વેકેશનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી હતી, પણ લૉકડાઉનને કારણે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો, પણ હવે વીએફએક્સનું ઘણુંખરું કામ પૂરું થતાં એનું પ્રમોશન નવેસરથી શરૂ થયું છે અને મે-એન્ડમાં વીક-એન્ડ શો તરીકે એને લૉન્ચ કરવામાં આવે એવા ચાન્સિસ છે.