'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું Covid-19થી નિધન
દિવ્યા ભટનાગર
ટીવી જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર જીવન અને મરણ સામેની જંગ લડનારી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર આ જંગ હારી ગઈ છે. દિવ્યા ભટનાગરનું નિધન થઈ ગયું છે. સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ગુલાબોનો રોલ ભજવનારી દિવ્યા કોરોના વાઈરસનો શિકાર થઈ ગઈ હતી, જેના બાદ એને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દિવ્યાની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું, તેનું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જીવન અને મૃત્યુ વચ્ચે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર જંગ લડનારી આ અભિનેત્રી આ યુદ્ધમાં જીત મેળવી શકી નહીં અને આ દુનિયાને કાયમ માટે છોડી ગઈ.
દિવ્યાનો મિત્ર યુવરાજ રઘુવંશીએ એક્ટ્રેસના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. સ્પૉટબૉય સાથેની વાતચીતમાં યુવરાજે જણાવ્યું કે, દિવ્યાનું નિધન સવારે 3 વાગ્યે થયું છે. દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાત્રે અચાનક 2 વાગ્યે એની તબિયત વધારે બગડી ગઈ હતી, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહીવ હતી, એના બાદ 3 વાગ્યે ડૉક્ટરે જણાવ્યું કે દિવ્યાએ હવે આ દુનિયાને અલવિદા કહીં દીધું છે. આ સમાચાર મારા અને દિવ્યાના પરિવાર માટે મોટો આંચકો છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.'
ADVERTISEMENT
માતાએ પતિ પર લગાવ્યા હતા આ આરોપ:
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં દિવ્યાની માતાએ એના પતિ ગગન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. માતાએ જણાવ્યું હતું કે, દિવ્યાનો પતિ ગગન ફ્રૉડ છે. તે અભિનેત્રીને છોડીને ચાલ્યો ગયો અને અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું પણ નહીં. માતાએ કહ્યું હતું કે, 'દિવ્યાએ અમારી જાણ વિના લગ્ન કર્યા. અમે આ લગ્નનો વિરોધ કરી રહ્યા હતા. દિવ્યા અગાઉ મીરા રોડ પર એક મોટા મકાનમાં રહેતી હતી. પરંતુ લગ્ન બાદ તે ઓશીવારામાં એક નાનકડા મકાનમાં રહેવા લાગી. એનો પતિ પણ ફ્રૉડ નીકળ્યો, એને છોડીને ચાલ્યો ગયો.
તમને જણાવી દઇએ કે દિવ્યા ભટનાગર 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિવાય 'શેઠજી', 'સિલસિલા પ્યાર કા', 'કભી હાં કભી નાં', 'કભી સૌતન કભી સહેલી', 'પ્રીતો', 'શ્રીમાન શ્રીમતી ફિર સે', 'તેરા યાર હૂં મેં' જેવી સિરિયલોમાં જોવા મળી હતી.'

