ગુરુચરણ સિંહ બાવીસ એપ્રિલે મુંબઈથી દિલ્હી જવા નીકળ્યો હતો, પરંતુ ઘરે નથી પહોંચ્યોઃ પિતાએ પોલીસમાં ફરિયાદ કરી
ગુરુચરણ સિંહ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલો ગુરુચરણ સિંહ હાલમાં મિસિંગ છે. શોમાં તે સોઢીનું પાત્ર ભજવતો હતો, પરંતુ પિતાની તબિયત ખરાબ થતાં તેણે શો છોડી દીધો હતો. તેની ઉંમર પચાસ વર્ષની છે અને તે ૨૨ એપ્રિલે સવારે સાડાઆઠ વાગ્યાની ફ્લાઇટમાં દિલ્હી જવા માટે નીકળ્યો હતો. જોકે તે દિલ્હી નહોતો પહોંચ્યો અને તે મુંબઈમાં પણ નથી. તેનો ફોન પણ બંધ આવે છે. આથી ગભરાયેલા તેના પિતાએ સાઉથ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેના પિતાએ એ પણ જણાવ્યું છે કે ગુરુચરણને કોઈ માનસિક બીમારી નથી અને તે દિમાગથી પણ એકદમ સ્વસ્થ છે. ગુરુચરણ છેલ્લી વાર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જ જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે ફૅમિલી પર ફોકસ કરવાનું નક્કી કર્યું હતું. તે હવે મિસિંગ હોવાથી ફૅમિલી ટેન્શનમાં છે અને પોલીસે તેમને બાંયધરી આપી છે કે તેઓ આ વિશે તપાસ કરી રહ્યા છે. ગુરુચરણ સિંહનો ફ્રેન્ડ એમ. એસ. સોની કહે છે, ‘ગુરુચરણ સિંહની તબિયત છેલ્લા ઘણા દિવસથી સારી નહોતી. આથી મને તેની ચિંતા છે. દિલ્હી જવા પહેલાં તેનું બ્લડ-પ્રેશર ખૂબ જ હાઈ રહેતું હતું અને એથી તેણે ઘણી ટેસ્ટ પણ કરાવી હતી. દિલ્હી જવા પહેલાં તે વધુ ભોજન પણ નહોતો કરી રહ્યો.’ ૦૦૦