જેનિફરે હાલમાં શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો છે
ફાઇલ તસવીર
જેનિફર મિસ્ટરી બન્સીવાલે તેના કો-સ્ટાર મંદાર ચાંદવડકરને પણ આડે હાથ લીધો છે. મંદાર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ તુકારામ ભિડેનું પાત્ર ભજવી રહ્યો છે. જેનિફરે હાલમાં શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો છે. આ સાથે જ તેણે શોના પ્રોજેક્ટ-હેડ સોહેલ રમાણી અને જતિન બજાજ પણ તેની સાથે ખરાબ વર્તન કરતા હોવાનું કહ્યું હતું. આ વિશે મંદારે પિન્કવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને સમજ નથી પડતી કે તે શું કામ આવું કરી રહી છે. તેમની વચ્ચે શું થયું એ વિશે મને કંઈ ખબર નથી. સેટ પુરુષપ્રધાન નથી. આ સેટ ખૂબ ખુશનુમા જગ્યા છે જેનું વાતાવરણ એકદમ હેલ્ધી છે. જો એવું ન હોત તો શો આટલાં વર્ષ સુધી ચાલ્યો જ ન હોત.’
આ વિશે વાત કરતાં ન્યુઝ18ને જેનિફરે કહ્યું હતું કે ‘મંદાર પણ પુરુષ છે. તે પોતે પુરુષ છે તો પછી તે શું કહેશે? અસિતકુમાર મોદી તેને જે કહેશે એ જ મંદાર પણ બોલશે. ગઈ કાલે મને જે કો-સ્ટારે કૉલ કર્યો હતો તેણે પણ મંદારને ૪૫ મિનિટ સુધી ગાળો આપી હતી કે આ કેવી રીતે પલટી ગયો. મેં તેને પણ કહ્યું હતું કે મને કોઈ ફરક નથી પડતો અને તેણે જે કરવું હોય એ તેને કરવા દો. મને કોઈ ફરક નથી પડતો. દરેકને ખબર છે કે તે કેમ અસિતકુમાર મોદી સાથે છે. અસિતુકમાર મોદી કહે એટલું તે કરે છે.’