રાવણને સંબંધિત ટૅટૂ ચિતરાવીને ટ્રોલ થયેલો નિકિતિન ધીર કહે છે...
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નિકિતિન ધીર સોની પર આવતી સિરિયલ ‘શ્રીમદ રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. આ જ કારણ છે કે તેણે રાવણને સંબંધિત વસ્તુઓનું ટૅટૂ પોતાની સાથળ પર ચિતરાવ્યું છે. એ ટૅટૂમાં વીણા છે અને એકો અહં, દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ લખેલું છે. એનો અર્થ થાય છે કે હું જ એકમાત્ર છું, મારા જેવું બીજું કોઈ ન ભૂતકાળમાં થયું હતું અને ન ભવિષ્યમાં થશે. તેના ટૅટૂને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે વીણા સરસ્વતી માતાનું વાદ્ય છે અને એને સાથળ પર કઈ રીતે ચિતરાવી શકાય? તેમને જવાબ આપતાં નિકિતિને કહ્યું કે મને સનાતન પર કોઈ જ્ઞાનની જરૂર નથી. નિકિતિનના પિતા પંકજ ધીરે બી. આર. ચોપડાની ‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવ્યું હતું. ટૅટૂ ચિતરાવવાની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિકિતિને કૅપ્શન આપી, ‘લાઇફ આપણા અનુભવોનો આઇનો છે. ખરી સંપત્તિ આપણું શરીર છે. દરેક ટૅટૂ આપણી લાઇફની ખાસ છાપ દેખાડે છે અથવા તો આપણા આત્મા પર અસર છોડે છે. એને સ્કિન પર ચિતરાવવી જરૂરી છે. એથી આ ટૅટૂ રાવણ માટે છે. મહાદેવનો આભાર માનું છું કે મને રાવણનું પાત્ર ભજવવાની તક મળી છે. તેમને સમજવાનો મેં પ્રયાસ કર્યો, જેણે મારા દિમાગ પર કાયમની છાપ છોડી છે. રાવણને એ વાત પર પૂરો વિશ્વાસ હતો કે એકો અહં, દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. તેઓ જાણતા હતા કે તેમના જેવો ભક્ત કદી નહીં બને. તેમના જેવો રાજા કોઈ નહીં બને, તેમના જેવો રાક્ષસ પણ જોવા નહીં મળે, તેમના જેવા બ્રાહ્મણ પણ નહીં જોવા મળે. તેઓ જ્યારે વીણા વગાડતા તો ભગવાન પણ એના સ્વર સાંભળવા નીચે ઊતરી આવતા હતા. સાથે જ તેઓ જ્યારે ચન્દ્રહાસ ઉઠાવતા તો ભગવાન ડરથી કાંપી ઊઠતા હતા. હું તેમનો આભાર માનું છું કે તેઓ મારા જીવનમાં આવ્યા. જે લોકો મને ટૅટૂ અને એના સ્થાનને લઈને જ્ઞાન આપે છે, તેમને જણાવી દઉં કે રાવણે મને શીખવ્યું છે શું કરવું અને શું ન કરવું જોઈએ. તેમનામાં ખામીઓ હતી, પરંતુ શીખવા જેવી બાબતો પણ ઘણી હતી.’