પવિત્ર ભાગ્ય માટે રણવીર સિંહનું કયું પાત્ર કુણાલ જયસિંહની પ્રેરણા બન્યુ
કુણાલ જયસિંહ
‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ બનાવ્યા બાદ એકતા કપૂરે ફરી ‘ભાગ્ય’ પર હાથ અજમાવ્યો છે. કલર્સ ટીવી પર બીજી માર્ચથી બાલાજી ટેલિફિલ્મ્સની ટીવી-સિરીઝ ‘પવિત્ર ભાગ્ય’ શરૂ થઈ છે જેમાં કુણાલ જયસિંહ અને અનેરી વજાણી લીડ રોલમાં છે. આ રોમૅન્ટિક ડ્રામાની વાર્તા રેયાંશ (કુણાલ) અને પ્રણતી (અનેરી)ના સંબંધની આસપાસ ફરે છે. એક સમયે આ બન્ને પાત્રો પ્રેમમાં હોય છે, પરંતુ પ્રણતી પ્રેગ્નન્ટ થતાં રેયાંશ યુવાનવયે બાળકની જવાબદારી લેવા નથી માગતો એથી પ્રણતીને છોડીને જતો રહે છે. વર્ષો બાદ અનાથાલયમાંથી એક બાળકી જુગનુ (વૈષ્ણવી પ્રજાપતિ) આ બન્નેના જીવનમાં આવે છે જે તેમની જ દીકરી હોય છે.
અનેરી વજાણી અને કુણાલ જયસિંહ અગાઉ કલર્સના જ શો ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’માં સાથે કામ કરી ચૂક્યાં છે.
‘પવિત્ર ભાગ્ય’માં રેયાંશના પાત્ર વિશે કુણાલ જયસિંહ કહે છે કે ‘રેયાંશનું વ્યક્તિત્વ મારાથી તદ્દન વિપરીત છે. તે એકદમ અલ્લડ, મહિલાઓનો પ્રિય અને જવાબદારીથી ભાગતો માણસ છે. આ પાત્રને સારી રીતે ભજવવા માટે મેં ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર (રિકી)માંથી પ્રેરણા લીધી છે. રેયાંશ પણ રિકીની જેમ જ તલવારની ધાર પર જીવતો માણસ છે. તેના હાવભાવ, બૉડી-લૅન્ગ્વેજ વગેરે હું ખૂબ ધ્યાનથી જોઉં છું.’

