આ શોને કુમાર સાનુ, શ્રેયા ઘોષાલ અને વિશાલ દાદલાણી દ્વારા જજ કરવામાં આવી રહ્યો છે
‘ઇન્ડિયન આઇડલ`
‘ઇન્ડિયન આઇડલ’ની ૧૪મી સીઝનના સ્પર્ધક પાસે કરાવવામાં આવશે ગૃહપ્રવેશ. આ શો આ વીક-એન્ડમાં શરૂ થઈ રહ્યો છે. શોમાં પંદર સ્પર્ધકને પસંદ કરવામાં આવ્યા છે. આ શોને કુમાર સાનુ, શ્રેયા ઘોષાલ અને વિશાલ દાદલાણી દ્વારા જજ કરવામાં આવી રહ્યો છે. હુસેન કુવાજેરવાલા આ શોને હોસ્ટ કરી રહ્યો છે. આ શોના ઓપનિંગ વીકએન્ડની થીમ ગૃહપ્રવેશ રાખવામાં આવી છે. આ વિશે શ્રેયા ઘોષાલે કહ્યું કે ‘ઘરે નૅશનલ અવૉર્ડ લઈને જવાની જેટલી ખુશી થઈ હતી એટલી જ ખુશી મને ‘ઇન્ડિયન આઇડલ’ના ઘરાનામાં આવીને થઈ રહી છે. હું પંદરેપંદર સ્પર્ધકને શુભેચ્છા પાઠવું છું. અમે ખૂબ જ અદ્ભુત સ્પર્ધકને પસંદ કર્યા છે અને મેં પર્સનલી તેમનાં વખાણ ખૂબ જ સાંભળ્યાં છે. મારા સહિત તમામ લોકો તેમને સાંભળવા માટે આતુર છે. આ ખૂબ જ મોટો દિવસ છે કે અમે આ પંદર સ્પર્ધકનું ‘ઇન્ડિયન આઇડલ’ના ઘરાનામાં સ્વાગત કરી રહ્યા છીએ. સ્ટેજ જ નહીં, પરંતુ દેશ તેમને સાંભળવા માટે આતુર છે.’
આ વિશે શોના હોસ્ટ હુસેને કહ્યું કે ‘અમે ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૪મી સીઝનની શરૂઆત ગૃહપ્રવેશ એપિસોડ દ્વારા કરવાના છીએ. ઑડિશનથી લઈને ગૃહપ્રવેશ સુધીના એપિસોડ દરમ્યાન અમે દરેક સ્પર્ધકમાં વિકાસ થતો જોયો છે. દર્શકોને ખૂબ જ એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર એપિસોડ જોવા મળશે. મ્યુઝિકના પ્રેમી માટે આ એક ટ્રીટ રહેશે.’

