૩૦૦ કારીગરોએ બનાવી દ્રૌપદીના સ્વંયંવરની એક સાડી
સ્ટાર ભારત પર આવતી ‘રાધાકૃષ્ણ’માં આવતા વીકથી દ્રૌપદી સ્વયંવરની વાત આવવાની છે, જેમાં દ્રૌપદીએ જે કૉસ્ચ્યુમ પહેર્યા છે એ કૉસ્ચ્યુમ બીજા કોઈએ નહીં, ફિલ્મ ‘પદ્માવત’માં દીપિકા પાદુકોણના કૉસ્ચ્યુમ તૈયાર કરનાર અંજુ મોદી જ છે. દ્રૌપદી એટલે કે ઈશિતા ગાંગુલી માટે તૈયાર કરવામાં આવેલા મૅરેજના કૉસ્ચ્યુમ માટે કુલ ૩૦૦ કારીગરોએ કામ કર્યું છે. આ કૉસ્ચ્યુમમાં સૃષ્ટિને દર્શાવવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેટી હોમ્સ અને પ્રિયંકા ચોપડા પર ઈશિતાએ ૨૫ મીટર લાંબો દુપટ્ટો સ્વયંવર દરમ્યાન રાખ્યો છે. અત્યાર સુધીના સૌથી લાંબા એવા આ દુપટ્ટાને સાચવવાનું કામ અતિશય અઘરું હતું એટલે ઈશિતાએ દુપટ્ટા સાથે રહેવાની પ્રૅક્ટિસ બે દિવસ સુધી કરવી પડી હતી.
આ ઉપરાંત ઈશિતા ગાંગુલીએ સ્વયંવર દરમ્યાન ૨૦ કિલો જ્વેલરી પહેરી છે. આ જ્વેલરી મેટલની બનાવવામાં આવી હતી. જ્વેલરી અને કૉસ્ચ્યુમ બન્નેના સંયુક્ત વજનની વાત કરીએ તો સ્વયંવર માટે ઍક્ટ્રેસ ઈશિતા ગાંગુલીએ ૪૮ કિલો વજન ઉપાડ્યું હતું. મજાની વાત એ છે કે ઈશિતાનું પોતાનું વેઇટ પણ એટલું જ છે, ૪૮ કિલો.