આજે વિશ્વઆખું ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહ્યું છે અને પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે એને કારણે ધરતી પર જોખમ તોળાઈ રહ્યું છે
શુભાંગી અત્રે
‘ભાબીજી ઘર પર હૈ’ની અંગૂરીભાભી એટલે કે શુભાંગી અત્રે હવે સદ્ગુરુની ‘સેવ સૉઇલ’ કૅમ્પેનમાં જોડાઈ ગઈ છે. આજે વિશ્વઆખું ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહ્યું છે અને પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે એને કારણે ધરતી પર જોખમ તોળાઈ રહ્યું છે. આ જ કારણ છે કે સદ્ગુરુની ‘સેવ સૉઇલ’ કૅમ્પેનમાં સામેલ થઈને લોકોને એ વિશે જાગ્રત કરાશે. એ વિશે શુભાંગી અત્રેએ કહ્યું કે ‘માટીનો વિનાશ થતો અટકાવવાનું મિશન શરૂ કરવામાં આવ્યું છે. ‘સેવ સૉઇલ’ અભિયાનની શરૂઆત ગ્લોબલ વિઝનરી સદ્ગુરુએ શરૂ કરી છે. એને સપોર્ટ કરતાં હું એમાં જોડાઈ ગઈ છું. હું મારા દર્શકો અને શુભેચ્છકોને વિનંતી કરું છું કે વધારે મોડું થઈ જાય એ પહેલાં માટીના મહત્ત્વને સમજો. ફળદ્રુપ માટી આપણા જીવન અને આપણા સારા માટે જરૂરી છે. વિશ્વભરમાં માટી પર જોખમ છવાયું છે અને લોકો પોતાના સ્વાર્થ માટે એનું નિકંદન કાઢી રહ્યા છે. હું સદ્ગુરુનો આભાર માનું છું કે તેમણે આપણને યોગ્ય માર્ગ દેખાડ્યો અને પૃથ્વીને બચાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. માટી પૃથ્વીનું અગત્યનું કુદરતી સંસાધન છે. એ માનવજાત માટે અનાજ વાવવાની સિસ્ટમને સપોર્ટ કરે છે. એનામાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવાની ક્ષમતા છે એથી માનવજાત માટે માટીની ખૂબ જરૂર છે.’