સતીશ શાહે કોરોનામાંથી બહાર આવતાં ડૉક્ટર્સનો માન્યો આભાર
સતીશ શાહ
સતીશ શાહે ગઈ કાલે જાહેર કર્યું હતું કે હું કોરોના વાઇરસના સંક્રમણમાંથી બહાર આવી ગયા છું આમ કહીને તેમણે ડૉક્ટર્સનો આભાર માન્યો છે. તેમણે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘યે જો હૈ ઝિંદગી’માં કામ કર્યું હતું. ૬૯ વર્ષના સતીશ શાહને ૨૦ જુલાઈએ લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા અને ૨૮ જુલાઈએ રજા આપવામાં આવી હતી. આ સંદર્ભે સતીશ શાહે કહ્યું કે ‘હું હવે એકદમ સ્વસ્થ છું. પ્રોટોકૉલ મુજબ મારે ૧૧ ઑગસ્ટ સુધી ક્વૉરન્ટીન રહેવાનું છે. મને તાવ આવ્યો હતો અને મેં એની દવા લીધી હોવાથી સારો થઈ ગયો હતો, પણ મને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું અને એમાં હું પૉઝિટટિવ આવ્યો હતો. ત્યાર બાદ હું તરત ઍડ્મિટ થઈ ગયો હતો. હું દરેકને આવું જ કરવાનું કહીશ, કારણ કે તેઓ તમને સતત મૉનિટર કરતા રહે છે અને વધુ કૉમ્પ્લીકેશન નથી થવા દેતા. આ માટે ડરવાની કોઈ વાત નથી. લીલાવતી હૉસ્પિટલના એન્જલ્સનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે.’